Get The App

ફિલ્મી સિતારાઓના રજવાડી ઠાઠમાઠ પ્રાઇવેટ જેટની પડદા પાછળની કહાણી

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
ફિલ્મી સિતારાઓના રજવાડી ઠાઠમાઠ પ્રાઇવેટ જેટની પડદા પાછળની કહાણી 1 - image

- ફિલ્મસ્ટાર્સના એરટ્રાવેલનો ખર્ચ નિર્માતાઓ ભોગવે છે. ખાનગી વિમાનમાં એક રાઉન્ડ ટ્રીપનો અઢારથી ત્રીસ લાખ રૂપિયા ખર્ચ થાય છે. 

હિરે ૨૦૦૯માં દિલ્હી ૬ નામની ફિલ્મ રિલિઝ થઇ ત્યારે અભિષેક બચ્ચને તેના પ્રમોશન માટે બાર કલાકમાં પાંચ શહેરોમાં કાર્યક્રમોમાં હાજરી આપી હતી. એ પછી પ્રિયંકા ચોપડાએ ૨૦૧૫માં બાજીરાવ મસ્તાની ફિલ્મનું શૂટિંગ કર્યું એ જ સમયે લોસ એન્જેલસમાં ક્વાન્ટિકોનું પણ શૂંટિગ તેણે પતાવ્યું હતું. જ્યારે અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો ત્યારે તેમની સાથે જયા બચ્ચન અને અભિષેક બચ્ચન પણ ખાનગી ચાર્ટર વિમાનમાં દિલ્હી ગયા હતા. કોઇને પણ સવાલ થાય કે આજના ટ્રાફિકજામના જમાનામાં આ ઝડપે કામ કેવી રીતે કરી શકાય? બોલિવૂડના સુપરસ્ટાર્સ પાસે તેનો ઉકેલ પ્રાઇવેટ ચાર્ટર ફલાઇટ  છે. સામાન્ય માણસ એરપોર્ટ પર ફલાઇટ પહેલાં ત્રણ કલાક ટીચાતો રહે છે ત્યારે આ સેલિબ્રિટી માત્ર પંદર મિનિટમાં જ તેમના ખાનગી વિમાનમાં બેસી તેમના કામે રવાના થઇ જાય છે. તમે બેગેજ તપાસી કાર્ગોમાં મોકલી આપો ત્યાં સુધીમાં તો આ ફિલ્મસ્ટાર્સ તેમના ડેસ્ટિનેશને પહોંચી ગયા હોય છે. બીગ બી જેવા સિનિયર એક્ટર્સ માટે આ સેવા લક્ઝરી નહીં પણ આવશ્યકતા બની રહે છે. 

એરપોર્ટ પર જોવા મળતી લાંબી લાંબી સિક્યુરિટી ક્યુ નહીં, બેગેજ બેલ્ટ પર બેગો રવાના કરવાની ઝંઝટ નહીં, એરપોર્ટ પર બોર્ડિંગ માટે કોઇ જાહેરાત થવાની રાહ જોવાની નહી અને સૌથી મોટી રાહત એરપોર્ટ ટર્મિનલ પર પાપારાઝીઓ અને ચાહકોની ભીડની કોઇ બબાલ નહીં. આ બધાં કારણોસર મોટાં ફિલ્મ સ્ટાર્સ તો ઠીક હવે મ્યુઝિશ્યન્સ, ડીજે અને ઇન્ફલુએન્સર્સ પણ ખાનગી જેટમાં પ્રવાસ કરતાં થઇ ગયા છે. ભારતમાં આ પ્રકારના ખાનગી વૈભવી વિમાન પ્રવાસીઓની માંગને સંતોષવા માટે હાઇપ લક્ઝરી, ફલાયો  અને બુક માય ચાર્ટર જેવી કંપનીઓ પણ મેદાનમાં આવી ગઇ છે. અગાઉ વિદેશી સ્કાયલાઇન ચાર્ટર નામની કંપની આ સેવાઓ ફિલ્મ સ્ટાર્સને પુરી પાડતી હતી. પણ હવે ગ્રાહકો વધી રહ્યા છે તેમ આવી સેવાઓ આપતી કંપનીઓની સંખ્યા પણ વધી રહી છે.  પ્રાઇવેટ ચાર્ટર કંપનીઓની આ સેવાઓ વિશિષ્ટ હોય છે. તેમાં ફિલ્મ સ્ટાર્સની પ્રાઇવસી સૌથી મહત્વની ગણાય છે. પ્રાઇવસી જાળવવા માટે એ હદે ક્રૂને પણ એ હદે તાલીમ આપવામાં આવે છે કે તેઓ કદી સેેલ્ફી કે ઓટોગ્રાફની પણ માંગણી કરતાં નથી. ઘણાં ફિલ્મ સ્ટાર તો વળી નોન ડિસ્કલોઝર એગ્રીમેન્ટ કરવાનો પણ આગ્રહ રાખે છે. જેના કારણે તેમના પ્રવાસની કોઇ વિગત જાહેર થતી નથી. વળી ખાનગી ચાર્ટર વિમાનો માટે મુંબઇ અને દિલ્હી જેવા ધમધમતાં એરપોર્ટ પર ખાસ ટર્મિનલની વ્યવસ્થા કરવામાં આવે છે. મુંબઇમાં કાલિના ખાતે પ્રાઇવેટ જેટ વિમાનો માટે ખાસ ટર્મિનલ છે. આ જ રીતે દિલ્હીમાંપણ જનરલ એવિએશન ટર્મિનલ ચાર્ટર વિમાનો માટે અનામત રાખવામાં આવે છે. સિક્યુરિટી દરેક જણ માટે હોય છે. ખાનગી ટર્મિનલ્સમાં પણ વીઆઇપીઓ માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. પણ આ સુરક્ષા વ્યવસ્થા એટલી સુવ્યવસ્થિત હોય છે કે સામાન્ય રીતે ફિલ્મ સ્ટાર તેની કારમાંથી ઉતરે કે પંદર મિનિટમાં તો તેના વિમાનમાં ગોઠવાઇ જાય છે. 

ખાનગી ચાર્ટર વિમાનોની સેવા ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થઇ શકે છે. તમે ધારો તો બે કલાકમાં જ તમે તમારી ફલાઇટ ઉપાડી શકો છો. ઓપરેટરને સામાન્ય રીતે બે કલાકના સમયની જરૂર રહે છે. પાઇલટ એરપોર્ટ પર હોય અને વિમાનનું બળતણ ભરાઇ ગયું હોય તો તમારે ફ્કત તમારી પ્રિય વાનગીનો જ ઓર્ડર આપવાનો રહે છે. દરેક બાબત તૈયાર હોય તો બે કલાકમાં જ તમારું ખાનગી વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરી શકે છે. ચાર્ટ ર ફલાઇટ દિવસના ચોક્કસ સમયે જ ઉડાન ભરી શકતી હોઇ તમારે તેનો સ્લોટ બુક કરાવવો પડે. જો સ્લોટ ઉપલબ્ધ હોય તો ગ્રાહકને ૩૦થી ૪૫ મિનિટ પહેલાં જ આવવાનું રહે છે. વીઆઇપીઓના લગેજની વ્યવસ્થા એરપોર્ટનો સ્ટાફ સંભાળી લે છે. પ્રવાસી એરપોર્ટ પહોંચે તે પહેલાં તો તેનું લગેજ વિમાનમાં ગોઠવાઇ ગયું હોય છે. 

ખાનગી ચાર્ટર વિમાનો પણ ખાસ પ્રકારના હોય છે. તેમાં પ્રવાસીનોની સુવિધાઓનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. આ વિમાનોમાં ખાસ બેઠકો અને ફ્લેટ બેડ પણ જરૂરિયાત અનુસાર ઉમેરી શકાય તેમ હોય છે. જે ખાનગી ચાર્ટર વિમાનોનો વધારે ઉપયોગ થાય છે તેમાં દસોલ્ટ ફાલ્કન સેવન-એઇટ એક્સ, બોમ્બાર્ડિયર ગ્લોબલ ૬૦૦૦ અને ૭૫૦૦ , લિગસી ૬૫૦, ફાલ્કન  ૨૦૦૦ અને ગલ્ફ સ્ટ્રીમ જી૬૫૦ અને જી૭૦૦ નો સમાવેશ થાય છે. લિગસી ૬૫૦ અને ફાલ્કન ૨૦૦૦ વિમાનોમાં આઠથી બાર પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા હોય છે. પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત હોય ત્યારે લગેજ માટે ઘણી જગ્યા ઉપલબ્ધ બની રહે છે. લાંબો પ્રવાસ હોય તો બોમ્બાર્ડિયર વિમાનો પર પસંદગી ઉતારવામાં આવે છે. વિમાનોની જાળવણી માટે પણ ખાસ મેઇન્ટેનન્સ એજન્સીઓની સેવા લેવામાં આવે છે. સામાન્ય રીતે દિલ્હી, મુંબઇ અને પરત મુંબઇ આવવાની ખાનગી ચાર્ટર ફલાઇટ માટે અંદાજે પંદરથી ત્રીસ લાખ ખર્ચવાની તૈયારી રાખવી પડે છે. સેલિબ્રિટી ઇવેન્ટ,શૂટિંગ કે ફિલ્મના પ્રમોશન માટે જતી હોય તો તે પ્રમાણે તેના ખર્ચની વ્યવસ્થા થતી હોય છે. ફિલ્મનું શૂટિંગ કે પ્રમોશન કરવાનું હોય તો ઘણીવાર આ વિમાનખર્ચ  પ્રોડકશન હાઉસ દ્વારા ઉઠાવવામાં આવે છે. રસપ્રદ બાબત તો એ છે કે ભારતમાં કાઇ સેલિબ્રિટી પોતાનું ખાનગી વિમાન ધરાવતી નથી. પરિણામે આ ખાનગી ચાર્ટર ફલાઇટનો બિઝનેસ ધમધમતો રહેશે તેમાં કોઇ શંકા નથી.