Get The App

અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ રોકનારી ફિલ્મ: ખુદા ગવાહ

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ રોકનારી ફિલ્મ: ખુદા ગવાહ 1 - image

- દાસ્તાન-એ-સિનેમા

- અફઘાનિસ્તાનના બંને પક્ષોએ લોહિયાળ જંગ રોકવાની ખાતરી આપી. બન્ને પક્ષના વડા  બચ્ચનને રૂબરૂ મળ્યા. એમને ફૂલોનો ગુલદસ્તો આપીને કહ્યું કે, તમે ચિંતા ન કરો. તમારી ફિલ્મ યુનિટના કોઈપણ મેમ્બરને આંચ પણ નહીં આવવા દઈએ!  

રણવીર સિંહની ફિલ્મ 'ધૂરંધર'એ ધૂમ મચાવી છે. બોક્સ ઓફિસ પર રૂપિયા ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરીને રણવીરે સાબિત કર્યું છે કે, 'બંદે મેં હૈ દમ'. તેની એક્ટિંગના ચારે કોર વખાણ થઈ રહ્યાં છે. ફિલ્મમાં જ્યારે તેની એન્ટ્રી થાય છે ત્યારે, થિયેટરોમાં સીટીઓ વાગે છે. એક તરફ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક 'આંધી બનકે આયા હૂં મેરા હૌંસલા ભી ઐયાશ હૈ..' વાગે છે. પછી, ભલે આ ગીતને ૧૯૮૫ની ધર્મેન્દ્રની ફિલ્મ 'આંધી તૂફાન'માંથી લેવામાં આવ્યું હોય પણ રણવીરનો રોલો પડે છે. બીજી તરફ, તેના લૂક સાથે લોકેશન તેની એન્ટ્રીમાં ચાર ચાંદ ઉમેરે છે. ફિલ્મને પાકિસ્તાનમાં તો શૂટ નથી કરી શક્યા એટલે, થાઈલેન્ડના બેંગકોકમાં ૬ એકર વિસ્તારમાં પાકિસ્તાન ઊભું કરવામાં આવ્યું હતું. આ સિવાય ચંડીગઢ, અમૃતસર, લદ્દાખ, મુંબઈના સ્ટુડિયોમાં ફિલ્મને શૂટ કરવામાં આવી હતી.  રણવીર ગુંડાઓની છાવણીમાં જાય છે ત્યારે, દર્શકોને તે 'થ્રિલ' પણ પસંદ આવી હતી, જે કદાચ અસલ જેવા દેખાતા સેટને કારણે ઊભી થઈ હતી. 

આ રણવીરની શાનદાર એન્ટ્રી અને સેટને કારણે ઊભી થયેલી થ્રિલ તો ઠીક. હવે, વિચાર કરો.. એન્ટ્રી એવી હોય કે, સાચી એકે-૪૭ લઈને ફરી રહેલા હથિયારધારી કબિલાઓ તમને આવકારે. અને આવકાર પણ એવો કે, તમને પગ નીચે ન મૂકવા દે. પરંપરા મુજબ તમને ખભા પર બેસાડીને રોયલ વેલકમ કરે. આ કોઈ ફિલ્મની વાત નથી. આ ફિલ્મ માટે ઊભી કરવામાં આવેલી થ્રિલ નથી. હકીકતમાં બનેલી ઘટના છે. 

બન્યું એવું કે, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અફઘાનિસ્તાનમાં શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને સ્થાનિક કબિલાના સરદાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું. બચ્ચન પહોંચ્યા ત્યારે સ્થાનિક રિવાજ અનુસાર તેમનું સ્વાગત કરાયું. વિસ્તારના લોકો માનતા કે, મહેમાનના પગ જમીનને સ્પર્શ ન કરવા જોઈએ એટલે બચ્ચનને ઊંચકીને કિલ્લામાં લઈ જવામાં આવ્યા. આ સ્વાગત તો ખાલી ઝાંકી હતી, ફિલ્મ આખી બાકી હતી. ફિલ્મને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં શૂટ કરવામાં આવી હતી. એટલે ફિલ્મના સ્ટાર્સ માટે તે અલગ લેવલની થ્રિલ રહી હતી. જેમ 'ધૂરંધર' ફિલ્મે પાકિસ્તાનમાં પ્રતિબંધ હોવા છતાં પણ ધૂમ મચાવી છે. તેમ આ ફિલ્મે યુદ્ધનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં ધૂમ મચાવી હતી. અફઘાનીઓને ફિલ્મ અને તેના કલાકારો એટલા પસંદ આવ્યા કે આખેઆખી ટીમને 'ઓર્ડર ઓફ અફઘાનિસ્તાન'થી સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મ અન્ય કોઈ નહીં પણ ૧૯૯૨ની ધૂરંધર 'ખુદા ગવાહ' હતી. 

ગૃહયુદ્ધ વચ્ચે ખુદા ગવાહ  

'ખુદા ગવાહ'ને જ્યારે શૂટ કરવામાં આવી ત્યારે અફઘાનિસ્તાન ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું હતું. શૂટિંગ દરમિયાન 'ખુદા ગવાહ'ની ટીમને કેવા અનુભવ થયા તે વિશે જાણતા પહેલા અફઘાનિસ્તાન ગૃહયુદ્ધની પૃષ્ઠભૂમિ જાણીએ. ૧૯૭૦ના દાયકામાં અફઘાનિસ્તાન ગરીબ દેશ હતો, પરંતુ તેણે સોવિયત યુનિયન અને અમેરિકા વચ્ચે સંતુલન જાણવી રાખ્યું હતું. ૧૯૭૮માં આ સંતુલન તૂટી પડયું. સાર ક્રાંતિ નામના કમ્યુનિસ્ટ કૂ દ્વારા અફઘાન સરકારને ઉખેડી ફેંકવામાં આવી. મોસ્કો સમર્થિત પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાન સત્તા પર આવી. થોડા સમયમાં આ સરકાર વિરૂદ્ધ બળવો ફાટી નીકળ્યો, જેના પરિણામે ૧૯૭૯માં સોવિયત સૈનિકો અફઘાનિસ્તાનમાં ઘૂસ્યા. સોવિયત યુનિયનને ધારણા હતી કે, ટૂંકા સમયના યુદ્ધમાં કોઈ નુકસાન નહીં થાય, પરંતુ યુદ્ધ આશરે ૧૦ વર્ષ ચાલ્યું. આ દસ વર્ષમાં ૬.૨ લાખ સોવિયત સૈનિકોએ ફરજ બજાવી. આ દરમિયાન અમેરિકાનું સીઆઈએ ઓપરેશન સાઈક્લોન સાથે હરકતમાં આવ્યું. પાકિસ્તાન આઈએસઆઈ દ્વારા અવચંડાઈ કરી રહ્યું હતું. ચીન શો પૂરાં પાડી રહ્યું હતું, જ્યારે સાઉદીએ લડાકુઓ માટે નાણાંના ભંડાર ખોલ્યા હતા. પરિણામ એવું આવ્યું કે, ૧૦થી ૨૦ લાખ અફઘાન નાગરિકોનાં મોત થયા. ૨૦ લાખથી વધુ ઘાયલ થયા અને ૫૦ લાખથી વધુએ શરણાર્થી શિબિરોમાં આશરો લીધો. એટલે કહેવાનો મતલબ એ કે, આ માહોલમાં ફિલ્મના શૂટિંગનો વિચાર કરવો અશક્ય હતો, પરંતુ અનેક અડચણો વચ્ચે પણ શૂટિંગ થયું અને 'ખુદા ગવાહ' બની. 

માતાઓની ચિંતા 

'મા તે મા, બાકી બધા વગડા ના વા' - આ ગુજરાતી કહેવત જેટલા સાચા શબ્દો એકપણ નહીં. આ ફિલ્મના શૂટિંગ પહેલા આ કહેવત સાચી પડી. શ્રીદેવીની માતા રાજેશ્વરીએ નિર્માતા મનોજ દેસાઈને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મનોજજી, જો શ્રીને કંઈ થયું તો તમે પાછા ન આવતા, નહીં તો હું તમને મારી નાખીશ. આ વાત મનોજ દેસાઈએ એક ઈન્ટવ્યુમાં કહી હતી. આ સિવાય અમિતાભની માતા તેજી બચ્ચને પણ મનોજ દેસાઈને ખખડાવ્યા હતા. તેમણે કહ્યું કે, જો અમિતાભને કંઈ થયું અને જયાએ સફેદ સાડી પહેરવી પડી તો મનોજની પત્નીએ પણ સફેદ સાડી પહેરવી પડશે, કારણ કે મનોજ પણ પાછો નહીં આવે. માતાઓની ચિંતા પણ વાજબી હતી, અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ભયજનક હતી. 

બચ્ચન માટે યુદ્ધવિરામ 

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહની પુત્રી અમિતાભ બચ્ચનની ફેન હતી. બચ્ચન કાબુલમાં ફિલ્મનું શૂટિંગ કરી શકે તે માટે તેણે પિતાને અપીલ કરી હતી. પુત્રીની માંગ પર પિતા નજીબુલ્લાહએ કટ્ટર વિરોધીને કહી દીધું હતું કે, આપણા બંને વચ્ચે ભલે દુશ્મની પણ બચ્ચનને કંઈ થવું ન જોઈએ. વિરોધ પક્ષના નેતા બુર્હાનુદ્દીન રબ્બાની કે જે થોડા સમય બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા, તેમણે નજીબુલ્લાહની હામાં હા મિલાવીને બંને પક્ષો વચ્ચેની ખૂની જંગ રોકવાની ખાતરી આપી હતી. તેઓ બચ્ચનને રૂબરૂ મળ્યા હતા. બચ્ચનને ફૂલોનો ગુલદસ્તો આપીને કહ્યું કે, તમે ચિંતા ન કરો. તમારી ફિલ્મ યુનિટના કોઈપણ મેમ્બરને આંચ પણ નહીં આવવા દઈએ.  હવે વિચારો, ફિલ્મ 'ધૂરંધર'માં જો રણવીરે રહેમાન ડકૈત અને અરશદ પપ્પુ વચ્ચે સમાધાન કરાવ્યું હોત તો કેવો રોલો પડત? અમિતાભ બચ્ચને તો રીયલ લાઈફ રહેમાન ડકૈત અને અરશદ પપ્પુ એટલે કે, નજીબુલ્લાહ અને બુર્હાનુદ્દીન રબ્બાની વચ્ચે સમાધાન કરાવ્યું હતું. એટલે, ભલે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર બચ્ચન ટ્વીટ કરતાં પહેલા ટ્વીટનો નંબર લખે. યુઝર્સ 'આ અંકલ શું કરી રહ્યાં છે?' કહીને તેમનો મજાક ઉડાવે, અને આ નિત્યક્રમ ચાલ્યા કરે, પરંતુ આ અંકલ સાચા અર્થમાં ઘણું બધું કરીને બેઠા છે. કદાચ જેના લેશમાત્ર વિચારને પણ આજકાલના યુવાનો કૂલ સમજે છે. 

શાહી આગતાસ્વાગતા 

'ખુદા ગવાહ'ના શૂટિંગ દરમિયાન ફિલ્મના કલાકારોને શાહી સ્વાગત કોને કહેવાય તેનો ખ્યાલ આવ્યો હતો. હોટલો અસુરક્ષિત હોવાથી એક ધનાઢય પરિવારે પોતાનું ઘર ખાલી કરીને સ્ટાર્સને રહેવા માટે આપ્યું હતું. શૂટિંગનું શેડયુલ અફઘાન સૈન્ય અધિકારીઓની મંજૂરી બાદ જ નક્કી કરવામાં આવતું હતું. અમિતાભ બચ્ચન અને શ્રીદેવી જ્યારે શૂટિંગ માટે નીકળતાં ત્યારે તેમના વાહનોની આગળ-પાછળ પાંચ-પાંચ ટેન્કો સાથે સશસ્ત્ર કાફલો ચાલતો હતો. રાષ્ટ્રપ્રમુખોને આપવામાં આવતી સુરક્ષા અમિતાભ બચ્ચન સહિતના સ્ટાર્સને આપવામાં આવી હતી. આ ભારતનો સોફ્ટ-પાવર જ હતો, જેના કારણે ગૃહ યુદ્ધ વચ્ચે પણ કલાકારોને શાહી સ્વાગત અપાયું હતું. રિપોર્ટ મુજબ, એક શાહી કબીલાએ બચ્ચનને એક ઘોડો ગિફ્ટમાં આપ્યો હતો. 

સ્ટાઇલિશ ડિરેક્શન, અફલાતૂન ગીતો

ટીવી ચાલુ કરો અને 'સૂર્યવંશમ્' જોવા મળે, પરંતુ, 'ખુદા ગવાહ' ભાગ્યે જ જોવા મળે. પરિણામ એવું આવ્યું કે આ ફિલ્મ વિશે ઘણું બધું ભૂલાઈ ગયું. એ વાત ભૂલાઈ ગઈ કે, શ્રીદેવીની બાયોગ્રાફી મુજબ, એને આ ફિલ્મમાં લેવા માટે બચ્ચને ગુલાબ ભરેલી ટ્રક મોકલી હતી. છેક ત્યારે શ્રીદેવી ડબલ રોલ માટે તૈયાર થઈ. એ વાત ભૂલાઈ ગઈ કે, આ ફિલ્મમાં નાગાર્જુન, શિલ્પા શિરોડકર, ડેની, કિરણકુમાર પણ છે. મુકુલ આનંદે સ્ટાઇલિશ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મનાં સુપરહિટ સોંગ્સ આનંદ બક્ષીએ લખ્યાં છે, જ્યારે લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીએ અફલાતૂન સંગીત આપ્યું છે. હવે, આ ફિલ્મને આશા રિમિક્સ વર્ઝન પાસેથી છે. કોઈ 'તૂ મુઝે કુબુલ.. મૈં તુઝે કુબુલ' અને 'તૂ ના જા રે મેરે બાદશાહ...'નું રિમિક્સ લાવશે ત્યારે ફરી આ ફિલ્મ ગાજશે. 

'ખુદા ગવાહ', એબીસીએલ અને શીખ  

'ખુદા ગવાહ' સાથે એક માન્યતા જોડાયેલી છે. ઘણા માને છે કે, આ ફિલ્મને કારણે અમિતાભ બચ્ચનની એબીસીએલ કંપની પડી ભાંગી હતી. 'ખુદા ગવાહ'ને રૂપિયા ૫.૭ કરોડના બજેટ સાથે બનાવવામાં આવી હતી. ફિલ્મે રૂપિયા ૧૭.૦૫ કરોડની કમાણી કરી હતી, જ્યારે એબીસીએલ એટલે કે, અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડની સ્થાપના આ ફિલ્મની રિલીઝના ત્રણ વર્ષ બાદ ૧૯૯૫માં થઈ હતી. એક વાત પાક્કી કે, 'ખુદા ગવાહ' અને એબીસીએલ એપિસોડમાંથી આપણે બોઠપાઠ ચોક્કસ લઈ શકીએ. 'ખુદા ગવાહ' એટલે અમિતાભ માટે સફળતાનો શિખર અને એબીસીએલ એટલે એક એવી પડતી જેમાંથી ભાગ્યે જ કોઈ બહાર આવી શકે. એબીસીએલે મિસ વર્લ્ડ ૧૯૯૬, ઈન્ટરનેશનલ શોઝ, વિદેશી ક્રિકેટ, ગેમ્સ સાથે કોર્પોરેટ સામ્રાજ્ય બનાવવા માટે આંધળી દોડ લગાવી. સામ્રાજ્ય તો ના બન્યું પણ જે હતું તે પણ જતું રહ્યું, પરંતુ અહીં બચ્ચનની સ્થિતપ્રજ્ઞાતા કામમાં આવી. ભગવાન કંઈક આપતા પહેલા કંઈક લઈ લે તેવું બન્યું. થોડાં વર્ષોની મુશ્કેલીઓ તેમને એક શોમાં એન્કર બનવાની ઓફર મળી. કોઈને સવાલ થાય કે, સુપરસ્ટાર ટીવીના પડદે શું કામ આવે? પરંતુ, અમિતાભે 'કૌન બનેગા કરોડપતિ?'ની ઓફર સ્વીકારી. ત્યારબાદ, અમિતાભની સફળતાનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાયો. આપણે યાદ જ રાખવું રહ્યું કે, કોઈપણ માણસે ફક્ત ફોર્વર્ડ મૂવમેન્ટ સાથે ચેસની રમત નથી જીતી, ક્યારેક જીત મેળવવા માટે પાછું પગલું ભરવું પડે છે.