...તો 'બ્રહ્માસ્ત્ર'ની પહેલાં તાલિસ્માન આવી ગઈ હોત!


- છેક 2009માં અમિતાભ બચ્ચનને લઈને વિધુ વિનોદ ચોપડાએ 'તાલિસ્માન' નામની વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી ભરપૂર સુપરહીરો ફિલ્મ બનાવવાનું શરુ તો કર્યું હતું, પણ... 

તો, બોયકોટના બૂમબરાડા વચ્ચે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મ આવી ખરી. સારા-ખરાબ-મિશ્ર રિવ્યુઝની વચ્ચે એના બોક્સઓફિસ કલેક્શનના આંકડો વધતો ગયો તે પણ ખરું. એક વાત તો સ્વીકારવી પડે કે અનેક ક્ષતિઓ હોવા છતાં આ ફિલ્મ દર્શકોમાં ચર્ચા જગાડવામાં કામિયાબ રહી. 'બ્રહ્માસ્ત્ર'નાં પાત્રો અને કથા-ઉપકથાઓ વિશે ખૂબ બધી થિયરીઓ બની. ફિલ્મમાં આ આવું હોઈ શકત ને પેલું ફલાણું હોઈ શકત ને 'આલિયા પણ એક અસ્ત્ર જ નીકળશે, તમે જોજો' પ્રકારની વાતો તેમજ વાનરાસ્ત્ર તેમજ નંદીઅસ્ત્રની અલાયદી ફિલ્મો  બનવી  જોઈએ એવી ડિમાન્ડ... છેલ્લે ક્યારે કોઈ હિન્દી ફિલ્મો ઓડિયન્સમાં આટલો બધો રસ જાગૃત કર્યો હતો? અઢાર અંગ વાંકા હોવા છતાં 'બ્રહ્માસ્ત્ર'ની આ સફળતા ગણાય. 

સહેજે સવાલ થાય કે બોલિવુડે આ પ્રકારની ફેન્ટસી ફિલ્મ બનાવવામાં આટલી બધી વાર કેમ કરી નાખી? ભારતનું પારંપરિક કથા-કથન અને માઇથોલોજી એટલી હદે સમૃદ્ધ છે કે 'બહ્માસ્ત્ર' જેવી એકાધિક ફિલ્મો અત્યાર સુધીમાં બની જવી જોઈતી હતી. તો સાંભળોઃ 'બ્રહ્માસ્ત્ર' જેવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ બોલિવુડમાં અગાઉ થઈ ચૂક્યો છે. તે પણ અમિતાભ બચ્ચનને લઈને. બિગ બીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મનું ટાઇટલ હતું, 'તાલિસ્માન'. 

૨૦૦૯માં પ્રોડયુસર-ડિરેક્ટર વિઘુ વિનોદ ચોપડાએ હોલિવુડની સુપરડુપર 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' સિરીઝની ફિલ્મો પરથી પ્રેરાઈને હિંદીમાં તે પ્રકારની ફેન્ટસી ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. પ્લાનિંગ તો એવું હતું કે છેક ૧૮૮૮માં પ્રકાશિત થયેલી ક્લાસિક કથા 'ચંદ્રકાંતા'નો આધાર લઈને એક લાઇવ-એક્શન એપિક ફિલ્મ બનાવવી. ફિલ્મના ડિરેક્શનની જવાબદારી આપવામાં આવી રામ માધવાણી નામના એડગુરુ-ટર્ન્ડ-ફિલ્મમેકરને. રામ માધવાણીના નામે અત્યારે 'નીરજા' (૨૦૧૬) જેવી ખૂબ વખણાયેલી ફિલ્મ અને 'આર્યા' (૨૦૨૦-૨૧) જેવી સફળ વેબ સિરીઝ બોલે છે, પણ 'તાલિસ્માન'નું કામકાજ શરુ થયું હતું ત્યારે એમના બાયોડેટામાં એક જ ઓફબીટ ફિલ્મ દેખાતી હતી - 'લેટ્સ ટોક' (૨૦૦૦). આ સિવાય 'મિશન કાશ્મીર'માં તેમણે અસોસિયેટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.  રામ માધવાણી 'તાલિસ્માન'નું ડિરેક્શન ઉપરાંત સહલેખન પણ કરવાના હતા. ફિલ્મના બીજા લેખક ગીતકાર સ્વાનંદ કિરકિરે હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં તેમણે ત્રણ વર્ષ લગાડયા, પણ વિધુ વિનોદ ચોપડાના મોઢેથી 'વાહ... યે સ્ક્રિપ્ટ કો લૉક કિયા જાય!' એવા શબ્દો ન નીકળ્યા તે ન જ નીકળ્યા. 

તો શું સંતોષકારક સ્ક્રિપ્ટનો અભાવ એકમાત્ર કારણ હતું 'તાલિસ્માન' ફિલ્મ ન બની એનું? ના. સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ અંદાજિત બજેટનો આંકડો પણ વધતો જતો હતો. વીએફએક્સનો ભરપૂર ઉપયોગ થવાનો હતો એટલે  ફિલ્મ આમેય ખર્ચાય પૂરવાર થવાની હતી. એમ તો બચ્ચનબાબુને લઈને 'તાલિસ્માન'નું રુપાળું ટીઝર પણ બનાવવામાં આવ્યું હતું. તે રિલીઝ પણ થયું. એક ટીઝર બનાવવામાં જો આટલો ખર્ચ થતો હોય તો આખેઆખી ફિલ્મમાં કેટલો તોતિંગ ખર્ચ થવાનો છે તે સ્પષ્ટ દેખાતું હતું. અધૂરામાં પૂરું, અમિતાભ બચ્ચન સિવાયના કલાકારોના કશા ઠેકાણાં નહોતાં. ટૂંકમાં, કાચી સ્ક્રિપ્ટ, વધારે પડતું મોટું બજેટ અને કાસ્ટિંગની સમસ્યાને કારણે સરવાળે ૨૦૧૧માં વિધુ વિનોદ ચોપડાએ 'તાલિસ્માન'ના પ્રોજેકટ પર તાળું મારી દીધું. 

રામ માધવાણી કહે છે, 'ઓહ, 'તાલિસ્માન' તો મારી સિસ્ટમમાંથી ક્યારની બહાર નીકળી ગઈ છે. મને એ વાતનું દુખ છે. પ્રત્યેક ફિલ્મમેકર પાસે એવા પ્રોજેક્ટ્સ જરુર હોવાના જે માત્ર કાગળ પર રહી ગયા હોય અથવા શરુ થયા બાદ પૂરા જ ન થયા હોય. મારા માટે 'તાલિસ્માન' આવો જ એક પ્રોજેક્ટ છે. તમે માનશો, મારી પાસે આઠ સ્ક્રિપ્ટ્સ રેડી છે, તે પણ ડાયલોગ્ઝ સાથે. અમુકનું તો થોડું ઘણું સંગીત પર તૈયાર છે. આ આઠમાંથી છ પ્રોજેક્ટ્સનું હવે કશું થવાનું નથી. ઇટ્સ ઓવર.'

આવું બનતું હોય છે. દરેક ક્રિયેટિવ પ્રોજેક્ટ પોતાની તકદીર લઈને આવતો હોય છે. 'તાલિસ્માન'ના નસીબમાં હોલિવુડ સ્ટાઇલ અથવા કહો કે માર્વેલ કે ડીસી કોમિક્સ શૈલીની પહેલી ઇન્ડિયન સુપરહીરો ફિલ્મ બનવાનું લખાયું નહોતું. આ બહુમાન હવે 'બ્રહ્માસ્ત્ર' મળશે. ઓડિયન્સ અત્યારથી 'બ્રહ્માસ્ત્ર'ની સિક્વલની રાહ જોવા લાગ્યા છે તે સારી નિશાની છે!  

City News

Sports

RECENT NEWS