- તમિલ ફિલ્મજગતના સુપરસ્ટાર રાજકારણમાં સફળ નીવડશે?
અભિનેતામાંથી નેતા બનેલા સાઉથ ઇન્ડિયન સ્ટાર વિજય આજકાલ ન્યુઝમાં છે, પણ તદ્દન ખોટા કારણસર. વિજયે તેનો રાજકીય પ્રચાર રથ સ્ટાઇલથી રાજ્યમાં કાઢ્યો હતો, પણ કરૂરમાં ૨૭ સપ્ટેમ્બરે યોજાયેલી તેની સભામાં અભૂતપૂર્વ મેદની ઉમટતાં મામલો બીચક્યો. તેમાં ધક્કા મુક્કી થતાં વિજયે તેનું ભાષણ અધવચ્ચેથી અટકાવી રવાના થઇ જવું પડયું હતું. આ સભામાં થયેલી ધક્કામુક્કીમાં ૪૧ જણાના મોત થતાં વિજયે આખરે તેના પ્રચાર રથને પખવાડિયા માટે થંભાવી દેવો પડયો છે. દરમ્યાન વિજયે આ ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને વીસ લાખ રૂપિયાનું અને ઇજા પામેલાં લોકોને બે લાખ રૂપિયાનું વળતર આપવાની ટીવીકે વતી જાહેરાત કરી છે. બીજી તરફ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને પણ દરેક મૃતકને દસ લાખ રૂપિયાનું અને ઇજાગ્રસ્તને એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તેમણે આ ઘટનાની તપાસ કરવા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અરૂણા જગદિશનના એક વ્યક્તિના પંચની રચનાની જાહેરાત કરી હતી.
તામિલનાડુમાં સિનેમા અને રાજકારણને ચોલીદામનનો સંબંધ છે. એમજી રામચન્દ્રને શરૂ કરેલો આ ટ્રેન્ડ આજે પણ યથાવત ચાલુ છે. રામચન્દ્રનની હિરોઇન જયલલિતાએ પણ તમિલનાડુમાં મુખ્ય પ્રધાન પદે પોતાની એક અનોખી છાપ છોડી હતી. ડીએમકેના કરૂણાનિધિનો પણ સિનેમા સાથે ગહન નાતો રહ્યો છે. હવે આ પરંપરામાં જોસેફ વિજય ચન્દ્રશેખરનો ઉમેરો થયો છે.
૫૧ વર્ષના વિજયે તેની ફિલ્મ કારકિર્દીમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ૨૨ જુન ૧૯૭૪ના રોજ ચેન્નાઇમાં એસ.એ. ચન્દ્રશેખર નામના સફળ ફિલ્મનિર્દેશક અને ગાયિકા માતા શોભા ચન્દ્રશેખરના પુત્ર તરીકે જન્મેલાં વિજયે લોયોલા કોલેજમાં વિઝ્યુઅલ કમ્યુનિકેશન વિષયમાં ભણવાનું શરૂ કર્યું પણ ભણવાને બદલે તેણે એક્ટિંગ દ્વારા જ સફળ કમ્યુનિકેશન શરૂ કરી દીધું. પાંચ દાયકાની સફળ કારકિર્દીને અંતે વિજય તમિલ સુપરસ્ટાર તરીકે સુસ્થાપિત છે. મજાની વાત એ છે કે વિજય એક સારો ગાયક પણ છે. ૨૦૧૬માં તેણે ગાયેલું ગીત સેલ્ફી પુલ્લા તો છેક રોમાનિયામાં લોકપ્રિય બની ગયું હતું.
દુનિયાભરમાં પોતાના ચાહકોની સંખ્યા જોઇ વિજયે ૨૦૦૯માં જ તેની ફેન કલબ વિજય મક્કલ ઇયક્કમની સ્થાપના કરી દીધી હતી. ૨૦૧૧ની વિધાનસભાની ચૂંટણીમાં આ સંગઠને એઆઇડીએમકેને ટેકો આપ્યો હતો. એ પછી ઓક્ટોબર ૨૦૨૧માં તમિલનાડુમાં યોજાયેલી સ્થાનિક તંત્રોની ચૂંટણીઓમાં ૧૬૯ બેઠકો પર વિજય મક્કલ ઇયક્કમે ચૂંટણી લડીને ૧૧૫ બેઠકો પર વિજયપતાકા લહેરાવી હતી.
આ રાજકીય સફળતાને વધારે નક્કર સ્વરૂપ આપવા વિજયે બીજી ફેબુ્રઆરી ૨૦૨૪માં પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ-ટીવીકે-ની સ્થાપના કરી અને સાથે સાથે જાહેરાત પણ કરી કે હવે તે માત્ર એક ફિલ્મ જનનાયગન કરશે. જે હીરો તરીકે તેની આખરી ફિલ્મ હશે.દરમ્યાન વિજય વાસ્તવિક જીવનમાં જનનાયક બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આવતાં વર્ષે યોજાનારી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં વિજય મહત્વનો ખેલાડી બની રહેશે. હાલ તમિલનાડુમાં ડીએમકે અને એઆઇડીએમકે બે મોટી પાર્ટીઓ તરીકે આમને સામને છે. અન્ય પક્ષો પણ મેદાનમાં છે પણ તેમનું ઝાઝું ઉપજતું નથી. રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય ભાજપે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી એકલે હાથે લડવાનું સાહસ કર્યું પણ તે દુ:સાહસ બની રહ્યું અને ભાજપને એકપણ બેઠક પણ ન મળી. ભાજપ પરંપરાગત રીતે એઆઇડીએમકેને ટેકો આપે છે. જયલલિતાને કારણે તેમના રાજકીય સંબંધો સારા હતા પણ જયલલિતાની વિદાય બાદ ડીએમકે સત્તામાં આવતાં આજે ડીએમકેની સ્ટાલિન સરકાર સાથે ભાજપને ઉભાં રહે પણ બનતું નથી. પરિણામે ભાજપ વિજયને મોખરે રાખી તેનો રાજકીય લાભ ખાટવાની ગણતરીમાં છે. વિજય તેની રાજકીય રેલીઓમાં ડીએમકેના મુખ્ય પ્રધાન સ્ટાલિનને લક્ષ્ય બનાવી તેમની ટીકા કરતો રહે છે. આમ, એઆઇડીએમકે અને વિજયનો રાજકીય દુશ્મન ડીએમકે હોઇ બંને સંપીને કામ કરી રહ્યા હોવાનું જણાય છે.
વિજયે રાજકારણમાં પ્રવેશ કર્યો તે સાથે તેની વિજય મક્કલ ઇયાક્કમ નામે જાણીતી ફેન કલબ્સ હવે રાજકીય પક્ષમાં પરિવર્તિત થઇ ચૂકી છે. વિજયે ટીવીકેનું સંગઠન મજબૂત બનાવ્યું છે. ટીવીકેના ૧૨૦ જિલ્લા એકમ છે જેમાં ૧૬૨૦ જિલ્લા સ્તરના હોદ્દેદારો છે. આ ઉપરાંત પક્ષની વિવિધ પાંખના ૮૫૮૦ સેક્રેટરીઓ છે. આ ઉપરાંત ૬૮,૪૬૯ બૂથ લેવલના સેક્રેટરીઓ છે. આમ, વિજયના પક્ષમાં સમગ્ર રાજ્યમાં કુલ ૨.૯૬ લાખ પદાધિકારીઓ છે.
વિજયે એક એક્ટર તરીકે તેની કારકિર્દીમાં કોઇ અખતરાં કર્યાં નથી. પણ રોમેન્ટિક એક્ટરમાંથી સંદેશ આપતી બ્લોક બસ્ટર ફિલ્મોમાં તે સરળતાથી ગોઠવાઇ ગયો હતો. રાજકીય કારકિર્દીમાં પણ આવું જ બની રહ્યું છે. એક સમયે બહાર જઇ લોકોને મળવા જતાં પણ અચકાતો વિજય હવે લોકોને મળે છે એટલું જ નહીં બસના છાપરે ચડીને સરકારને સવાલો પણ કરી શકે છે.
કરૂરમાં બની ગયેલી દુર્ઘટનાના પગલે વિજયનું વર્તન કેટલું બદલાય છે તેના પર સઘળો આધાર છે. અગાઉ તેના ચાહકો સમક્ષ વિજયે ૧૯૭૭માં એમજીઆરે ચૂંટણીમાં ઝુકાવ્યું એ સમયના પરિણામોનું પુનરાવર્તન કરવાની હાકલ કરી હતી. એ સમયે એમજીઆરે અન્ના દ્રમુક લોન્ચ કરી ફોરવર્ડ બ્લોક, માર્કસવાદીઓ અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સાથે હાથ મિલાવી ૩૩.૫ ટકા મતો મેળવી ડીએમકે અને કોંગ્રેસની યુતિને હરાવી પોતાની વિજયપતાકા લહેરાવી હતી. સવાલ એ છે કે એમજી રામચન્દ્રનની પરંપરા વિજય આગળ ધપાવી શકશે કે કેમ. વી કીપ અવર ફિંગર્સ ક્રોસ્ડ!


