- રાજ કપૂરે રવીન્દ્ર જૈનને સૂચવેલું કે એકદમ સરળ અને સહેલાઇથી ગણગણી શકાય એવું સંગીત પીરસજો. સમર્થનવિહોણા અહેવાલ મુજબ, 'દો જાસૂસ'ના પહેલા ગીતમાં જે વિદેશી ગીતનો થોડોક આધાર લીધો છે એ વિદેશી ગીતનું સૂચન પણ રાજ કપૂરનું હતું.
- 'દો જાસૂસ'
એબોલિવૂડમાં કેટલાક અદાકારો એવા પણ આવી ગયા જેમણે પ્રૌઢાવસ્થા અને વાર્ધક્ય પણ જોમભેર દીપાવ્યાં. એવા અદાકારોએ જીવનસંધ્યાએ સરસ જોડી જમાવી અને યાદગાર ફિલ્મો આપી. દાદામુનિ અશોકાકુમાર અને પ્રાણે એવી જોડી જમાવી હતી. 'વિક્ટોરિયા નંબર ૨૦૩' હિટ કોમેડી ફિલ્મ હતી. એવી ઔર એક સરસ કોમેડી ફિલ્મ નિર્માતા-નિર્દેશક નરેશકુમારે આપી. એમાં રાજ કપૂર અને રાજેન્દ્રકુમારે સરસ કોમેડી કરેલી. આ બંને એ સમયે જીવનસંધ્યાએ પહોંચી ચૂક્યા હતા. 'જો જાસૂસ' નામની ફિલ્મ ૧૯૭૫માં રજૂ થયેલી. કથાના આરંભથી જ ગોટાળા શરૂ થાય છે. ધરમચંદ અને કરમચંદ નામે બે કડકા ડિટેક્ટીવના માથા પર વાળ જેટલું દેવું છે. એમને પૈસાની જરૂર છે. તેમને એક શ્રીમંતનો ફોન આવે છે. એ કહે છે કે મારી પુત્રી હેમા ગૂમ થઇ છે. એને શોધી આપો. પેલા બંને દીકરીનો ફોટો માગે છે.
અકસ્માતે પેલાના હાથમાંથી એના ચશ્મા છટકીને પડી જાય છે. ચશ્માં વિના એને બરાબર દેખાતું નથી. એ પોતાની પુત્રી હેમાને બદલે એની બહેનપણી પિન્કીનો ફોટો આપી દે છે. બસ, અહીંથી ગરબડ ગોટાળા શરૂ થાય છે. પરદા પર વાર્તાએ સારી જમાવટ કરી હતી. આ ફિલ્મથી સંગીતકાર રવીન્દ્ર જૈન અને રાજ કપૂર પહેલીવાર એકમેકની નિકટ આવ્યા. રવીન્દ્ર જૈનના કામથી રાજ કપૂર પ્રભાવિત થયા. તેમણે મનોમન નક્કી કર્યું કે મારી હવે પછીની ફિલ્મમાં રવીન્દ્ર જૈનને લેવા. જયકિસનના અકાળ અવસાનથી શંકર-જયકિસનની જોડી ખંડિત થઇ એ પછી રાજ કપૂરે અન્ય સંગીતકારોને અજમાવી જોયા. દરેકે સારું કામ કર્યું. જેમ કે 'બોબી'માં લક્ષ્મીકાંત-પ્યારેલાલે સરસ સંગીત આપ્યું તો 'ધરમ કરમ'માં આર. ડી. બર્મન (પંચમદા)એ સરસ સંગીત પીરસ્યું. જોકે રાજ કપૂરના ચાહકો સતત એવી વાતો કરતા રહ્યા કે આ તો રાજ કપૂર (આરકે ફિલ્મ્સ)ની મ્યુઝિક લાયબ્રેરીમાંથી મળેલું સંગીત છે જે, અમુક તમુક સંગીતકારોના નામે ચડી ગયું છે. બાકી સંગીત તો રાજ કપૂરે પોતે તૈયાર કરેલું.
એની વે, 'દો જાસૂસ'થી રાજ કપૂર અને રવીન્દ્ર જૈન એકમેકની નિકટ આવ્યા એટલું મહત્ત્વનું છે. 'દો જાસૂસ' પણ 'પતિ, પત્ની ઔર વો'ની જેમ કોમેડી ફિલ્મ હતી. એક અહેવાલ મુજબ નરેશકુમારના ઇશારે રાજ કપૂરે રવીન્દ્ર જૈનને સૂચવેલું કે એકદમ સરળ અને સહેલાઇથી ગણગણી શકાય એવું સંગીત પીરસજો. સમર્થનવિહોણા અહેવાલ મુજબ 'દો જાસૂસ'ના પહેલા ગીતમાં જે વિદેશી ગીતનો થોડોક આધાર લીધો છે એ વિદેશી ગીતનું સૂચન પણ રાજ કપૂરનું હતું.
પહેલું ગીત આપણે ત્યાં જેને કોળી ગીત કહે છે એ પ્રકારના શબ્દોથી સજેલું હતું. 'દરિયાચા રાજા દેવા હો દેવા, તુમ્હીં હો માઝા દેવા હો દેવા...' આટલે સુધી શબ્દો મરાઠી ભાષામાં છે. પછી ગીત હિન્દીમાં ઉપડે છે- 'તેરે ભરોસે છોડ દી નૈયા, નૈયા કા અબ તો તૂ હી ખેવૈયા...' લતા મંગેશકર અને શૈલેન્દ્ર સિંઘના કંઠમાં આ ગીત છે. આ ગીતની તર્જ આફ્રો-રાક ગણાતા મ્યુઝિકથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલા ઘાનાઇયન-કેરેબિયન બેન્ડ ઓસીબીસાના વોયેજ ગીત પરથી લેવાઇ હતી. આ બેન્ડ લંડનમાં ચાર એક્સપર્ટ વેસ્ટ આફ્રિકન અને ત્રણ કેરેબિયન સંગીતકારોએ ભેગા થઇને બનાવ્યું હતું. વોયેજ ગીત ૧૯૭૧માં આ બેન્ડે બનાવ્યું ત્યારે ધૂમ મચી ગઇ હતી. વિશ્વના કેટલાક સંગીતકારોએ આ ગીતની તર્જ પરથી પ્રેરણા લઇને અન્ય ગીતો રચ્યાં હતાં.
'દો જાસૂસ'નાં મોટા ભાગનાં ગીતો માટે રવીન્દ્ર જૈનને સલામ કરવી પડે. શાીય સંગીતના કોઇ ચોક્કસ રાગનો આધાર લીધા વિના તેમણે વિવિધ લોકસંગીત અને પોતાની કલ્પના અનુસાર તર્જો બનાવી હતી. જોકે બધાં ગીતો લોકપ્રિય થયાં હતાં એમ ન કહી શકાય. પરંતુ કોમેડીની અસર વર્તાય એવી રીતે તેમણે સંગીત તૈયાર કર્યું હતું. અહીં ઔર બે ત્રણ ગીતોની વાત કરીએ.
અત્રે એક રસપ્રદ આડવાત ૧૯૭૦ના દાયકામાં અઝીઝ નાઝાં નામના એક કવ્વાલ થઇ ગયા. તેમની ગાયેલી એક કવ્વાલી જબરદસ્ત હિટ નીવડી હતી. 'ઝૂમ બરાબર ઝૂમ શરાબી...' આ રચનાના અંતરામાં ગીતકારે કમાલ કરી હતી. અંતરાના શબ્દો હતા- 'આજ અંગુર કી બેટી સે મુહબ્બત કર લે, શેખ સાહબ કી નસીહત સે બગાવત કર લે...' અહીં સુધી તો બરાબર. પણ પછી આગળ કહ્યું, 'ઇસ કી બેટીને ઊઠા રખી હૈ સર પે દુનિયા, યહ તો અચ્છા હુઆ અંગુર કો બેટા ન હુઆ...' કેવી અદભુત કલ્પના છે ! (દ્રાક્ષની દીકરી આવું કરે તો દીકરો શું ન કરે?) 'દો જાસૂસ'માં પણ એક શરાબી ગીત છે- 'ચઢ ગઇ, ચઢ ગઇ, અંગુર કી બેટી ચઢ ગઇ, ગલે કે નીચે ઊતરી કે સીધી સર પે ચઢ ગઇ...' આ રચના હસરત જયપુરીની છે. અહીં પણ ગીતકારે કમાલ કરી છે. નશામાં માણસ સદા સાચું બોલે એવું કહેવાય છે. અહીં ગીતકારે લખ્યું, 'અબ હમ જો ભી કહેંગે, સચ કહેંગે, કોઇ માને ન માને હમ મનવા કે રહેંગે, જિસ કી જેબ મેં માલ નહીં હૈં, ઉસ કે લિયે નયા સાલ નહીં હૈ, જિસ કી પાકિટ ભારી, ઉસ કી જેબ મેં દુનિયા સારી, ક્યા હૈ રાજા, ક્યા હૈ ભિખારી, સબ કો હૈ પૈસે કી બીમારી...' આ ગીતમાં રાજ કપૂર અને રાજેન્દ્ર કુમારે જાનદાર અભિનય પીરસ્યો છે. આમ તો આખી ફિલ્મમાં આ બંને જ છવાઇ ગયાં હતાં.
બંને સિનિયર કલાકારોના ફાળે ઔર એક રમતિયાળ ગીત આવ્યું છે- 'દો જાસૂસ કરે મહેસૂસ કે દુનિયા બડી ખરાબ હૈ, કૌન હૈ સચ્ચા, કૌન હૈ જૂઠા, હર ચહેરે પે નકાબ હૈ...' શબ્દોને અનુરૂપ તર્જ લય સર્જવામાં સંગીતકારને ધારી સફળતા મળી છે.
આશા ભોંસલેના ભાગે એક હળવી રચના આવી છે- 'અલ્લાહ મેરી તૌબા, મૈં તીર નહીં ખાઉંગી, નિગાહેં નહીં મિલાઉંગી, અલ્લાહ મેરી તૌબા. મૈં જો નહાને ગઇ નદીયા કિનારે, આ ગયે લોગ વહાં ગાંવ કે સારે, તૌબા મેરી તૌબા, મૈં નદી પે ન જાઉંગી, મૈં ઘર મેં નહાઉંગી...'
વધુ બે ત્રણ ગીતોએ પરદા પર સારી જમાવટ કરી હતી. ફિલ્મ હિટ નીવડી હતી. એમાં બંને સિનિયર કલાકારોના અભિનયે પણ મહત્ત્વનો ફાળો આપેલો.


