સિડની સ્વીની અને સ્કૂટર બ્રોન વચ્ચેનો સંબંધ શાંત અટકળોથી આગળ વધીને પાછો જાહેર ચર્ચામાં આવ્યો છે. સ્વીની અને બ્રોન છેલ્લા છ મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે અત્યાર સુધી તેમણે તેમની મુલાકાતો પ્રમાણમાં ગોપનીય જ રાખી હતી. તેઓ ડિનર માટે બહાર જતાં, જાહેરમાં દેખાતાં. સ્વાભાવિકપણે જ હોલીવૂડ ગુસપુસ થતી રહેતી, પણ તેઓ વિશેષ આગળ વધ્યા નહોતાં.
...પણ થોડા દિવસ પહેલાં સ્કૂટર બ્રોનના પ્રાઇવેટ જેટમા સિડનીની મા લિસા દેખાઈ, ને લોકોને વાતો કરવાનું કારણ મળી ગયું. આમ તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પાવરફુલ એક્ઝિક્યુટિવ ગણાતા બ્રોન માટે ખાનગી જેટનો ઉપયોગ કોઈ મોટી વાત નથી, પણ સિડનનીની મમ્મીનું તેમાં હોવું તે વાત તરફ ઈશારો કરે છે કે સિડની-સ્કૂટરનો પ્રેમસંબધ ક્રમશ: પારિવારિક પરિમાણો ધારણ કરી રહ્યો છે.
સ્વીનીની દ્રષ્ટિએ તેનો સંકેત એવો થયો કે તેણે બ્રોનને પોતાના અંતરંગ વર્તુળમાં આવકાર્યો છે. કોઈપણ સંબંધમાં વાલીઓ સાથેની મુલાકાતને મહત્ત્વનું સીમાચિહ્ન માનવામાં આવે છે. જોકે હોલિવુડના ખણખોદિયા કહે છે કે રોમાન્સ-બોમાન્સ કંઈ નહીં, સિડની અને સ્કૂટર વચ્ચે કશીક બિઝનેસ પાર્ટનરશીપ થશે, તમે જોજો.
પોતાના અંગત જીવને ભલે લોકોનું ધ્યાન ખેંચ્યું હોય, સ્વીનીની વ્યાવસાયિક પ્રગતિ સતત થતી રહી છે. ડિસેમ્બરમાં તેની ફિલ્મ 'ધી હાઉસમેડ'ને બોક્સ ઓફિસ પર સફળતા મળી. પોલ ફીગ દ્વારા દિગ્દર્શિત આ થ્રિલર ડ્રામાએ તેના ૪૦ મિલિયન ડોલર પ્રોડક્શન બજેટ સામે વૈશ્વિક સ્તરે ૩૫૦ મિલયન ડોલર એકત્ર કર્યા. સ્વીની માટે આ તેની કારકિર્દીની મહત્ત્વની પળ છે.
ફિલ્મની સિક્વલની પણ પુષ્ટી થઈ ચુકી છે. જો કે સ્વીની તેનો હિસ્સો છે કે કેમ તેની જાણકારી અપાઈ નથી. જો સ્વીની સીક્વલમાં પાછી ફરશે તો એ એક ઊભરતી પ્રતિભામાંથી સુસ્થાપિત સ્ટાર ગણાશે એ તો નક્કી.


