દૂલ્હન-સી સજી ધરતી, ખુલા વો આસમાં .
- શંકર-જયકિસનને ભૈરવી રાગિણી ખૂબ માનીતી હતી. તેમનાથી પ્રેરાઈને નદીમ શ્રવણે 'આ અબ લૌટ ચલેં' ફિલ્મમાં ત્રણેક ગીતો ભૈરવીમાં આપ્યાં છે
ફિફિલ્મનું નામ કે ગીતનું મુખડું સાંભળતાંજ રુંવાડાં ખડાં થઇ જાય એવું એક સદાબહાર ગીત. ખરા અર્થમાં ગ્રેટેસ્ટ શોમેન એવા રાજ કપૂરની બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મ 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'નું આ ઐતિહાસિક ગીત ઘણી બધી રીતે અનોખું હતું. એક સાવ અદનો આદમી ચંબલની કોતરોના ખૂંખાર ડાકુઓનું હૃદય પરિવર્તન કરાવીને એમને સમર્પણ કરાવવા લઇ આવતો હોય એવું દ્રશ્ય. એક તરફ બળદગાડાં અને ખચ્ચરો પર ડાકુઓની ઘરવખરી અને ડાકુ પરિવારો, જેમાં બાળકોથી માંડીને જૈફ વયના ડાકુઓનો સમાવેશ હોય. વચ્ચે કરડા ચહેરાવાળો પ્રાણ આંખોમાં ઝનૂન આંજીને ચાલતો હોય. બીજી તરફ સંખ્યાબંધ વાનમાંથી ઊતરેલા હથિયારધારી અસંખ્ય પોલીસમેન, રેતાળ રણપ્રદેશની ધગધગતી રેતી, માથા પર આગ ઓકતો સૂર્ય. સેંકડો કલાકારો ઉપરાંત કેમેરામેન અને યુનિટના માણસો. આ બધાંની સાથે પરસેવે રેબઝેબ અને શૂટિંગનું સુપરવિઝન કરતા ખુદ રાજ કપૂર.
આ ગીત મૂકેશજી અને લતાજી ઉપરાંત કોરસના કંઠમાં હતું. મુખડું હતું, 'આ અબ લૌટ ચલેં, નૈન બિછાયે, બાંહે પસારે, તુઝ કો પુકારે, દેશ તેરા.... આજા રે...' કેટકેટલાં વાદ્યો, કેટલાં કોરસ સિંગર્સ. મુખ્ય ગાયકો સાથે કેટલા કલાક રિહર્સલ અને કેટલા કલાક રેકોડગમાં ગયા એનો પણ એક જુદો લેખ થઇ શકે. આપણે જોકે રાજ કપૂરના ટેલેન્ટેડ એક્ટર પુત્ર રિશિ કપૂરે નિર્દેશિત કરેલી એકમાત્ર ફિલ્મ 'આ અબ લૌટ ચલે' (૧૯૯૯)ની વાત કરવી છે. આર. કે. ફિલ્મ્સના બેનર તળે બનેલી આ છેલ્લી ફિલ્મ. આજે તો આર. કે. સ્ટુડિયો પણ નથી રહ્યો, આર. કે. ફિલ્મ્સ બેનર પણ નથી રહ્યું, રાજ કપૂર કે રિશિ કપૂર પણ નથી રહ્યા.
'આ અબ લૌટ ચલેં' ફિલ્મને હિટ બનાવવા રિશિ કપૂરે ખૂબ મહેનત કરેલી. મનમોહન દેસાઇની જેમ ફિલ્મમાં મનોરંજનનો સારો એવો મસાલો પણ ભરેલો. છતાં ફિલ્મ રજૂ થઇ ત્યારે લગભગ ફ્લોપ નીવડી હતી. ફિલ્મ નહીં ચાલવાનાં ઘણાં કારણ હતાં. 'તુમ સા નહીં દેખા' ફિલ્મનાં ગીતોનો આસ્વાદ લીધો ત્યારે કહેલું કે ઓ. પી. નય્યર જોડે નદીમ-શ્રવણની તુલના અશક્ય છે. શંકર-જયકિસન જોડે તો નદીમ શ્રવણનું નામ પણ મૂકી શકાય નહીં. 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'નાં બધાં ગીતો સુપરડુપર હિટ હતાં, પણ રિશિ કપૂરની આ ફિલ્મનાં ગીતો માટે એવું કહી શકાય નહીં. અહીં ગીતો સમીરનાં અને સંગીત નદીમ-શ્રવણનું હતું.
'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'ના સંગીતકાર શંકર-જયકિસનને ભૈરવી રાગિણી ખૂબ માનીતી હતી અને એ બંનેએ ભૈરવીમાં અનેક યાદગાર ગીતો આપ્યાં છે. કદાચ, યસ કદાચ જ, શંકર-જયકિસનથી પ્રેરાઇને નદીમ શ્રવણે 'આ અબ લૌટ ચલેં' ફિલ્મમાં ત્રણેક ગીતો ભૈરવી (વિદ્વાનોની દ્રષ્ટિએ નટભૈરવી)માં આપ્યાં છે. એમના પરિશ્રમને બિરદાવવો રહ્યો. ત્રણે ગીતો સારાં બન્યાં છે, પરંતુ એ ગીતોને યાદગાર કહી શકાય એમ નથી.
ટાઇટલ ગીત કહી શકાય એવું પહેલું જ ગીત 'દૂલ્હન-સી સજી ધરતી, ખુલા વો આસમાં, બુલાતા હૈં હમેં ફિર વો ચાહત કા જહાં, આ અબ લૌટ ચલેં...' ગીત ભૈરવીમાં ઉપડે છે. પાછળથી રાગ દરબારી ભળે છે. ગીતને વધુ મધુરતા બક્ષે છે. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિાકના કંઠે આ ગીત જમાવટ કરે છે.
ઉદિત નારાયણ અને જસપીંદર નરુલાના કંઠે ગવાયેલા ગીત 'તેરે બિન ઇક પલ દિલ નૈયો લગદા, દેખલું એક ઝલક, આ જા, અબ આ ભી જા...' ફિલ્મ સંગીતના સુવર્ણ યુગ તરીકે ઓળખાયેલા સમયના તમે ચાહક હો તો તમને આ ગીતમાં મલ્લિકા-એ-તરન્નુમ નૂરજહાંના એક ગીતની અસર દેખાશે. એ ગીત નૂરજહાંએ પાકિસ્તાનની એક ફિલ્મ માટે ગાયું હતું. દેશના ભાગલા પછી નૂરજહાં એના પતિ સાથે પાકિસ્તાન ચાલી ગઇ હતી.
'ઓ યારોં માફ કરના, કુછ કહને આયા હૂં, કુછ અપને બારે મેં સમજાને આયા હૂં...' ગીત સોનુ નિગમ અને અભિજિતના કંઠમાં છે. ગીતમાં પ્રચ્છન્ન પીડા-વેદનાનો અહેસાસ અનુભવી શકાય છે.
અલકા યાજ્ઞિાકે ગાયેલા ગીત 'મેરા દિલ તેરા દીવાના, મૈં તુઝ પે મરતી હૂં, સારી દુનિયા સે કહ દૂંગી, તુઝ સે પ્યાર કરતી હૂં...'માં નાયિકા પ્રણયનો એકરાર કરે છે. અહીં ફરી સંગીતકારોએ રાગ નટભૈરવીનો આશ્રય લીધો છે.
પ્રેમમાં સ્થળ-સમયનો ખ્યાલ રહેતો નથી. સતત પ્રિય પાત્ર દ્રષ્ટિ સમક્ષ રહે છે એવો અહેસાસ કરાવતું ગીત અલકા યાજ્ઞિાક અને કુમાર સાનુએ ગાયું છે. મુખડું છે- 'યે કૈસી મુલાકાત હૈ, મૈં કિસ ખુમાર મેં હૂં, તૂ આ કે જા ચૂકા હૈ, મૈં ઇન્તજાર મેં હૂં...'
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધાર્યો બિઝનેસ કરી ન શકી એ વાતે રિશિ કપૂર ખૂબ અપસેટ રહેતો. એને ખૂબ સમજાવવો પડેલો. છતાં એ લાંબો સમય ખિન્ન રહેલો. એક વાત તો સ્વીકારવી રહી કે રાજ કપૂરના ત્રણે પુત્રોમાં રિશિ સૌથી વધુ ટેલેન્ટેડ એક્ટર નીવડયો હતો.