- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
મનજી થોંડે દૂરના જંગલમાં જાય છે. જંગલમાંથી સૂકાં લાકડાં, ઠૂઠા કાપે, પડેલી સૂકી ડાળીઓ અને લાકડાના ટુકડા વીણીને ઘરે લાવે. આ બધું બાળી નાખે અને બળેલા લાકડાના કોલસા વેચે. આમ કોલસા વેચીને પોતાનું ગુજરાન ચલાવે. એક દિવસ મધ્યાન્હે એ લાકડા કાપી રહ્યો હતો ત્યારે પોતાના સૈનિકોના રસાલાથી છૂટા પડી ગયેલ રાજા ત્યાં આવી ચડયા. રાજા ખૂબ થાકેલ હતા. જોરદાર તરસ લાગી હતી. મનજીને કહે, મેં આજુબાજુ પાણી માટે ઘણી શોધ કરી પણ મને ક્યાંયથી પાણી ન મળ્યું. તને કાંઈ ખ્યાલ છે કે આટલામાં ક્યાંય પાણી મળે ? મનજી કહે, અહીંથી બે માઈલ દૂર નદી છે, ત્યાંથી પાણી મળી શકે. તમારી હાલત જોઈને મને લાગે છે કે, આવા તાપમાં અને થાકેલા તમે ત્યાં ન જઈ શકો...અને મનજીએ વૃક્ષના છાંયડામાં રાખેલ કુંજામાંથી રાજાને પાણી આપ્યું. શીતળ જળપાનથી રાજાને ખૂબ શાતા ઊપજી. થોડી વારમાં રાજાને શોધતા સૈનિકો આવ્યા. રાજા સૈનિકો સાથે જતાં જતાં મનજીને કહે. તું દરબારમાં આવજે. હું તને કાંઈક બક્ષિસ આપીશ.
થોડા દિવસ પછી મનજી પોતાના ગામથી રાજદરબારમાં જાય છે. રાજા તેને એક વિશાળ ચંદનનો બગીચો ભેટ-બક્ષિસમાં આપે છે. મનજી તો બગીચો જોઈને ખૂબ જ આનંદિત થઈ જાય છે. ચંદનના સૂકા ઝાડને કાપીને બાળીને કોલસો બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી દે છે. દરરોજ એક-એક લીલું ઝાડ જડમૂળથી કાપીને એક બાજુ ઢગલો કરે છે અને જેમ જેમ ડાળીઓ, થડ વગેર સૂકાતાં જાય તેમ તેમ તેને બાળીને કોલસો કરતો જાય છે.
મનજીને હવે જંગલમાં લાકડા કાપવા કે સૂકાં લાકડાં વિણવા જવું પડતું નથી. તેણે બગીચાના એક ખૂણે પોતાને રહેવાનું ઝૂંપડું બનાવી લીધું અને ચંદનના લાકડામાંથી કોલસા બનાવવાનો વેપાર વધારી દીધો. થોડા સમયમાં સેંકડો ઝાડોમાંથી કોલસો બની ગયો. એકવાર રાજા ફરવા માટે નીકળ્યા. તેમને સ્મરણ થયું કે, આ વિસ્તારમાં ચંદનનો બગીચો છે. મંત્રીને પૂછયું કે, આપણો વિશાળ ચંદનનો બગીચો આ જ વિસ્તારમાં છે ને ? મંત્રી કહે, હા મહારાજ. આ જ વિસ્તારમાં અહીંથી થોડે દૂર ચંદનનો બગીચો છે જે આપે એક ગરીબ કઠિયારાને ગયા વર્ષે બક્ષિસમાં આપી દીધો હતો.
રાજા બગીચાની મુલાકાત લેવા અને કઠિયારાને મળવા એ તરફ જવાની સૂચના કરે છે. બગીચો નજીક આવતાં ધુમાડો દેખાય છે. રાજાની જિજ્ઞાાસા વધે છે. તે વિચારે છે કે, બગીચામાંથી આટલો બધો ધુમાડો કેમ નીકળે છે ? રાજા બગીચામાં પ્રવેશે છે અને જુએ છે તો ઠેરઠેર કોલસાના ઢગલા છે અને એક બાજુ ચંદનનાં લાકડાં આગની લપેટમાં છે. આખો બગીચો વેરાન છે. ફક્ત એક નાનું ચંદનનું ઝાડ બચ્ચું છે જેની અડધી કરતાં વધુ ડાળીઓ કપાયેલી છે. જાણે અડધું ચંદનનું ઝાડ બગીચાની પૂર્વ જાહોજલાલીનો ચિતાર આપે છે. મનજી તો રાજાને જોતાં જ આનંદિત થઈ અને તેમનું સ્વાગત કરે છે. રાજા ક્ષેમકુશળ પૂછે છે. મનજી કહે છે કે આપની મહેરબાનીથી આખું વર્ષ જંગલમાં નથી જવું પડયું. અહીં જ મારી આજીવિકાની વ્યવસ્થા આપને કારણે થઈ ગઈ. રાજા કહે ભાઈ, આમાંથી એક ચંદનના લાકડાનો ટુકડો લઈને તું મોટી બજારમાં જા અને વેચીને પાછો આવ. મનજી ટુકડો વેચે છે. તેને વેચાણના રૂપિયા ત્રણસો મળે છે. તે વિચારે છે કે આ શું - ચંદનના લાકડાનું આટલું મૂલ્ય જે કોલસા કરતાં અનેકગણું છે ! અને તે ચંદનના વૃક્ષોના નિકંદન માટે અફસોસ વ્યક્ત કરે છે. બસ, આપણું કાંઈક આવું જ છે. ચંદનના ભવ્ય બગીચા જેવો દસ દ્રષ્ટાંતે દુર્લભ માનવભવ મળ્યો છે પરંતુ આપણે તેને કોલસાના મૂલે વેડફી રહ્યા છીએ.
દસ દ્રષ્ટાંતે દુર્લભ માનવભવ કેમ કહ્યો છે? જ્ઞાાનીઓએ માનવભવના મૂલ્ય સમજાવવા માટે અલગ અલગ દસ દ્રષ્ટાંતો આપ્યાં છે, તેમાંથી એકાદ જોઈએ.
કોઈ પણ શુભ સ્વપ્ન આવે અને એ સ્વપ્ન પછી જ્યારે આપણે નિદ્રાંમાંથી જાગૃત થઈએ ત્યાર પછી સુવાય નહીં. ઈષ્ટદેવને વંદન કરી તેની સ્તવના-જાપ વગેરે કરવામાં સમય વ્યતીત કરીએ તો તે સ્વપ્નનું સુફળ-લાભ અવશ્ય મળે.
બે વ્યક્તિઓ એક વૃક્ષ નીચે સૂતી. બન્નેને મુખમાં ચંદ્રમંડળ પ્રવેશ્યું છે એવું સ્વપ્ન આવ્યું. પેલી વ્યક્તિ જાગ્રત થતાં એવું વિચારે છે કે, આ શુભ સંકેતવાળું સ્વપ્ન છે, તેથી તે સૂતી નથી પણ સ્તવન-જાપ-પૂજા વગેરે કરે છે. બીજી વ્યક્તિ વિચારે છે કે આ સ્વપ્નનો અર્થ તો લાપશી જેવું મિષ્ટ ભોજન મળશે તેમ માને છે ને પાછી નિદ્રાધીન થઈ જાય છે. જ્યારે પહેલી વ્યક્તિ સ્વપ્નનું રહસ્ય જાણવા માટે શ્રીફળ અને સાકર લઈ અને સ્વપ્નપાઠક પાસે જઈને રહસ્ય વિશે પૂછે છે. સ્વપ્નપાઠક કહે છે, સાતમે દિવસે વિશિષ્ટ રિદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને કીર્તિ સંપ્રાપ્ત થશે. તે દરરોજ ઈષ્ટદેવને સ્તવન કરે છે અને દાન અને પરોપકારનાં કાર્યો કરે છે.
સાતમે દિવસે સમૃદ્ધિ, સંપત્તિ વગેરે પ્રાપ્ત થાય છે. બીજી વ્યક્તિને જાણ થાય છે કે બન્નેને સરખાં સ્વપ્ન આવ્યાં તો મને સમૃદ્ધિ કેમ ન મળી ? તે વિચારે છે કે, સ્વપ્નની જાગૃતિ પછી હું સુઈ ગયો હતો તેથી આમ બન્યું હશે. ફરીથી તે તેવા જ સ્વપ્નની પ્રાપ્તિ માટે એ વૃક્ષ નીચે સુઈ જાય છે પરંતુ ચંદ્રપાનના સ્થાનને બદલે રાત્રે મુખમાં તેને વૃક્ષ પર રહેલા ચામાચિડિયાની વિષ્ટા મળે છે.
જેમ એક વાર આવેલ સ્વપ્ન બીજી વાર આવવું દુર્લભ છે તેવો જ દુર્લભ માનવભવ છે. મહાપુણ્યના ઉદયે આવેલ ચંદ્રપાનના સ્વપ્ન જેવો અમૂલ્ય માનવભવ મળ્યો છે. ચોર્યાશી લાખ યોનિના પરિભ્રમણમાં દસ દ્રષ્ટાંતે દુર્લભ માનવભવ મળ્યો છે તો તેને વિવેક, જાગૃતિ અને પુરુષાર્થ દ્વારા સફળ કરીએ.


