Get The App

'કજરારે કજરારે...' ગીતમાં બચ્ચન પરિવારે તરખાટ મચાવ્યો

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
'કજરારે કજરારે...' ગીતમાં બચ્ચન પરિવારે તરખાટ મચાવ્યો 1 - image

- સિને મેજિક - અજિત પોપટ

- 'કજરારે કજરારે...' ગીતને શંકર-એહસાન-લોયે રાગમાલા કહી શકાય એ રીતે સ્વરબદ્ધ કર્યું છે. ખટકદાર કહરવા તાલમાં ઉપડતું આ ડાન્સગીત રાગ ખમાજમાં ઊપડીને પહાડી, ગાવઠી અને કર્ણાટક સંગીતના રાગ ચંપાકલીમાં થઇને પાછું ખમાજમાં આવી જાય છે.

સંજુદાં જુદાં નાનકડાં શહેરમાં વસતાં બે યંગસ્ટર્સ. એક યુવક, બીજી યુવતી. બન્નેે આમ તો ભણેલાંગણેલાં છે, પણ દેશવ્યાપી બેરોજગારીને લીધે કામ મળતું નથી. સંજોગવશાત્ બંને ચોરીના રવાડે ચડી જાય છે. તફડંચીબાજ તરીક તેઓ દેશભરમાં બદનામ થઇ જાય છે. એમને  પકડવાની જવાબદારી એક સિનિયર પોલીસ અધિકારી સ્વીકારે છે. આ અધિકારી બંનેને પકડે એ પહેલાં બંને પોતાના નવજાત સંતાનને ખાતર પાછાં ડાહ્યાંડમરાં જવાબદાર નાગરિક થઇ જવાથી બચી જાય છે.

ચાર લાઇનની આ કથા એટલે યશ રાજ ફિલ્મ્સની 'બંટી ઔર બબલી'. આદિત્ય ચોપરાએ આ ફિલ્મની કથા લખી છે. એમને ૧૯૬૭માં રિલીઝ થયેલી એક હિટ અમેરિકન ફિલ્મ 'બોની એન્ડ ક્લાઇડ' પરથી આ કથા સૂઝી છે. એમ કહો કે મૂળ અમેરિકી કથાનું તેમણે ભારતીયકરણ કર્યું છે. હોલિવુડની ફિલ્મમાં ગીતો નહોતાં. આપણી ફિલ્મમાં ગીતસંગીત અને ડાન્સ છે. ચૌદ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મને જબરદસ્ત કામિયાબી મળી. ફિલ્મે નેવું કરોડ કમાવી આપ્યા. 

ફિલ્મમાં બન્ટી તરીકે અભિષેક બચ્ચન, બબલી તરીકે રાની મુખર્જી (ચોપરા) અને પોલીસ અધિકારી તરીકે અમિતાભ બચ્ચન ચમક્યાં છે. આ ફિલ્મમાં પહેલીવાર બચ્ચન પિતા- પુત્ર સાથે ચમક્યા. એક આઇટમ સોંગમાં ઐશ્વર્યા રાય દેખા દે છે. આ આઇટમ સોંગ એટલે ફિલ્મનું સૌથી પોપ્યુલર ગીત, 'કજરારે કજરારે'. આ ફિલ્મ રિલીઝ થઈ ૨૦૦૫માં અને ઔશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ બની બે વર્ષ પછી, ૨૦૦૭માં. 

ફિલ્મનાં ગીતો ગુલઝાર અને બ્લેઝે લખ્યાં છે. સંગીત શંકર-એહસાન-લોયનું છે. ચોરજોડી તરીકે નાયક-નાયિકા દેશનાં વિવિધ સ્થળોએ ભાગદોડ કરે છે એટલે અહીં સંગીતકારોને વિવિધ વિસ્તારોના લોકસંગીતને અજમાવવાની સરસ તક મળી છે. રાગ આધારિત  ગીતોને બદલે અહીં એ રીતે વૈવિધ્ય સર્જાયું. જોકે પહેલાં આ ફિલ્મના સંગીતની જવાબદારી એ. આર. રહેમાનને સોંપવાના હતા, પરંતુ રહેમાને પોતે બીઝી છે એમ કહીને ફિલ્મ ટાળી. એટલે શંકર-એહસાન-લોયને મળી. એમને માટે આ  એક ચેલેંજ હતી કે રહેમાનની બરાબરી કરી શકે એવું સંગીત પીરસવું. સદભાગ્યેવ ફિલ્મ હિટ નીવડી અને સંગીતને પણ નોંધનીય લોકપ્રિયતા મળી. ગીતકાર તરીકે ગુલઝારને, સંગીતકાર તરીકે શંકર-એહસાન-લોયને અને 'કજરારે' ગીત માટે બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)નો એવોર્ડ આલિશા ચિનોયને મળ્યો. આમ આ ફિલ્મે ત્રણ ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા. ખાસ કરીને ઐશ્વર્યા, અભિષેક અને અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયેલા ગીત 'કજરારે... કજરારે...'એ ધૂમ મચાવી હતી. આ ગીતથી વાતનો આરંભ કરીને ફિલ્મનાં બે-ચાર ગીતોનો આસ્વાદ લઇએ.

ગુલઝારે લખ્યું છે- 'ઐસી નજર સે દેખા ઉસ જાલિમને ચૌક પર, હમને કલેજા રખ દિયા ચાકુ કી નૌક પર...  મેરા ચૈન વૈન સબ ઊજડા, જાલિમ નજર હટા લે, બરબાદ હો રહે હૈં જી, તેરે અપને શહરવાલે... મેરી અંગડાઇ ના ટૂટે તુ આ જા... કજરારે કજરારે...' સૌથી વધુ લોકપ્રિય થયેલા આ એકમાત્ર ગીતને સંગીતકારોએ રાગમાલા કહી શકાય એ રીતે સ્વરબદ્ધ કર્યું છે. ખટકદાર કહરવા તાલમાં ઉપડતું આ ડાન્સગીત રાગ ખમાજમાં ઊપડીને પહાડી, ગાવઠી અને કર્ણાટક સંગીતના રાગ ચંપાકલીમાં થઇને પાછું ખમાજમાં આવી જાય છે. ગીતના લય સાથે પગના તાલ મિલાવવાની મોજ સંગીતરસિકને આવે છે. આ ગીત પાશ્ચાત્ય શૈલીનાં ગીતોથી જાણીતી આલિશા ચિનોય, શંકર મહાદેવન અને સંગીતકાર કલ્યાણજી-આણંદજીના બાળ કલાકાર તરીકે સચોટ તાલીમ મેળવીને પાર્શ્વગાયક બનેલા જાવેદ અલીના કંઠમાં ગૂંજે છે.

ટાઇટલ સોંગની વાત કરીએ તો, જુદા જુદા શહેર-ગામડાંમાં છેતરપીંડી કરતાં બન્ટી બબલીની પાછળ ઉશ્કેરાયેલા લોકોનું ટોળું પડયું છે એવાં દ્રશ્યો અને છેતરપીંડીનો શિકાર બનતા લોકો સાથેના સંવાદો વચ્ચે આ ગીત રજૂ થાય છે. પહેલીવાર જસપિન્દર નરુલા અને સુખવિન્દરના કંઠમાં અને બીજીવાર રિમિક્સ તરીકે ગીતકાર બ્લેઝ, સંગીતકાર શંકર મહાદેવન અને લોયના કંઠે રજૂ થતા આ ગીતમાં સારી એવી રમૂજ પણ માણી શકાય છે. ગીતના શબ્દો રમતિયાળ છે- 'ચલ ચલ ચલત ચલત... જબ ઠાઠ દિખાયેં ઔર બાટ દિખાયેં... ઓયે બન્ટી, પલ પલ પલટ પલટ... જબ કમર ઘુમાયેં ઔર હોશ ઊડાયેં બબલી...' પરદા પર આ ગીત જબરી કોમેડી માણવા મળેલી.

પંજાબી ભાંગરાની સ્ટાઇલમાં રચાયેલું ગીત એટલે 'આજા ઊડિયે ચલ ઊડિયે,  ઊડ વેખેયી, બલ્લે બલ્લે, ઓન અ સન્ડે સન્ડે બલ્લે બલ્લે, ઓ ઓ ઓ રાંઝે, યાદ દી ગલી, આજ ચલ નચિયે, હીરા દી યાદ ગલી, આજ ચલ નચિયે, નચ બલિયે નચ બલિયે...' ગીત શંકર મહાદેવન, લોય અને સાઉથની લોકપ્રિય ગાયિકા સૌમ્યા રાવના કંઠમાં જબરી જમાવટ કરે છે. આ ગીતમાં વચ્ચે વચ્ચે કોરિયોગ્રાફર શામક દાવર ઝળકે છે.

ચોમેર કાફી કલરના પહાડોવાળા લોકેશન પર એક સરસ ડયુએટ સંગીતરસિકને મુગ્ધ કરી દે છે. શબ્દાનુપ્રાસ દ્વારા સંવેદનને વધુ સઘન બનાવવામાં ગુલઝારની હથોટી જાણીતી છે. અહીં 'ચૂપ ચૂપ કે, ચૂપ ચૂપ કે, ચોરી સે ચોરી...' ગીત પરદા પર તેમજ ઓડિયોમાં સાંભળનારને જકડી રાખે છે. શબ્દો અને સ્વરો એકમેકમાં સરસ રીતે એકરસ થઇ જાય છે. આ ગીત સોનુ નિગમ અને ઔર એક સાઉથ ઇન્ડિયન પ્લેબેક સિંગર મહાલક્ષ્મી અય્યરના કંઠમાં રજૂ થયું છે.

એવુંજ એક રસીલું રોમાન્ટિક ડયુએટ સુનિધિ ચૌહાણ અને ઉદિત નારાયણના કંઠમાં છે. બંને તફડંચીકારો એકથી બીજા નગરમાં સરકી જાય છે એ ભાવને આ રીતે રજૂ કરાયો છે- 'છોટે છોટે શહરોં સે, ખાલી ભોર દોપહરોં સે, હમ તો ઝોલા ઊઠા કે ચલે, બારિશ કમ કમ લગતી હૈ, નદિયાં મદ્ધમ લગતી હૈ, હમ સમંદર કે અંદર ચલે, ધડક ઘડક, ધડક  ધડક...' અહીં પણ શબ્દોનું પુનરાવર્તન ભાવને વધુ સઘન બનાવે છે.

શંકર-એહસાન-લોયની કારકિર્દીનો આ ચડતો આંક હતો. એક પછી એક ફિલ્મનું સંગીત હિટ નીવડતું હતું. સફળતા અને યશની કલગી આ સંગીતકારોના સિરે બિરાજી હતી. આ સંગીતકારોનો બીજો ફિલ્મફેર એવોર્ડ હતો.