Get The App

તનુજ વીરવાની: ઓટીટી તો સંજીવની બુટ્ટી સમાન છે

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
તનુજ વીરવાની: ઓટીટી તો સંજીવની બુટ્ટી સમાન છે 1 - image


- 'ઓટીટીને લીધે મારા માટે ઘણા દરવાજા ખુલી ગયા. કોઈ પણ એક્ટર માટે આજે સૌથી મોટો પડકાર ટાઇપકાસ્ટિંગ ટાળવાનો છે. ઓટીટીએ મને વિવિધ ભૂમિકાઓ કરવાની ભરપૂર તક આપી છે'

બીજા ઘણા એક્ટરોની જેમ તનુજ વીરવાનીને પણ વેબ શોઝ ફળ્યા છે. ઓટીટી પર એનું નસીબ ચમક્યું છે. તાજેતરમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમલાઈન થયેલી વેબ સીરિઝ 'રાણા નાયડુ સિઝન-૨'માં તનુજના ચિરાગ ઓબેરોયના રોલે એની યશકલગીમાં ઉમેરો કર્યો છે. આ થ્રિલ અને ડ્રામાથી ભરપુર સીરિઝની બીજી સિઝનમાં વીરવાનીએ રાણા અને વેન્કટેશ દગુબટ્ટી, અર્જુન રામપાલ, ડીનો મોરિયા અને રજત કપૂર જેવા અનુભવી કલાકારોની હાજરીમાં પોતાની ટેલેન્ટની નોંધ લેવડાવી છે. દર્શકો પણ એના પ્રભાવ પરફોર્મન્સથી ખુશ છે.

રાણા નાયડુ એક પોપ્યુલર અમેરિકન શોનું હિન્દી એડાપ્ટેશન છે. સિરીઝની રિલિઝ પહેલા યોજાયેલી એની પ્રમોશનલ ઇવેન્ટમાં જ મેકર્સે તનુજને શોનો 'સરપ્રાઈઝ પેકેજ' ગણાવ્યો હતો. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી એક ઇવેન્ટમાં તનુજને એની ભૂમિકાને મળી રહેલા પ્રતિસાદ બદલ અભિનંદન આપી મીડિયાએ એની સાથે એક ઇન્સ્ટંટ ઇન્ટરએક્શન કરી લીધું. એમાં સૌથી પહેલા પત્રકારોએ એક્ટરને મળેલા સરપ્રાઇસ પેકેજના ટેગની યાદ અપાવી. પછી એને પ્રશ્ન કરાયો કે શું તને સીરિઝમાં તારું કામ બધાને ગમશે એવો પાકો વિશ્વાસ હતો? વીરવાની વિનમ્રતાથી એનો ઉત્તર આપતા કહે છે, 'જો દર્શકોને મારું કામ સરપ્રાઇસ પેકેજના બિરૂદને યોગ્ય લાગ્યું હોય તો મારા માટે એ સૌથી મોટી ખુશીની વાત છે. હાલ હું મારા કરિયરના એવા તબક્કામાં છું જેમાં મને કેટલો સ્ક્રીન ટાઈમ મળ્યો છે એ નહિ પણ મારા રોલને હું કેટલો ઇમ્પ્રેસિવ બનાવી શક્યો છું એ અગત્યનું છે. મેં લીડ રોલ કર્યા છે અને સપોર્ટિંગ રોલને પણ પૂરો ન્યાય આપવાનો મારો પ્રયાસ રહ્યો છે અને હું કહીશ કે આ રોલ્સે જ મને એક્ટર તરીકે વધુને વધુ ખીલવામાં મદદ કરી છે. રહી વાત રાણા નાયડુની તો આ સિઝનમાં આખી કાસ્ટ-વેન્કટેશ અને રાણા દગ્ગુબટી, અર્જુન રામપાલ, ડિનોમોરિયા અને રજત સર- બધાએ પોતપોતાની રીતે યોગદાન આપ્યું છે. મારા મતે અમારી આખી ટીમ 'સરપ્રાઈઝ પેકેજ' બની રહી છે.'

ત્યાર પછી મીડિયામાંથી એક ઔપચારિક પૃચ્છા થઈ, 'શોમાં રાણા અને વેન્કટેશ દગ્ગુબટી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?' તનુજનો ઉત્તર પણ એક ફોર્માલિટી (ઔપચારિકતા) જેવો બની રહ્યો, 'એ એકદમ ફેન્ટાસ્ટિક એક્સપિરીયન્સ હતો. મારો પહેલો જ સીન વેન્કટેશ સર સાથે હતો. એમને પીઠમાં સખત દુખાવો થતો હોવા છતાં એમણે શુટિંગ ચાલુ રાખ્યું. મારા માટે એ પ્રોફેશનલિજમનો પાઠ હતો. સીરિઝમાં રાણાના કેરેક્ટર આસપાસ જ ધમાચકડી બોલે છે અને સ્ટોરીના સેંટરમાં તેઓ જ છે. છતાં સેટ પર એમનો બધા સાથે વ્યવહાર એકદમ સાલસ હતો. ઈન શોર્ટ, બંને પાસેથી ઘણું જાણવા અને શીખવા મળ્યું.'

પત્રકારોએ ત્યાર બાદ તનુજને સીરિઝમાં એના રોલ વિશે થોડુ બ્રીફ આપવાનો આગ્રહ કર્યો. એક્ટરે પોતાની ભૂમિકાનું ટુંકુ વર્ણન આપ્યું, 'શોમાં હું ચિરાગ ઓબેરોયની ભૂમિકામાં છું, જે રજત કપૂરનો પુત્ર અને ક્રીતિ ખરબંદાનો ભાઈ છે. સીરિઝની સ્ટોરીમાં એક મોટી બિઝનેસ ડીલ થાય છે અને એમાં જે મુશ્કેલીઓ આવે છે એના ઉકેલ માટે હું રાણાને મળું છું, જે શહેરનો સૌથી મોટો ફિક્સર છે. બસ, અહીંથી દર્શકને જકડી રાખતો ડ્રામા શરૂ થાય છે. સીરિઝમાં મને ઇન્સાઇડ એજ અને ધ પાર્ટી બાદ ફરી ડિરેક્ટર કરણ અંશુમાન સાથે કામ કરવાની બહુ મજા પડી.'

તનુજ સમાપન કરે છે, 'એક જ વાક્યમાં કહું તો ઓટીટી મારા માટે એક બ્લેસિંગ જ છે. એણે મારા કરિયરને નવજીવન આપ્યું છે. એને લીધે મારા માટે ઘણા દરવાજા ખુલી ગયા. કોઈ પણ એક્ટર માટે આજે સૌથી મોટો પડકાર ટાઇપકાસ્ટિંગ ટાળવાનો છે અને ઓટીટીએ મને વિવિધ ભૂમિકાઓ કરવાની ભરપુર તક આપી.'  

Tags :