- 'અમે 'અસ્સી' ટાઇટલ રોજ નોંધાતા બળાત્કારના કેસના આંકડા પરથી રાખ્યું છે. ન નોંધાતા કેસોની સંખ્યા કેટલી હશે તે તો અનુમાનનો વિષય છે. '
દર વર્ષની જેમ ૨૦૨૩માં પણ પ્રકાશિત થયેલાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં દરરોજ રોજ લગભગ ૮૦ બળાત્કારના કેસો નોંધાય છે. સામાન્ય રીતે સમાચારમાં આ રિપોર્ટના આંકડાઓ આવે અને એક સમાચાર તરીકે નોંધ લેવાઇ જાય પછી બધાં તેને ભૂલી જાય છે. પરંતુ આ વખતે આ રિપોર્ટ પર સિનિયર ફિલ્મ નિર્દેશક અનુભવ સિંહાની નજર પડી. તેમણે આ મુદ્દે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને તેમાંથી સર્જાઇ હાર્ડ હિટીંગ કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ 'અસ્સી'. ફિલ્મના પ્રમોશન દરમ્યાન હિરોઇન તાપસી પન્નુએ ફોડ પાડીને જણાવ્યું હતું કે રોજના સરેરાશ ૮૦ બળાત્કાર કેસો નોંધાતા હોઇ ફિલ્મનું નામ 'અસ્સી' રાખવામાં આવ્યું છે.
ફિલ્મ ઓડિયન્સ અને ફિલ્મ રિવ્યુઅર્સ બન્નેને એકસરખી અપીલ કરી ગઈ છે. આ ફિલ્મને ટિપિકલ હિટ મસાલા ફિલ્મ જેવું બોક્સ ઓફિસ કલેક્શન ન મળે તે સ્વાભાવિક છે. ફિલ્મમાં રાવી નામની એડવોક્ેટની ભૂમિકા ભજવતી તાપસી જણાવે છે, 'ફિલ્મનું નામ નોંધાતા કેસની સંખ્યા પરથી રખાયું છે, પણ ન નોંધાતા કેસોની સંખ્યા કેટલી હશે તે અનુમાનનો વિષય છે. ભારતમાં બળાત્કારની ઘટનાને એટલી સામાન્ય ગણવામાં આવવા માંડી છે કે છ-સાત વર્ષની બાળકી પર પણ બળાત્કાર થવાની ઘટનાઓ બની રહી છે. આપણે એક સમાજ તરીકે બળાત્કારના કેસોમાં સંવેદનહીન શા માટે બની ગયા છીએ તે સમજવાનો પ્રયાસ આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો છે.'
અનુભવ સિંહા અને તાપસી પન્નુની જોડી આ પ્રકારની હાર્ડ હિટીંગ ફિલ્મો બનાવવા માટે જાણીતી છે. તેમણે અગાઉ 'મુલ્ક' ફિલ્મમાં કોમવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો, તો તે પછી 'થપ્પડ' ફિલ્મમાં નારીની ગરિમાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. હવે તાપસી અને અનુભવ સિંહાની જોડી બળાત્કાર જેવા સળગતા મુદ્દા વિશે 'અસ્સી' લઇને આવ્યા છે. ફિલ્મની સામાજિક નિષ્ઠા અને જોરદાર કોર્ટરૂમ ડ્રામાની સમીક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. આમ, તાપસી અને અનુભવસિંહાની જોડીએ ત્રણ સુંદર ફિલ્મોની હેટ્રિક કરી છે.
'અસ્સી' એક ઇન્વેસ્ટિગેટિવ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે, જેમાં સત્ય અને ન્યાયનો જંગ જોવા મળે છે. સત્તા અને સિસ્ટમની સાંઠગાંઠ એવી છે કે ઘણીવાર તેમાં સત્ય દબાઇ જાય છે. તાપસી પન્નુ આ ફિલ્મમાં વકીલ તરીકે બળાત્કાર પિડિતાનો કેસ જ નથી લડતી, પણ નૈતિકતા અને સિસ્ટમ સામે સુદ્ધાં જંંગ છેડે છે. ફિલ્મમાં તાપસી પન્નુ ઉપરાંત ઝીશન અયુબ ખાન, કની કુશ્રુતિ, મનોજ પાહવા, કુમુદ મિશ્રા અને રેવતી પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળે છે.
દિગ્દર્શક અનુભવ સિંહા અને લેખક ગૌરવ સોલંકીની જોડીએ આ ફિલ્મમાં ફરી એકવાર કમાલ કરી છે. અનુભવ સિંહા એક પીઢ અને મંજાયેલાં લેખક છે. તેમની સરખામણીમાં ગૌરવ સોલંકી અનુભવ અને વયમાં નાના હોવા છતાં બંને જણાં એક મુદ્દે સામાજિક ન્યાયના મામલે એક સરખું વલણ ધરાવે છે. અનુભવ સિંહાની ૨૦૨૧માં રજૂ થયેલી ફિલ્મ 'આર્ટિકલ ૧૫'માં કાસ્ટ સિસ્ટમની સામાજિક અસરોની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પણ પટકથાલેખન ગૌરવ સોલંકીનું હતું. એ સમયે એક મુલાકાતમાં ગૌરવ સોલંકીએ જણાવ્યું હતું કે વાસ્તવિકતા વાર્તા અને પાત્રોની શક્યતાઓની કલ્પના સર્જકતાને મર્યાદિત બનાવે છે. જો મારે કદી કોર્ટરૂમ ડ્રામા લખવાનો આવશે તો મારે કોર્ટરૂમ અને તેની ટેકનિકાલિટી વિશે પાયાની સમજ મેળવવી પડશે. મારે કોર્ટમાં જઇ તેની વ્યવસ્થાને સમજવી પડશે. 'અસ્સી'ને કારણે તાપસી અને આખી ટીમના બાયોડેટામાં એક સફળ નામ ઉમેરાઈ ગયું છે એ તો નક્કી.


