- દાસ્તાન-એ- સિનેમા
- એ ફિલ્મ, જેની વાર્તા રાજ કપૂર હોય, મહેબૂબ ખાન હોય અને સુબોધ મુખર્જી સહિત કેટલાય ફિલ્મમેકરોએ નકારી કાઢી હતી, હીરો દિલીપકુમારે પણ જેને શરુઆતમાં તો રિજેક્ટ જ કરી દીધી હતી, અને ઓરિજિનલ નાયિકા મધુબાલા થોડા દિવસનું શૂટિંગ કરીને ફિલ્મમાંથી બહાર થઈ ગઈ હતી... આ ફિલ્મ 'નયા દૌર' પછી તો એટલી હિટ થઈ કે ૧૯૫૦ના દાયકાની બીજા નંબરની સૌથી સફળ ફિલ્મ બની ગઈ.
જકાલ ચારેતરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની ચર્ચા છે. એક તરફ, એઆઈની નવી નવી શોધ લોકોને આકર્ષિત કરી રહી છે. બીજી તરફ, એઆઈને કારણે નોકરી જવાનો ડર લોકોમાં જોવા મળી રહ્યો છે. કમ્પ્યુટર આવ્યા ત્યારે પણ અનેકને નોકરીઓ જવાનો ડર હતો. ટેલી જેવા સોફ્ટવેર આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે હવે એકાઉન્ટન્ટની જરૂર જ નહીં રહે. ગૂગલ પહેલાં પત્રકારો એક સ્પેશિયલ સ્ટોરી લખવા ૪-૫ દિવસ સુધી લાઈબ્રેરીના ધક્કા ખાતા, અનેક પુસ્તકો ફંફોળતા. કંઈક ખાસ મળે તો ઠીક બાકી સારો આઈડિયા સ્ક્રેપ કરવાનો વારો આવતો. ગૂગલ આવ્યું પછી ઘણાએ નવી ટેકનોલોજીને અપનાવી. હવે એકાદ દિવસમાં જ સ્પેશિયલ સ્ટોરી લખાઈ જતી. તે સમયે સાંભળવા મળતું કે, આ પત્રકારભાઈએ તો 'ગૂગલ ગુરૂ' રાખ્યા છે. પરંતુ સમય બદલાયો. જે લોકો મેણંાટોણાં મારતા હતા તેઓ પણ ગૂગલનો ઉપયોગ કરતા થયા. આજે ગૂગલ જીવનનો અભિન્ન ભાગ બન્યું છે.
એક વાત પાક્કી કે, હંમેશા જોવા મળ્યું છે કે, ટેકનોલોજીને કારણે શરૂઆતમાં તકલીફો પડી છે, પરંતુ સમય જતાં તેનાં સારાં પરિણામો જ જોવા મળ્યાં છે. એક એપ ગૂગલ મેપ્સને કારણે કોઈને ખોટો રસ્તો બતાવીને મજા લેનારા તત્ત્વો નવરાં થયાં છે. સામાન્ય કોલર આઈડીને કારણે કોઈને ખોટે-ખોટા ફોન કરનારાઓની સંખ્યા ઘટી છે. સસ્તા સોફટ્વેર એવા એક્સેલને કારણે અનેક ઓફિસો સુવ્યવસ્થિત થઈ છે. પણ, હા આ સઘળુંય ટીકા વગર નથી થયું.
નવી ટેકનોલોજી ન અપનાવવા માટે અનેક ચિત્ર-વિચિત્ર વિરોધ પ્રદર્શનો પણ થયાં છે. તેનું કારણ પણ છે. દરેક ખેડૂતને પોતાના ખેતરની ચિંતા હોય તેમ, દરેક નોકરિયાત માણસને નોકરી છીનવાઈ જવાનો ડર હોય. આ ડરમાં પંચાતિયાં તત્ત્વો આગમાં ઘી હોમવા જેવું કામ કરે. થાકેલા માણસને પોતાની વેદના ઠાલવવા માટે કોઈ આઉટલેટ તો જોઈએ ને! આ પ્રકારનું આઉટલેટ આજથી ૬૮ વર્ષ પહેલા 'મહાભારત' ફેમ બી.આર. ચોપરાએ આપ્યું હતું. આ તે સમય હતો જ્યારે વિશ્વમાં ઔદ્યોગિકીકરણની શરુઆત થઈ હતી. મજૂરોની જગ્યાએ નવાં નવાં મશીનો ગોઠવાઈ ગયાં હતાં. બી. આર. ચોપરાએ 'નયા દૌર' (૧૯૫૭) ફિલ્મ સાથે મજૂરોનો અવાજ ઉઠાવ્યો હતો. કદાચ એટલે જ આ ફિલ્મ 'મધર ઈન્ડિયા' બાદ તે દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
અનેક દ્વારા રિજેક્ટ કરાયેલી કહાણી
ઘણાને આદત હોય કે એક-બે વ્યક્તિને પોતાનો વિચાર સંભળાવે. જો સારો પ્રતિસાદ મળે તો ઠીક. બાકી, વિચારને જ પડતો મૂકી દે. અખ્તર મિર્ઝા દ્વારા લિખિત ફિલ્મ 'નયા દૌર' શીખવે છે કે, સારા વિચાર પર કોઈના સ્ટેમ્પની જરૂર ન હોય. બી. આર. ચોપરાને તો આ ફિલ્મનો આત્મા ગમ્યો, પરંતુ તેમની પહેલાં આ કહાણીને અનેક જાણીતા ફિલ્મમેકર્સે નકારી કાઢી હતી. રાજ કપૂર હોય, મહેબૂબ ખાન હોય કે પછી સુબોધ મુખર્જી - આ ફિલ્મની સ્ટોરી આ કોઈને પસંદ નહોતી આવી. કહેવાય છે કે, બી.આર. ચોપરાને જ્યારે અખ્તર મિર્ઝાએ આ ફિલ્મની કહાણી સંભળાવી ત્યારે તેઓ ફિદા થઈ ગયા હતા.
દિલીપકુમાર: કભી હાં કભી ના
આ ફિલ્મ માટે બી.આર. ચોપરાની પહેલી પસંદ દિલીપકુમાર હતા. રાજ કપૂર, મહેબૂબ ખાન અને સુબોધ મુખર્જીની જેમ આ ફિલ્મની કહાણી જ્યારે દિલીપકુમાર પાસે પહોંચી ત્યારે જવાબમાં ના આવી. આ તો અશોકકુમારની મિત્રતાનો ફાયદો બી.આર. ચોપરાને મળ્યો. અશોકકુમારે આ ફિલ્મ કરવા દિલીપકુમારને મનાવ્યા. આજે આ ફિલ્મ દિલીપકુમારની યાદગાર ફિલ્મોમાંની એક ગણાય છે.
લોકેશનની માથાકૂટ, બ્રેકઅપ અને કોર્ટ કેસ
ફિલ્મની ગતિવિધિઓ ઠીક ચાલી રહી હતી. દિલીપકુમારની સામે મધુબાલાને મુખ્ય ભૂમિકામાં પસંદ કરવામાં આવ્યાં હતાં. તેમને એડવાન્સ પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું હતું. પંદર દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ પણ ચાલ્યું, અને અચાનક ફિલ્મનું લોકેશન નડી ગયું. બી. આર. ચોપરા આઉટડોર શૂટિંગ માટે ક્રૂને ગ્વાલિયર લઈ જવા માગતા હતા. મધુબાલાના પિતા અતાઉલ્લા ખાનને ત્યાં જ વાંધો પડયો. તેમણે કહ્યું કે, દિલીપકુમાર માટે જ ફિલ્મનું શૂટિંગ ગ્વાલિયર ખસેડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તે સમયે દિલીપકુમાર અને મધુબાલા રિલેશનશિપમાં હતાં. અતાઉલ્લા ખાનને લાગ્યું કે, શૂટિંગ ગ્વાલિયર ખસેડાતાં દિલીપકુમાર અને મધુબાલા વધુ નજીક આવશે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે બી. આર. ચોપરાએ મધુબાલાની જગ્યાએ વૈજંતિમાલાને લઈને ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું. દાઝે ભરાયેલા અતાઉલ્લા ખાને બી.આર. ચોપરા પર કોર્ટ કેસ કરી નાખ્યો. તેના જવાબમાં બી.આર. ચોપરાએ અતાઉલ્લા ખાન પર કેસ કર્યો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં પહેલા વાર એવું બન્યું કે, કોર્ટની જુબાની એક પ્રેમ કહાણીના કરુણ અંતની સાક્ષી બની. દિલીપકુમારે કોર્ટમાં જુબાની આપી. તેમણે બી. આર. ચોપરાનો પક્ષ લીધો અને પ્રેમિકા મધુબાલાની વિરુદ્ધ નિવેદન આપ્યું. તેમણે મધુબાલા પ્રત્યે પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો, પણ સાથે સાથે કહી દીધું કે, મધુબાલાના પિતા અતાઉલ્લા ખાનની તાનાશાહીનો સ્વીકાર કરવો શક્ય નથી.
કોર્ટે બી. આર. ચોપરાની પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. જ્યારે બી.આર. ચોપરાને થયું કે આ નિર્ણયને કારણે મધુબાલાએ જેલમાં જવાનો વારો આવશે ત્યારે તેમણે કેસ પરત ખેંચ્યો હતો. બીજી તરફ, અતાઉલ્લા ખાનની તાનાશાહીને કારણે દિલીપકુમાર-મધુબાલાની લવ સ્ટોરીનો 'ધી એન્ડ' થયો. કહેવામાં આવે છે કે, પ્રેમના પ્રતીક સમી 'મુઘલ-એ-આઝામ'ના શૂટિંગ દરમિયાન સલીમ-અનારકલી એકબીજા સાથે વાત પણ નહોતાં કરતાં. પિતા અતાઉલ્લા ખાનની જીદને કારણે ફિલ્મની સાથે સાથે મધુબાલાના જીવનનો પ્રેમ પણ છીનવાયો હતો.
માનવ વિરુદ્ધ મશીનની જંગ
આ ફિલ્મના હાર્દમાં માનવ વિરુદ્ધ મશીનની જ વાત છે. કુંદન નામનો એક માણસ ગામડામાં પહેલા એક ઈલેક્ટ્રિકથી ચાલતી આરી લાવે છે. ત્યાર બાદ થોડા સમય પછી એક ટ્રક લઈને આવે છે. કુંદનની ટ્રકને કારણે ગામડાના ઘોડાગાડીવાળા બેકાર બને છે. ગામનો યુવક શંકર તેને પડકારે છે. ઘોડાગાડી અને ટ્રકની રેસ થાય છે. કોઈને પણ પૂછો કે, ઘોડાગાડી અને ટ્રક વચ્ચે રેસ થાય તો કોણ જીતે? જવાબ, ખૂબ જ સરળ છે. જોકે ફિલ્મમાં ઘોડાગાડી જીતે છે. 'ડેવિડ વર્સિસ ગોલિએથ' જેવી આ જંગ દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
ઓ. પી. નૈયર અને સાહિર લુધિયાનવીનો જાદુ
આ ફિલ્મનો આત્મા તેનું સંગીત છે. સાહિર લુધિયાનવીના બોલ અને ઓ. પી. નૈયર દ્વારા લોકસંગીતના તાલનો સુંદર સમન્વય આજે પણ નાચવા મજબૂર કરે તેવો છે. 'યે દેશ હૈ વીર જવાનો કા', 'ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી', 'રેશમી સલવાર કૂર્તા જાલી દા', 'સાથી હાથ બઢાના' જેવાં ગીતો તે સમયના યુવા ભારતનો સ્પિરિટ દર્શાવતા હતાં. આજે પણ આ ગીતો તર્કસંગત છે. ૧૫ ઓગસ્ટ હોય કે પછી ૨૬ જાન્યુઆરી, 'યે દેશ હૈ વીર જવાનો કા' જરૂર સાંભળવા મળે છે. આજે પણ તે દેશભક્તિનાં સર્વશ્રેષ્ઠ ગીતોમાંનું એક છે. આ સિવાય લગ્ન પ્રસંગોમાં અંકલ-આંટીઓ સિમ્પલ સ્ટેપ્સ સાથે 'ઉડે જબ જબ ઝુલ્ફે તેરી' પર ડાન્સ કરતાં જોવા મળે છે.
'લગાન' અને 'નયા દૌર'
'નયા દૌર' ભારતની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં સામેલ છે. આ ફિલ્મનો પ્રભાવ ૨૦૦૧માં રિલીઝ થયેલી ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ 'લગાન'માં પણ જોવા મળ્યો. જેમ 'નયા દૌર'માં શરત લગાવવામાં આવી છે, તેમ 'લગાન'માં પણ વાત શરતની જ છે. જેમ 'નયા દૌર'માં હીરો રસ્તો બનાવવા માટે ગામડાના લોકોનો સાથ લે છે, તેમ 'લગાન'માં ક્રિકેટ મેચ જીતવાની વાત છે. જેમ 'નયા દૌર'માં એક સમયનો દુશ્મન રસ્તો બનાવવા મદદ કરે છે, તેમ 'લગાન'માં પણ તેવું જ છે. એ વાત અલગ છે કે ક્યારેય 'નયા દૌર'ને આ વિશે ક્રેડિટ નથી આપવામાં આવી. અલબત્ત, તેની જરૂર પણ નથી.
આજના યુગમાં નયા દૌર?
તે સમયે ઘોડાગાડી વિરુદ્ધ ટ્રકની રેસની વાત થઈ હતી, જેમાં ઘોડાગાડી જીતે છે અને લોકો ખુશીઓ મનાવે છે. આજે ઘોડાગાડીઓ જોવા જ નથી મળતી. આધુનિકતા સામેની રેસમાં આભાસી વિજય આજે પણ લોકલાગણીને સ્પર્શે તેવો વિષય છે. આ વિષય પર બનાવવામાં આવેલ ફિલ્મ, નાટક, વાર્તા લોકપ્રિય થઈ શકે, પરંતુ યાદ રાખવું કે, આધુનિકતા વિના નહીં ઉદ્ધાર. બીજો વિષય કોઈ પણ 'દૌર'ને પણ સ્પર્શે તેવો છે. તે છે અતાઉલ્લા ખાનની જોહુકમી. મધુબાલાના પિતાએ તેમના ઈગોને કારણે બે પ્રેમીઓને અલગ કર્યા. તેમણે કિશોરકુમાર સાથે દીકરીનાં લગ્ન કરાવીને આભાસી જીત મેળવી લીધી, પરંતુ હાર છેવટે મધુબાલાની થઈ. કહેવાય છે કે કિશોરકુમારે બીમાર મધુબાલાને એના અંતિમ દિવસોમાં તરછોડી દીધી હતી. આ પ્રકારની જોહુકમી આજના દૌરમાં પણ યથાવત છે. જીવનમાં ઘણા પ્રસંગો આવશે જ્યારે આભાસી વિજય હાથવેંત જ દૂર હશે, પરંતુ આભાસી વિજયથી હરહંમેશ માટે દૂર રહેવું. યાદ રાખવું કે, 'મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર..' અને 'તૂ સમય બદલ કે રખ દેગા, ઈતિહાસ લિખેગા ધૂલ નહીં.. તૂ ભોર કા પહલા તારા હૈ, પરિવર્તન કા નારા હૈ.. યહ અંધકાર કુછ પલ કા હૈ, ફિર સબ કુછ તુમ્હારા હૈ..'


