Get The App

તારા સુતરિયા : બેલે ડાન્સને કારણે મારામાં શિસ્ત આવી છે

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
તારા સુતરિયા : બેલે ડાન્સને કારણે મારામાં શિસ્ત આવી છે 1 - image

- 'આજે હું જે રીતે બેસું છું, ઊભી રહું છું, ચાલુ છું અને વાત કરું છું, જે રીતે મને ખુદને રજૂ કરુ છું અને લોકોને મળું છું... આ તમામ મારી બેલેની તાલીમને આભારી છે.' 

વિશ્વ બેલે દિવસે અભિનેત્રી તારા સુતરિયાએ કલાના એવા પ્રકાર વિશે  દિલ ખોલીને વાત કરી છે જેની સાથે એનો ગાઢ સંબંધ રહ્યો છે. તારા માટે બેલે માત્ર ટેકનીકલ ચોકસાઈ અથવા ક્ષતિરહિત નૃત્ય નહોતંન પણ વાર્તા કહેવાનું ભાવનાત્મક અભિવ્યક્તિનું એક શક્તિશાળી માધ્યમ હતું. 

તારા ભાવપૂર્વક તાલીમની પ્રારંભિક સ્મૃતિઓ યાદ કરે છે, જે સમયે તેની દુનિયા લીયોટાર્ડ્સ, શાસ્ત્રિય સંગીત અને નૃત્ય સ્ટુડિયોના શિસ્તબદ્ધ વાતાવરણની આસપાસ ફરતી હતી.  તારા કહે છે કે મેં પાંચ વર્ષની વયે બેલેરિના તરીકે શરૂઆત કરી. તેણે પોતાના પ્રારંભિક વર્ષોનું શ્રેય ભારતમાં ક્લાસિકલ બેલેની પ્રણેતા શ્રીમતી તુષના ડલાસને આપ્યું. શ્યામક દાવર સહિત અસંખ્ય લોકપ્રિય પરફોર્મરોને તાલીમ આપનાર ડલાસે એવી વિરાસત છોડી છે જે તેની પુત્રી દ્વારા હજી પણ જીવંત છે.

તારાએ બારથી તેર વર્ષ સુધી સઘન તાલીમ લીધી અને શિક્ષણની સાથે પોતાની કલાત્મક ધગશ અનુસરવા પ્રોત્સાહન આપવા બદલ તે પોતાના માતાપિતાની આભારી છે.  તેનો પ્રભાવ વ્યાપક હતો. તારા કબૂલ કરે છે કે આજે હું જે રીતે બેસું છું, ઊભી રહું છું, ચાલુ છું અને વાત કરું છું, જે રીતે મને પોતાને રજૂ કરુ છું અને લોકોને મળું છું, આ તમામ મારી બેલેની તાલીમને આભારી છે. આજે મારી પાસે જે લાવણ્ય અને શાલિનતા છે તે મારી બેલેની તાલીમમાંથી ઉદ્ભવી છે.

તારાની સઘન બેલે તાલીમ આજે ફિલ્મોમાં પણ તેના માટે લાભદાયી રહી છે. તારા કહે છે કે માત્ર થોડી મિનિટોમાં જટિલ કોરિયોગ્રાફી શીખી લેવી મારા માટે સાહજિક છે. વર્ષો સુધી સ્નાયુ સ્મરણશક્તિ પ્રબળ બની હોવાથી તારા નૃત્યના સ્ટેપ્સ છેલ્લી ઘડીએ પણ ઝડપી શકે છે. તારા કહે છે કે બેલેની તાલીમે મને દસગણી મદદ કરી છે. ચોકસાઈ અને અનુશાસન સાથે બેલેએ એક પરફોર્મિનંગ કલાકાર તરીકે તેનામાં અનુકૂલનતા અને આત્મવિશ્વાસની ભૂમિ તૈયાર કરી છે.

બેલેની આ સફરમાં તારા એકલી નહોતી. તેની બહેન પિયાએ પણ તેની સાથે તાલીમ લીધી અને બંને એવા સમયપત્રકને વળગી રહી જેમાં વિલાસ માટે કોઈ અવકાશ નહોતો. તારા હજી પણ યાદ કરે છે કે બેલે ક્લાસીસ માટે તે કેવી રીતે પાલી હિલની પોતાની સ્કૂલમાંથી દક્ષિણ મુંબઈ તરફ ધસી જતી. ઘણીવાર તો બેલેનો પોષાક કારમાં બદલી લેતી અને હોમવર્ક પણ કારમાં કરી લેતી. તેની શિક્ષિકા તુષના ડલાસ શિષ્તની આગ્રહી હતી. આથી તેણે વાળ યોગ્ય રીતે બનાવવા પડતા, સ્વચ્છ પોષાક પહેરવો પડતો અને એકાગ્રતા અતૂટ રાખવી પડતી. જેમ જેમ તેઓ પ્રગતિ કરતા ગયા તેમ તેમ ક્લાસ લાંબા ચાલવા લાગ્યા અને ટૂંક સમયમાં જ બંને બહેનોએ જાઝ અને લેટિન અમેરિકન નૃત્યના પ્રકારો પણ શીખવાનું શરૂ કરીને તેમના કલાત્મક વ્યાપને વધુ વિસ્તાર્યો. આ તીવ્ર પ્રારંભિક વર્ષોએ તેમનામાં અનુશાસન, સમર્પણ અને અનુકૂલનના ગુણો સ્થાપ્યા.