- 'લોકો જ્યારે કોઈપણ આધાર વિના અફવા ચગાવે ત્યારે વિચિત્ર સ્થિતિ સર્જાય છે. આવા સંજોગો નિયંત્રણ બહારના હોય છે. તેને કોઈ રોકી શકાતા નથી. જાહેર જીવનની આ જ વરવી વાસ્તવિકતા છે.'
શોબિઝની ગ્લેમરસ પણ ક્રૂર દુનિયામાં પ્રસિદ્ધિની એક કિંમત ચૂકવવી પડે છે. અહીં સતત ગોસિપ, અંગત જીવન ડહોળી નાખે એવી હરકતો અને ફેક ન્યુઝનો મારો થતો હોય છે. બહુ ઓછી સેલિબ્રિટી એવી છે, જે આવી અરાજક પરિસ્થિતિને ગરિમા અને રમૂજ સાથે હેન્ડલ કરી શકે. બોલિવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર પ્રસિદ્ધ અભિનેત્રી તમન્ના ભાટિયા એમાંની એક છે. તમન્નાની કારકિર્દીનો પથ રોમાંચક રહ્યો છે. તાજેતરમાં તેણે પોતાના જીવનને લાગતી કેટલીય અફવાઓ વિશે બિન્દાસપણે સ્પષ્ટતાઓ કરી હતી.
વિરાટ કોહલી અને અબ્દુલ રઝાક સાથે ડેટિંગ? કભી નહીં!
'બાહુબલી' સિરીઝથી પ્રસિદ્ધ થયેલી તમન્ના પોતાના પરફોર્મન્સ ઉપરાંત તેના કથિત રોમાન્સ બાબતે પણ લાઈમ લાઈટમાં રહી છે. આવી અફવાઓમાં બે નામ સતત બોલાતા રહ્યાં - ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક.
તમન્નાએ આ અફવાઓ વિશે પ્રમાણિકતા અને ચતુરાઈથી ખુલાસા કરે છે. વિરાટ કોહલી સાથે ડેટિંગની અફવાઓ વિશે તમન્નાએ કહ્યું કે તે કોહલીને માત્ર એક જ વાર મળી છે અને તે પણ શૂટ દરમ્યાન. તમન્ના કબૂલ કરે છે કે તે વિરાટને એક જ વાર મળી હોવા છતાં તેની સાથે નામ સંકળાતા તે શરમજનક સ્થિતિમાં મુકાઈ હતી.
કોહલી સાથેની ડેટિંગની અફવા આશ્ચર્યજનક હતી તો અબ્દુલ રઝાકને સંડોવતી અફવા વાહિયાત હતી. બંને એક જ્વેલરી સ્ટોરમાં સાથે દેખાતા આ અફવાના મંડાણ થયા હતા. આ એક વ્યાવસાયિક મુલાકાત હતી જેને સોશિયલ મીડિયાએ તેને લગ્નની અફવામાં પરિવર્તિત કરી નાખી. આ અફવાને હસી કાઢતા તમન્નાએ ખુલાસો કર્યો કે મઝાક મઝાકમાં અબ્દુલ રઝાક આવી ગયો! તમન્નાએ કહ્યું કે સોશિયલ મીડિયા એક રમૂજી ચીજ છે. સોશિયલ મીડિયાનું સાચું માનો તો થોડા સમય માટે રઝાક સાથે મારા લગ્ન થઈ ચૂક્યાં છે! પોતાના વિશિષ્ટ અંદાઝ સાથે તેણે ઉમેર્યું કે માફ કરજે રઝાક, પણ તને બે-ત્રણ બાળકો પણ છે, મને તારા જીવન વિશે કંઈ ખબર નથી.
ખરેખર, આવી અકળાવી મૂકે તેવી અફવાઓનો રમૂજી અદા અને શાલીનતાથી સામનો કરવા માટે પરિપક્વતા જોઈએ.
ગોસિપથી માનસિક સ્તરે નુકસાન થવાનું જ
હળવાશભર્યા પ્રતિસાદ છતાં, તમન્નાએ આવી બેબુનિયાદ અફવાઓની ઇમોશનલ અસર વિશે પણ સ્પષ્ટતા કરી હતી. તેણે કબૂલ કર્યું કે આ અફવાઓ ક્ષોભજનક હતી. લોકો જ્યારે કોઈપણ આધાર વિના અફવા ચગાવે ત્યારે વિચિત્ર સ્થિતિ સર્જાય છે. આવા સંજોગો નિયંત્રણ બહારના હોય છે. લોકો પોતાની મરજી મુજબ ધારણાઓ બાંધી લે છે. તેમને કોઈ રોકી નથી શકતું. જાહેર જીવનની આ જ વરવી વાસ્તવિકતા છે.
રિલેશનશિપ સ્ટેટસની ગઈ કાલ, આજ અને આવતી કાલ
તમન્નાએ આખરે એ બાબતની પુષ્ટિ કરી ખરી કે એ હાલ સિંગલ છે. તેનો છેલ્લો સંબંધ એક્ટર વિજય વર્મા સાથે હતો, જેની સાથે તેની પહેલી મુલાકાત 'લસ્ટ સ્ટોરીઝ-ટુ'ના શૂટ દરમ્યાન થઈ હતી. બંનેએ તેમનો સંબંધ ૨૦૨૩માં જાહેર કર્યો હતો, પણ પછી તેઓ છૂટા પડી ગયાં. જો કે હજી પણ તેમની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે જ.
અજીબોગરીબ સ્કિન કેર
અંગત જીવનની જાહેરાતો પરથી હજી તો વાદળો હટયાં ત્યાં તો તમન્નાએ તેના ચાહકોને ફરી ચોંકાવી દીધા - આ વખતે અજીબોગરીબ સ્કિન કેરના મામલે. ચમકતી અને ડાઘરહિત ત્વચા માટે જાણીતી તમન્નાએ જણાવ્યું કે ખીલ માટે તે ઘરગથ્થુ ઈલાજ તરીકે સવારના થૂંકનો ઉપયોગ કરે છે! બ્રશ કર્યા પહેલાંના વહેલી સવારના થૂંક વિશે તમન્ના કોઈપણ ખચકાટ વિના કહે છે કે આપણે સવારે જાગીએ ત્યારે આપણા શરીરે મોઢામાં બેક્ટેરિયા વિરોધી તત્ત્વો બનાવ્યા હોય છે. આખી રાત શરીર કુદરતી રીતે બેક્ટેરિયા સામે રક્ષણ વ્યવસ્થા મજબૂત બને છે, જે આપણી આંખ અને નાકમાં ચિકાશ તરીકે દેખાય છે. એવી જ રીતે મોઢામાં થૂંક પણ બને છે. તમન્નાની આ વાત સુગાળવી લાગે એવી છે, પણ જરનલ ઓફ ડર્મેટોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, માનવીના થૂંકમાં ખીલ સર્જતા બેક્ટેરિયાનો નાશ કરવાના ગુણ છે! આથી તમન્નાએ સૂચવેલો નુસખો ભલે વરવો લાગે, પણ તેને વૈજ્ઞાનિક આધાર તો છે જ.
જુવાન રહેવું છે? તો તરૂણ વયથી જ તૈયારી આરંભી દો
તમન્નાએ સતત યુવાન દેખાવા માટે જરૂરી દિનચર્યા વિશે પણ જાણકારી આપી. એણે નાની વયથી જ ત્વચાની સંભાળ રાખવાની સલાહ આપી. તમન્ના કહે છે કે એ ૧૪ વર્ષની વયથી જ ત્વચાનો સારી રીતે સંભાળ રાખતી હતી. તમન્નાના મતે કલાકારોએ લાંબો સમય કેમેરા સામે રહેવું પડતું હોય છે, આથી તેમણે પોતાના દેખાવ બાબતે સજાગ રહેવું જરૂરી છે. જોકે તેણે તુરંત સ્પષ્ટતા કરી કે સૌંદર્ય અને વધતી વય તે અંગત બાબત છે, છતાં જે લાંબો સમય યુવાન દેખાવા ઈચ્છતા હોય તેમણે મહેનત તો કરવી જ પડે.
સતત વિકસતી કારકિર્દી
કરીઅરના મામલે તમન્ના બિલકુલ સુસ્ત નથી. તે વિવિધ ભાષાના એકાધિક પ્રોજેક્ટમાં દેખાશે. જેમ કે, અજય દેવગણ સામે આગામી હિન્દી થ્રિલર 'વિવાન - ફોર્સ ઓફ ધી ફોરેસ્ટ'. એક 'રેન્જર' નામની ફિલ્મ છે. આ ઉપરાંત એક પૌરાણિક પ્રોજેક્ટમાં એ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ કામ કરીને પોતાની વર્સેટિલિટીનું પ્રદર્શન કરશે.
ટૂંકમાં, તમન્ના ભાટિયા ગોસિપ કે ફેક ન્યુઝથી મૂંઝાઈ જાય એવી નથી એ તો નક્કી.


