- પ્રેમીઓના મિલનની ભાવભરી ક્ષણો કે જુદાઈની હૃદયદ્રાવક ઘડીઓ વગરની વર્તમાન ફિલ્મો સુની લાગે છે. 'આવારા', 'પ્યાસા'થી લઈને 'સિલસિલા', 'કયામત સે કયામત તક' અને 'મૈંને પ્યાર કિયા'નો રોમાન્સ કોણ ભૂલી શકવાનું છે?
- સિલસિલા
- કયામત સે કયામત તક
- મૈંને પ્યાર કિયા
- પ્યાસા
- આવારા
મેળામાં, કોલેજમાં અથવા સામાજિક પ્રસંગે નાયક-નાયિકાની પહેલી મુલાકાત થાય છે. થોડા તણખાં ઝર્યા પછી તેઓ એકમેકના પ્રેમમાં પડે છે. હાથમાં હાથ નાંખીને બગીચામાં, પહાડીઓમાં કે વૃક્ષોની ફરતે ડાન્સ કરતાં તેઓ એક-બે ગીત ગાય છે. હજુ તો તેઓ પ્રેમજીવનની મજા માણે ત્યાં કુટુંબીઓ, સમાજના આગેવાનો કે ખલનાયકો તેમના પ્રેમપંથમાં કાંટા પાથરી દે છે. એકમેકના પ્રેમમાં પાગલ આ પ્રેમીઓ દુનિયાને તેમની લાગણીઓની શક્તિ દર્શાવવા પડકારોનો સામનો કરે છે અને છેવટે ખાધુ-પીધું ને રાજ કર્યા જેવો તેમની પ્રેમકથાનો અંત આવે છે.
'કટ'! આ છે મસાલા-કમર્શીયલ હિન્દી ફિલ્મ. આની કથા 'મિલન-જુદાઈ-મિલન'ના ત્રિકોણ વચ્ચે જ પાંગરી હોય છે. માત્રને માત્ર મનોરંજન આપવાના હેતુસર બનાવાતી હિન્દી ફિલ્મોનું કેન્દ્રબિંદુ 'પ્રેમ' જ હોય તે સર્વવિદિત છે. 'આવારા'થી 'આ ગલે લગ જા' અને 'મૈંને પ્યાર કિયા' થી 'દિલવાલે દુલ્હનીયાં લે જાએંગે' સુધીની મોટા ભાગની ફિલ્મોનું હાર્દ પ્રણયકથા જ હતી. અને પ્રેક્ષકો આજે પણ આ ફિલ્મોને દિલથી યાદ કરે છે. કે. એલ. સાયગલ, રાજ કપૂર, દિલીપકુમાર, શશી કપૂર, શમ્મી કપૂર, ઋષિ કપૂર, રાજેશ ખન્ના, આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન જેવા હીરો આશિકની ભૂમિકાઓ ભજવીને જ પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન પામ્યા છે. પરંતુ આજે ફિલ્મોમાં પ્રેમકથા જોવા જ મળતી નથી. પ્રયોગાત્મક અથવા અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ફિલ્મો બનાવનારા નિર્માતા-દિગ્દર્શકો કદાચ, પ્રેમકથાને વિસરી ગયા લાગે છે. અથવા તો પછી દર્શકો આવી ફિલ્મ જોવા ઇચ્છતાં નથી?
છેલ્લા એક દાયકામાં બનેલી હિન્દી ફિલ્મોમાં યુવા પ્રેમીઓની કથા ધરાવતી ફિલ્મોની સંખ્યા માત્ર આંગળીના વેઢે ગણાય એટલી જ છે. અભય દેઓલની 'દેવડી', ચિત્રાંગદા સિંહની 'હઝારોં ખ્વાહિશે ઐસી', ઇમરાન-જેનેલિયાની 'જાને તૂ યા જાને ના', સૈફ-રાણીની 'હમતુમ' જેવી ફિલ્મોમાં પ્રેમકથા હતી પણ તેનું ફિલ્માંકન અલગ રીતે કરવામાં આવ્યું હતું. બસ, આ સિવાયની ફિલ્મોમાં દિલની ધડકન સાંભળવા મળી નહોતી કે એકમેક ખાતર મરી ફિટે તેવા પ્રેમીઓ નહોતા. વળી ક્લાસિક લવસ્ટોરી ધરાવતી તો એક પણ ફિલ્મ બની જ નથી. (એકમાત્ર 'જબ વી મેટ'માં તેનો થોડો અંશ જોવા મળ્યો હતો.) તેના બદલે મિત્રોની કે ભાઈઓની કથા ધરાવતી અથવા વાસ્તવિકતાને સ્પર્શતી ફિલ્મો જ બની છે. ભાઈઓ કે મિત્રોની કથા ધરાવતી ફિલ્મમાં અભિનેત્રીઓ તો નામ માત્રની જ હોય છે. અભિનેતાઓ જ પોતાની મોજ-મસ્તીમાં ડુબેલા જોવા મળે છે. 'જિંદગી ના મિલેગી દોબારા', 'પ્યાર કા પંચનામા', 'દિલ્હી બેલી' જેવી ફિલ્મો આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ફિલ્મોમાં આજના યુવાનોનું જીવન તેમના વિચારો દર્શાવામાં આવ્યા છે પરંતુ પ્રેમ વિશેની લાગણી ખૂબ જ ઓછા પ્રમાણમાં વ્યક્ત થાય છે.
એવું નથી કે અગાઉ માત્ર મિત્રો કે ભાઈઓના જીવન પર આધારિત ફિલ્મ બની નથી. મનમોહન દેસાઈની 'અમર અકબર એન્થની' તથા નાસિર હુસેનની 'યાદો કી બારાત' ફિલ્મ આવી જ હતી. 'અમર'...માં અમિતાભ બચ્ચન-વિનોદ ખન્ના ઋષિ કપૂર સાથે પરવીન બાબી-શબાના આઝમી નીતુ સિંહની ભૂમિકા પણ સારી હતી અને પ્રેમકથા સુધ્ધાં ફિલ્મની મુખ્ય કથાના કેન્દ્રમાં હતી. આવું જ 'યાદોં કી બારાત'માં જોવા મળતું હતું. જોકે ત્યાર બાદ ફિલ્મોમાં મારધાડ તથા એંગ્રીયંગ હીરોની ઇમેજ જ જોવા મળતી હતી.
૮૦'ના દાયકાના અંતમાં આમિર અને સલમાન ખાન ચોકલેટ હીરો તરીકે આવ્યા અને તેમણે 'કયામત સે કયામત તક' તથા 'મૈંને પ્યાર કિયા' જેવી ફિલ્મો દ્વારા ફરીથી લવસ્ટોરીના યુગનો આરંભ કર્યો હતો. શાહરૂખ ખાન પણ તેમની સાથે જોડાયો. આ ત્રણે ખાન કલાકારોએ શ્રેષ્ઠ પ્રેમીની ઇમેજને વધુ ઉજળી બનાવી અને તરુણીઓ તથા યુવતીઓ તેમની દિવાની બની ગઈ હતી. આ ઉપરાંત પ્રેમ ખાતર જાનને દાવ પર લગાડનારા જ ખરા 'હીરો' કહેવાય એવી છાપ તેમણે ઊભી કરી હતી.
પરંતુ આજના યુવાનોમાં આ જુસ્સાનો અભાવ જોવા મળે છે. ભૌતિકવાદી કમ્પ્યુટર યુગમાં કોઈની પાસે પ્રેમ ખાતર મરી ફિટવાનો સમય જ નથી. તેઓ 'તુમ નહિ તો ઔર સહી'ના મંત્ર સાથે જીવન જીવે છે. આજની કોમેડી ફિલ્મોમાં નાયકોનું આજ વલણ જોવા મળે છે. ફિલ્મના નાયક-નાયિકા સાવ ક્ષુલ્લક બાબતોમાં જ અટવાતાં રહે છે અને 'પ્રેમ' માટે તો તેમની પાસે સમય જ હોતો નથી.
જોકે છેલ્લા થોડા વખતથી હિન્દી સિનેઉદ્યોગમાં એકશન ફિલ્મોનો દોર ફરી શરૂ થયો છે. 'દબંગ', 'રેડી', 'સિંઘમ' જેવી ફિલ્મમાં સલમાન અને અજય તેમનાથી અડધી ઉંમરની અભિનેત્રી સાથે ગીત ગાતા જોવા મળે છે ખરા. પણ તેમનો મુખ્ય ધ્યેય કોઈ બીજો જ હોય છે. તેમના માટે પ્રેમિકા મહત્ત્વની હોતી નથી. રોમેન્ટિક ફિલ્મોમાં મેચો હીરો ફિટ બેસતો નથી. અને આજના ચાળીસી વટાવી ગયેલા મોટા ભાગના હીરો પોતાની ખડતલ, મેચો કાયા દર્શાવીને જ ટકી રહેવાના પ્રયાસો કરે છે. આથી તેઓ લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ ન જ સ્વીકારે તે સ્વાભાવિક છે.
આટલું ઓછું હોય તેમ આજની ફિલ્મોમાં સાવ ફાલતૂ કહી શકાય તેવી રમૂજને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે. આથી તેમાંથી પ્રણયકથા તો સાવ જ બાકાત થઈ જાય છે.
આજે ફિલ્મો અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ટૂંક સમયમાં તૈયાર થઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનતી આ ફિલ્મો ખરાબ છે એવું નથી. પણ તેમાં લાગણી જ હોતી નથી. બે પ્રેમીઓના મિલનની ભાવભરી ક્ષણો કે જુદાઈની હૃદયદ્વાવક ઘડીઓ વગરની ફિલ્મો એકદમ સુનીસુની લાગે છે. 'આવારા'માં જોવા મળેલો રાજ-નરગીસનો પ્રેમ કે 'પ્યાસા'ની ગુરુ દત્ત-વહિદા રહેમાનની લાગણીઓ કે 'સિલસિલા'નો અમિતાભ-રેખાનો પ્રણય હજુ આજે પણ આંખ સામે તરવરે છે. શું આજના ફિલ્મમેકરોને આની ખોટ નથી લાગતી?


