Get The App

સ્વાતિ ચિટણીસ : 'દાદી' બનવામાં છોછ શાને? .

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
સ્વાતિ ચિટણીસ : 'દાદી' બનવામાં  છોછ શાને?                              . 1 - image

- 'મેં મારી  કારકિર્દી શરૂ કરી ત્યારે મને ખાસ કંઈ આવડતું નહોતું. હું જે શીખી છું તે સેટ પર જ શીખી છું.  મને યુવા પેઢી પાસેથી પણ કંઈક નવું શીખતાં સંકોચ નથી થતો'

'લાગી તુજસે લગન', 'ઈસ પ્યાર કો ક્યા નામ દું', 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' જેવી  સંખ્યાબંધ  ધારાવાહિકો  ઉપરાંત  'શુભ મંગલ સાવધાન', 'રજ્જો', 'રોડ  ટુ  સંગમ' જેવી  ફિલ્મો  અને ઓટીટી  સુધ્ધામાં  પોતાની અભિનય  ક્ષમતાનો પરચો બતાવનાર  અભિનેત્રી સ્વાતિ  ચિટણીસથી ટીવીના દર્શકો સુપરિચિત છે. હાલના તબક્કે અભિનેત્રી  ધારાવાહિક 'સરુ' માં  'દાદી'ની સશક્ત ભૂમિકા ભજવી રહી છે.

સ્વાતિ  કહે છે કે સામાન્ય રીતે સીરિયલોના મોખરાના કિરદારોમાં  નાયક, નાયિકા અને તેમનું જીવવું હરામ કરી નાખનારા  નેગેટિવ  પાત્રનો સમાવેશ થતો હોય છે. જ્યારે એવી કહાણી ક્વચિત જ જોવા મળે છે જેમાં દાદી કે નાનીને શોના મુખ્ય  ચાલકબળ બનવાનો અવસર મળે.  આ શોમાં મને આવી તક મળી  છે.  'દાદી' બજાજ  પરિવારની મોભી છે.  તેણે સઘળા પરિવારજનોને  પ્રેમથી  જોડી રાખ્યાં છે.  તેનો પતિ લકવાગ્રસ્ત છે છતાં  તે વ્યવસાય સહિત બધા  કામ સુપેરે  સંભાળે  છે.   સાથે સાથે  તેની અપહરણ  કરાયેલી પૌત્રીની  ભાળ મેળવવાના  પ્રયાસોમાં પણ કોઈ કચાશ નથી રાખતી.

જો કે સ્વાતિ  હજી 'દાદી'  બનવાની વયની નથી.  આમ છતાં  તેણે આ રોલ  કરતા ખચકાટ નથી અનુભવ્યો. તે  કહે છે કે  જો હું આ પાત્ર માટે ના પાડત તો અન્ય  ડઝનબંધ અભિનેત્રીઓ હોંશેં હોંશે  આ કામ કરવા તૈયાર  થઈ જાત.  અને મને તો આ કિરદાર ભજવવા સામે કોઈ વાંધો જ નહોતો. અદાકારા વધુમાં કહે છે કે મને તેમાં  'મુઝે  ચાહિયે' ના  સ્થાને 'મ્હારે  કો ચાહિએ'  બોલવાની બહુ મઝા આવે છે.

વિવિધ માધ્યમોમાં  કામ કરનારી  સ્વાતિ જાણે  છે કે આજીવન વિદ્યાર્થીની બની રહી છે.  તે કહે છે કે  મને બધાં માધ્યમોમાંથી   કંઈને કંઈ શીખવા મળ્યું છે. તે વધુમાં  કહે છે કે  આજના યુવાન  કલાકારો સેટ પર આવવાથી   પહેલા જ સઘન તાલમ લઈ લે છે. તેમનું કામ શરૂ થાય  ત્યારે તેમને  લગભગ બધુ આવડતું હોય છે. પરંતુ  મેં મારી  કારકિર્દી શરૂ કરી ત્યારે મને ખાસ કંઈ  આવડતું નહોતું. હું જે શીખી  છું તે સેટ પર જ શીખી છું.  મને યુવા પેઢી પાસેથી  પણ કંઈક નવું શીખતા  સંકોચ નથી થતો.   મને  મોબાઈલ  ફોનની  ટેક્નિકલ  વાતો નથી સમજાતી.  આવા વખતે હું  શોના સેટ પર રહેલા યુવાનો અને યુવતીઓને તેના વિશે પૂછી લઉં છું.  અને તેઓ મને  ખુશી ખુશી સમજાવે પણ છે.  

અદાકારાએ ટચૂકડા  પડદે ઘણા શો કર્યાં છે. પરંતુ તે કહે છે કે  મેં 'યે રિશ્તા ક્યા કહલાતા  હૈ'માં  લાગલગાટ આઠ વર્ષ સુધી  કામ કર્યું હતું.  આ શો સાથે  મારી અગણિત  યાદો જોડાયેલી છે.