Get The App

તનિષ્કા ચેટરજી : કેન્સર હોય તો શું થઈ ગયું? .

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
તનિષ્કા ચેટરજી : કેન્સર હોય તો શું થઈ ગયું?                  . 1 - image


- 'મને મારી ફિટનેસનું  ગુમાન હતું. હું એમ માનતી  હતી કે મને માંદગી સ્પર્શી જ ન શકે... પણ શરીરની અંદર શું થઈ રહ્યું છે સમજવું અઘરું છે'

અભિનેત્રી- દિગ્દર્શિકા  અને સિંગલ મધર તનિષ્કા ચેટરજી એટલે લડાયક મિજાજની  જીવતું-જાગતું ઉદાહરણ. ગયા વર્ષે પોતાના કેન્સરગ્રસ્ત પિતાને ગુમાવ્યા બાદ  ચારેક મહિના પહેલા તેને પોતાને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું  નિદાન થયું ત્યારે તે હચમચી ઉઠી હતી. પરંતુ તનિષ્ઠાને  પડી ભાંગવાનું કોઈ કાળે પોસાય તેમ નહોતું.

અદાકારા-દિગ્દર્શિકા કહે છે, 'હું એક ફિલ્મ પર કામ કરી રહી હતી અને તે દરમિયાન જ મને ચોથા સ્ટેજનું સ્તન કેન્સર  હોવાની જાણ થઈ.  મેં ગયા વર્ષે જ મારા  પપ્પાને ગુમાવ્યા.  મારા  શિરે મારી ૭૦ વર્ષની માતા  અને નવ વર્ષની પુત્રીની જવાબદારી હોવાથી  મને પપ્પાના નિધનનું  શોક પાળવાનું પણ  પોસાય  તેમ નહોતું. પપ્પાની  ચીરવિદાયના પાંચમાં દિવસે જ હું દર્શન ત્રિવેદીના ડિરેક્શનમાં  બનેલી આગામી 'એક રુકા હુઆ ફૈસલા' ના સેટ પર પહોંચી ગઈ.  જોકે મને પોતાને ખબર નહોતી પડતી  કે હું શું કરી  રહી છું.  હું પપ્પાનાં પ્રિય ગીતો સાંભળતી અને જાત સાથે  વાત કરતી. મારી પાસે આગળ વધવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.  મને લાગે છે કે આ બધી  ચિંતાએ મારા સ્વાસ્થ્યનો ભોગ લીધો.  જ્યારે મને  જાણ થઈ  કે મારું કેન્સર છેક ચોથા સ્ટેજ  પર પહોંચી ગયું ત્યારે મારા   હાંજા ગગડી  ગયા હતા. મહું સાવ જ પડી  ભાંગી.   મને થયું કે આ મારા કર્મ  છે કે  કમભાગ્ય? અલબત્ત, મિત્રોના સધિયારા, અધ્યાત્મ  અને યોગને કારણે  હું ટકી ગઈ.  વળી, તબીબોએ પણ મને કહ્યું  કે તારું કેન્સર  ભલે એડવાન્સ સ્ટેજ પર છે, પરંતુ સૌ સારાવાનાં થઈ જશે. મેં કિમોથેરપીના છ સેશન લીધાં  તે દરમિયાન  મારાં વાળ ખરી પડયાં,  આઈબ્રો પાતળી થઈ ગઈ અને મારું વજન  સાવ ઘટી ગયું. મારો બદલાયેલો દેખાવ જ મને ડારતો.'

તનિષ્ઠાને  એ કબૂલવામાં જરાય સંકોચ નથી થતો કે  તેનો વધારે પડતો આત્મવિશ્વાસ તેને ભારે પડયો. તે કહે છે, 'મને મારી ફિટનેસનું  ગુમાન હતું. હું એમ માનતી  હતી કે મને માંદગી સ્પર્શી જ ન શકે.  મારા પપ્પા પણ એકદમ  સ્વસ્થ હતા. તેઓ ક્યારેય દવાખાનાનાં પગથિયાં  નહોતા ચડયા. પરંતુ  તેમને પણ લ્કુયેમિયાનું  નિદાન થયું હતું.  હું માત્ર એટલું જ કહેવા માગું છું કે  તમારા સ્વાસ્થ્યની  કાળજી લો. તમને કંઈ નહીં થાય એવા ગુમાનમાં  ન રહો.  ખાસ કરીને મહિલાઓએ ચાળીસી વટાવ્યા પછી નિયમિત રીતે મેમોગ્રાફી  કરાવતાં રહેવું જોઈએ કે જેથી જો કોઈ સમસ્યા સર્જાઈ હોય તો તેનું સમયસર નિદાન-ઈલાજ થઈ શકે. તમારા  શરીરની અંદર શું થઈ રહ્યું છે સમજવું  અતિ આવશ્યક છે.'

અઘરા નિર્ણયો લેવામાં પાવરધી તનિષ્ઠાને પણ ચોક્કસ નિર્ણયો લેવામાં ખાસ્સી મુશ્કેલી નડી હતી. એ કહે છે, 'મારી પુત્રી મને સુપરવુમન માને છે. હું નહોતી ઈચ્છતી કે તે મને કેન્સરની સારવાર દરમિયાન  અસહ્ય સ્થિતિમાં જુએ.  છેવટે  મે એને મારી બહેન પાસે અમેરિકા   મોકલી દેવાનો નિર્ણય કર્યો.'  

સદભાગ્યે થોડા સમય માટે અવસાદમાં સર્યા પછી તનિષ્ઠા હવે પાછી પોતાના ઓરિજિનલ ફોર્મમાં આવી ઘઈ છે.   

Tags :