સૌજાણે છે એમ આર. માધવન એક બુદ્ધિશાળી અને વિચારવંત એક્ટર વિષય પર બોલી શકે છે પણ સિનેમા વિશે એનો ગહન અભ્યાસ છે. માધવન ફિલ્મોમાં આવેલા કે આવી રહેલા બદલાવતું ઊંડું નિરીક્ષણ કર્યા બાદ જ પોતાનો મત દર્શાવે છે. એટલે એનું નિરીક્ષણ અને એનો મત મૌલિક બની રહે છે. બહુચર્ચિત ફિલ્મ 'ધુરંધર' માં આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો રોલ કરનાર એક્ટરે હમણાં એક ઈવેન્ટમાં મુંબઈના મિડીયાના એક નવા મુદ્દા વિશે વાત કરી. માધવને હિન્દી સિનેમામાં માત્ર સોલો લીડ્સ (એક જ હીરો પ્રમુખ ભૂમિકા ભજવતો હોય એવી ફિલ્મ) જ ચાલે એવી લાંબા સમયથી ચાલી આવતી માન્યતાને પડકારતા કહ્યું, 'આપણે મેન્ટલ કન્ડિશનીંગની પ્રોડક્ટ છીએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી આપણને એવું માનવીની ફરજ પાડે છે કે અહીં સોલો લીડ્સ જ સફળ થાય. પરંતુ તમે હોલિવુડમાં જુઓ, ત્યાં અલ પસીનો, જેક નિકલસન, અને રોબર્ટ ડી નેરો જેવા ગ્રેટ એક્ટરોએ એક ફિલ્મમાં પેરેલલ (સમાંતર) લીડ રોલ્સ કર્યાં છે. મારી પોતાની વાત કરું તો 'શૈતાન'માં મારી ભૂમિકા પૂરેપૂરો લીડ રોલ હતો. અમુક લોકો એને સપોર્ટિંગ રોલ ગણાવી શકે છે, પણ એ સહાયક ભૂમિકા નહોતી. 'રંગ દે બસંતી' માં હું માંડ નવ મિનિટ સ્ક્રીન પર આવું છું, પણ એ ફિલ્મના લીડ રોલ્સ પૈકીનો એક હતો. જ્યારે 'થ્રી ઈડિયટ્સ'માં અમે ત્રણેય - હું આમિર અને શર્મન - લીડ એક્ટર્સ હતાં.
પોતાના મુદ્દાને એકદમ તર્કસંગત બનાવવા માધવન એક તાજો દાખલો આપે છે, 'તમે જુઓ કે, 'ધુરંધર' માં રણવીર સિંહ લીડ રોલમાં નથી એવું કોઈ કહી શકે? આખી કાસ્ટમાં એને સૌથી વધુ સ્ક્રીન ટાઈમ મળ્યો છે, પરંતુ તમે પાછળ હટી બીજા એક્ટરને નેરેટીવ સ્ટોરી આગળ લઈ જવા દો ત્યારે એમાં તમારી મેચ્યોરિટી દેખાય છે. લીડ એક્ટર આવું કરે તો જ આઈકનિક ફિલ્મ બને. 'ધુરંધર'માં બીજા એક્ટર્સને સ્પેસ (મોકળાશ) આપવા બદલ હું રણવીરને સલામ કરું છું. 'શૈતાન'માં અજય દેવગને પણ પણ એવી જ મેચ્યોરિટી દાખવી હતી. ઈન શોર્ટ આજે પ્યોરલી સોલો હીરો ફિલ્મ્સ ચાલતી નથી. 'કેજીએફ' કે 'કાંતારા' જેવી ફિલ્મો એમાં અપવાદ છે. મારા પેરેલલ લીડસ જ ભવિષ્યની આશા છે કારણ કે સ્ટોરીટેલિંગ આજે બહુ વિકસી ચુક્યું છે.'
મિડીયા પર્સન્સના આગ્રહ પર બોલિવુડ અને હોલિવુડ વચ્ચે તુલના કરતા 'તનુ વેડ્સ મનુ'નો નાયક કહે છે, 'અમેરિકા એ આપણને બધાને એવું ઠસાવી દીધું છે કે દુનિયામાં ક્યાંય પણ કોઈ પ્રોબ્લેમ હોય તો અમેરિકા જ એનો ઉકેલ લાવી શકે. હોલિવુડની ફિલ્મોમાં એવું દર્શાવાય છે કે અમેરિકનો પાસે બધી વાતનો ઉકેલ છે. એને કારણે આજે હોલિવુડ સોફ્ટ પાવરનું એક શક્તિશાળી કેન્દ્ર બની ગયું છે. પરગ્રહવાસીઓનું પૃથ્વી પર આક્રમણ હોય કે કોઈક વૈશ્વિક કટોકટી, અમેરિકાની ફિલ્મો પોતાના દેશવાસીઓને શક્તિશાળી, બુદ્ધિશાળી અને વૈજ્ઞાાનિક રીતે અત્યંત પ્રગતિશીલ વ્યક્તિઓ તરીકે જ ચીતરે છે. એ જ કારણસર દુનિયા આખી એમને અનુસરે છે. આપણી ફિલ્મોની સ્ટોરીઝ મોટા ભાગે નાનાં નગરો અને ટૂંકી માનસિકતા પૂરતી સીમિત રહે છે. 'ધુરંધરે' બતાવી દીધું છે કે ભારતીયો દીવાલ સરસા જડાઈ ગયા બાદ શું કરી શકે છે. મરણિયા બન્યા બાદ તેઓ કેવો કહેર મચાવી જાણે છે.
માધવનના જણાવવા મુજબ ફિલ્મ શરૂઆતમાં જ એવો ખુલાસો કરે છે કે મૂવીમાં આવી ઘટનાઓ પરતી પ્રેરિત એક કાલ્પનિક કથાનક છે.
'ધુરંધર'માં જે પણ બતાવાયું છે એના મૂળમાં એક હકીકત છે, આપણા પર વારંવાર આક્રમણ થયું, બોમ્બ વરસાવાયો, આપણાં પ્લેનને હાઈજેક કરી કંદહાર લઈ જવાયું અને મુંબઈ પર ૨૬/૧૧નો ત્રાસવાદી હુમલો થયો. આ બધા હુમલાખોરો કોણ છે? જો તેઓ આપણા દુશ્મન છે તો આપણે એમની સામે શું વળતા પગલાં લીધાં? ગુનાની માત્ર હેડલાઈન્સ બને છે, તમારે એનો જડબાતોડ જવાબ આપવો પડે. ભારતમાં એવા દેશપ્રેમી લોકો છે, જે આપણી જાણ બહાર આપણી રક્ષા કરી રહ્યા છે. તેઓ ચુપચાપ પોતાની ફરજ બજાવે છે. એક રાષ્ટ્ર તરીકે જો આપણે આપણી આઝાદીની સુરક્ષા રનાર વીરોનું ઋણ સ્વીકારવામાં નિષ્ફળ જઈએ તો એ આપણી મોટી ભૂલ છે, કબુલ કે આપણામાં કમીઓ છે, આપણી સમસ્યાઓ છે, પણ આપણા દેશમાં ધબકતું લોકતંત્ર છે. એમાં કોઈને શંકા ન હોઈ શકે. અસંમતિઓ તો થાય, એ સહજ છે, પરંતુ દેશથી મોટી કોઈ વસ્તુ નથી, અને દરેક બાબત રાજકારણ સાથે જોડાયેલી નથી હોતી.
'રહેના હૈ તેરે દિલ મેં' થી લઈ 'શૈતાન' અને 'ધ રેલવેમેન' જેવા પ્રોજેક્ટ્સ સાથેની માધવનની કરીઅર દર્શાવે છે કે એણે પોતાના પાત્રોમાં હમેશાં વૈવિધ્ય પસંદ કર્યું છે, એણે એકના એક રોલ્સ કરવાનું ટાળ્યું છે. અને હવે ૫૫ વરસની વયે એના પરથી ફિલ્મોમાં સોલો હીરો રોલ કરવાનો બોજ પણ ઉતરી ગયો છે. તો શું હવે એક્ટર એની કરીઅરના બહેતર ક્રિયેટીવ સ્પેસમાં છે? એનો હકારમાં જવાબ આપતા માધવન કહે છે, 'હું હવે પુનરાવલોકન કરતો થયો છું. મને લાગે છે કે મારી ક્ષમતાના પ્રમાણમાં મેં ઈન્ડસ્ટ્રીને બહુ ઓછું આપ્યું છે. હું જે પ્રકારના પાત્રો ભજવી શકું છું એની કોઈને કલ્પના પણ નથી. આ સંદર્ભમાં મારી આવનારી ફિલ્મો જ વધુ પ્રકાશ પાડશે.'


