- 'અક્ષયને જાણે કે સમય સ્પર્શી જ શક્યો નથી. તેનો રમૂજી સ્વભાવ અને ઊર્જા આજે એવા જ છે. તે હજી પણ સવારના ચાર વાગે ઉઠે છે, પોતાનું કામ સમયસર પૂરું કરીને ઝટ ઘરભેગો થઈ જાય છે.'
વર્ષ ૨૦૦૦માં રજૂ થયેલી 'હેરાફેરી' પછી અભિનેત્રી તબુએ પચીસ વર્ષના લાંબા ગાળા પછી અભિનેતા અક્ષયકુમાર અને ફિલ્મ સર્જક પ્રિયદર્શન સાથે ફરીથી કામ કર્યું. પોતાની આ નવી ફિલ્મ વિશે તબુ કહે છે કે 'ભૂત બંગલા' એ અમને ફરી એકત્ર આણ્યાં મારા માટે તે સાનંદાશ્ચર્યજનક અને અનોખા અનુભવ સમાન બની રહ્યું. અદાકારા આ ફિલ્મનો સેટ પરનોે પહેલો દિવસ સંભારતા કહે છે કે મને સમજાતું નહોતું કે હું શું અપેક્ષા રાખું. મેં 'હેરાફેરી' પછી અક્ષયકુમાર સાથે કામ નહોતું કર્યું. એટલે સુધી કે અમે સામાજિક રીતે પણ ભાગ્યે જ મળ્યા હોઈશું. હા, હું પ્રિયદર્શનના સંપર્કમાં હતી તેતી મને ખબર હતી કે તેઓ પચીસ વર્ષ પહેલાં હતા એવા જ અત્યારે પણ છે. હજી પણ પ્રિયદર્શન એટલા જ અધીરા છે. અને તેમને કેવું કામ ખપે છે તે સ્પષ્ટપણે બોલે છે. તેઓ આજે પણ વન-ટેક ડાયરેક્ટર છે. હા, વાતમાં બે-મત નથી કે સમય સાથે અમે બધા અલગ અલગ દિશાઓમાં મોટા થયાં છીએ. અને હવે એકમેક સાથે કામ કરવા એકઠાં થયાં છીએ. આમ છતાં કેટલીક બાબતે અમે એકબીજાથી અલગ છીએ. તબુ અક્ષયકુમાર વિશે કહે છે કે પચીસ વર્ષ પછી પણ જાણે કે તેને સમય સ્પર્શી શક્યો નથી. તેનો રમૂજી સ્વભાવ અને ઊર્જા આજે એવા જ છે. તે હજી પણ સવારના ચાર વાગે ઉઠે છે, પોતાનું કામ સમયસર પૂરું કરે છે અને ઝટ ઘરભેગો થઈ જાય છે. અલબત્ત, તેને કારણે અન્યોનું કામ પણ સમયસર પૂરું થઈ જાય છે. તે હમેશાં કહે છે કે રાત્રે જલ્દી સુઈ જવું જોઈએ. આ કારણે જ તે પાર્ટીઓમાં નથી જતો. આ વર્ષમાં તબુની એકેય ફિલ્મ રજૂ નથી થઈ. પરંતુ તેણે ઉપરા ઉપરી બે ફિલ્મોનું શૂટિંગ કર્યું છે, તબુ કહે છે કે મેં આ વર્ષે 'ભૂત બંગલા' તેમ જ પુરી જગન્નાથ દિગ્દર્શિત, વિજય સેતુપતિ સાથેની એક દક્ષિણ ભારતીય ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ મૂવી તમિળ અને તેલુગુ ભાષામાં રજૂ થશે. બંને ફિલ્મો આવતા વર્ષે રીલિઝ થવાની છે.


