- ચોથા સ્ટેજના કેન્સરનો સામનો કરી રહેલી તનિષ્ઠા છેલ્લાં થોડાં વર્ષોમાં દરેક મોરચે લડી રહી છે. 'હું જીવનનો જાદુ ફરી અનુભવી રહી છું...' એ કહે છે.
હિન્દી સિનેમા જગતમાં યોજાતા ફિલ્મોત્સવોમાં પોતાનું આગવું સ્થાન હાંસલ કરી રહી છે. ભારતમાં પ્રતિબદ્ધ ફિલ્મસર્જકોનો એક ફાલ નિયમિત રીતે સ્વતંત્ર ફિલ્મો બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરતો રહે છે. તનિષ્ઠા ચેટર્જી આમ તો એક અભિનેત્રી છે પણ તેણે બનાવેલી પ્રથમ ફિલ્મ ફૂલ પ્લેટ હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાઇ રહી છે. દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં યોજાતા ફિલ્મોત્સવમાં ફિલ્મની હિરોઇન કિર્તી કુલ્હારી સાથે નિર્દેશક તનિષ્ઠાએ હાજરી આપી હતી.
આ ફિલ્મોત્સવમાં તનિષ્ઠાએ વિઝનરી ડાયરેક્ટરનો એવોર્ડ જીત્યો હતો. એવોર્ડ જીત્યા બાદ પ્રતિભાવ આપતાં ૪૪ વર્ષની તનિષ્ઠાએ જણાવ્યું હતું કે આ એક લો બજેટની સ્વતંત્ર ફિલ્મ છે જેને ઉત્તમ આવકાર મળ્યો છે. મને આશા છે કે અમે ટૂંક સમયમાં જ તેને ભારતીય દર્શકો સમક્ષ રજૂ કરી શકીશું. ચોથા સ્ટેજના કેન્સરનો સામનો કરી રહેલી તનિષ્ઠાએ છેલ્લા થોડા વર્ષોમાં દરેક મોરચે પડેલી તકલીફોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે હવે મારું કામ વખણાઇ રહ્યું છે અને મારી તબિયત પણ સુધરી રહી હોવાથી મને જીવનનો જાદુ ફરી અનુભવાઇ રહ્યો છે.
બુસાન ફિલ્મોત્સવમાં પોતાની ફિલ્મ ફૂલ પ્લેટને મળેલી સફળતાની વાત કરતા ંતનિષ્ઠા કહે છે, સોલ્ડ આઉટ શોને કારણે એક નિર્દેશક તરીકે મને સંતોષ થઇ રહ્યો છે. ઘણાં લોકો વધારે ટિકિટની સતત માંગણી કરી રહ્યા હતા. દર્શકોએ મારી ફિલ્મને જે રીતે વધાવી લીધી તેનાથી મને આશ્ચર્ય થયું છે. સિનેમા ખરેખર દુનિયાને એક તાંતણે બાંધે છે. આપણે બધાં વાર્તાઓ સાંભળવા અને જોવા જઇએ છીએ. જ્યારે તમારી સ્ટોરી અને વિઝન સ્વીકારવામાં આવે ત્યારે તમને લાગે કે તમે એક જંગ જીતી ગયા છો. તેમાં પણ મને આ એવોર્ડ મળ્યો તે દર્શાવે છે કે સારી સ્ટોરીઓને તેનું ઓડિયન્સ મળી જ રહે છે. ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં નવથી અગિયાર ઓક્ટોબરે યોજાનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ફૂલ પ્લેટ ફિલ્મની ઉદ્ઘાટક ફિલ્મ તરીકે પસંદગી થઇ છે. આ સિડનીના દર્શકો સમક્ષ પોતાના સંઘર્ષ અન આશાની સ્ટોરી રજૂકરવાની તક આપવા બદલ તનિષ્ઠાએ આયોજકોનો સોશ્યલ મિડિયા પર આભાર માનતાં જણાવ્યું હતું કે મારા જીવનના મુશ્કેલ પ્રકરણની વચ્ચે મને સમજાયું છે કે સ્ટોરીઝ હજી મહત્વપૂર્ણ છે. આ ફિલ્મ સંઘર્ષ, ધૈર્ય અને આશામાંથી જન્મી છે અને તેને સિડનીના દર્શકો સમક્ષ રજૂ કરતાં જાણે એક વર્તુળ પુરૂ થયું હોય તેમ લાગે છે.
તનિષ્ઠા ચેટર્જીની આ ફિલ્મમાં કિર્તી કુલ્હારી,શરીબ હાશ્મી, મોનિકા ડોગરા અને ઇન્દ્રનિલ ગુપ્તાએ અભિનય કર્યો છે. આ ફિલ્મમાં એક મુસ્લિમ ગૃહિણીની કથા છે. જેને રસોઇકળા હસ્તગત છે. એક અકસ્માતમાં તેના પતિનું અવસાન થતાં તેને ગુજરાન ચલાવવા માટે ઘરની ચાર દિવાલોની બહાર નીકળવું પડે છે. તેના આ નિર્ણયને પગલે તેનામાં આવતાં પરિવર્તનની આ રસપ્રદ કથા ફિલ્મ ફૂલ પ્લેટમાં રજૂ થઇ છે.
કિર્તીએ આ ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયામાં યોજાયેલાં ૩૦મા બુસાન ફિલ્મોત્સવમાં આ ફિલ્મનું પ્રિમિયર યોજાયું હતું. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળતાં અમારી મહેનત લેખે લાગી હોવાનું અનુભવાય છે. હું બુસાન ફિલ્મોત્સવમાં બીજીવાર ગઇ હતી. આ અગાઉ ૨૦૧૩માં પણ જલ ફિલ્મનું પ્રિમિયર પણ બુસાન ફિલ્મોત્સવમાં જ યોજાયું હતું. ફૂલ પ્લેટ ફિલ્મ સાથે બીજીવાર બુસાન જવા મળ્યું તે મારે માટે મહત્વની ઘટના બની રહી છે. કિર્તીએ આ ફિલ્મ તેને કેવી રીતે મળી તેની વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે મને ખબર પડી કે આ ફિલ્મનું લેખન અને નિર્દેશન બંને તનિષ્ઠા કરવાની છે ત્યારે મને ખાતરી થઇ હતી કે આ ફિલ્મ સરસ જ બનશે. મેં તરત જ મારી ભૂમિકા માટે હા પાડી દીધી હતી. તનિષ્ઠાએ મને લોકોના ઘરમાં રસોઇ કરવા જતી મહિલા તરીકે કલ્પી તેનો આનંદ અનેરો હતો. તેને મારામાં વિશ્વાસ હતો અને મને તેનામાં પુરો વિશ્વાસ હતો. આમ, ફૂલ પ્લેટમાં ઘણી બાબતોનો સરવાળો થયો છે.
કિર્તી કહે છે, અમે બંને જણાંએ ૨૦૧૦માં આવેલી જલ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. મને સેટપર તનિષ્ઠા સાથે ફરી મજા પડશે તેમાં કોઇ શંકા નહોતી. આ વખતે નિર્દેશક તરીકે પણ તેનો અનુભવ સરસ બની રહ્યો. મને તનિષ્ઠાની ફિલ્મમાં કામ કરીને એક અજબ સંતોષનો અનુભવ થાય છે. તે એક અભિનેત્રી તરીકે કાબેલ છે અને તેને કારણે તેના નિર્દેશનમાં એક ખાસ પ્રકારની સૂઝ છે. તે એક નિર્દેશક તરીકે પાત્રને એક્ટર કરતાં બહેતર સમજી શકે છે. ફિલ્મમાં અભિનય કરતાં એક તબક્કા બાદ હું અટકી જતી ત્યારે તે માત્ર મારી સામે જોતી અને હું સમજી જતી કે તે મારી પાસે શું ઇચ્છે છે.


