Get The App

સ્વરૂપ સંપટ: અમને જે શીખતાં દશ વર્ષ લાગ્યાં, એ મારા પુત્રો બે વર્ષમાં શીખ્યા

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
સ્વરૂપ સંપટ: અમને જે શીખતાં દશ વર્ષ લાગ્યાં, એ મારા પુત્રો બે વર્ષમાં શીખ્યા 1 - image

બચુભાઈ સંપટ નામના ગુજરાતી રંગભૂમિના કલાકાર અને સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો. મૃદુલા સંપટની પુત્રી સ્વરૂપ સંપટે કોલેજ કાળમાં જ ગુજરાતી રંગભૂમિના નાટકોમાં કામ કરવા માંડેલું. આ પછી તો તેણે યુનિવર્સિટી ઓફ વાર્સેસ્ટરમાં પીએચડીની પદવી પણ મેળવી. આ સાથે જ શીખવાની અક્ષમતા ધરાવતા બાળકોમાં જીવનકૌશલ્ય વધારવા માટે નાટકનો ઉપયોગ કરવા માટે ડોક્ટરલ થિસિસ કરી. આટલું જ નહીં, 'લર્નિંગ ડિસેબેલિટીઝ ઈન અ નટશેલ : ડિસ્ગ્રાફિયા, ડિસ્કેલ્ક્યુલિયા, ડિસ્પ્રેકિસયા' વિષય પર એક પુસ્તક પ્રકાશિત કર્યું, જેની પ્રસ્તાવના અભિનેતા આમિર ખાને લખી હતી અને તેમણે ૨૦૦૭માં ફિલ્મ 'તારેં જમીં પર' પણ બનાવી હતી.

આ જ સ્વરૂપ સંપટે ૧૯૮૭માં પરેશ રાવલ સાથે લગ્ન કરી ફિલ્મો-નાટકોને અલવિદા કહી દીધી. જો કે એ પહેલા ૧૯૭૯માં સ્વરૂપ સંપટે મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ અને 'મિસ ઇન્ડિયા ૧૯૭૯'નો તાજ જીતી લીધો હતો. તેણે 'નરમગરમ' અને 'નાખુદા' ફિલ્મમાં કામ કર્યું જેમાં તેના અભિનયની પ્રશંસા થઈ. જો કે ૧૯૮૪ શફી ઇનામદાર સાથે દૂરદર્શન પર 'યે જો હૈ જિંદગી' સીરિયલ કરી અને તેનું નામ તે વેળા ઘરે ઘરે ગુંજતું થઈ ગયું.

સ્વરૂપ સંપટને સિધ્ધાંતની શક્તિમાં દ્રઢ વિશ્વાસ છે અને આ વિષયમાં તેણે ઘણું સંશોધન પણ કર્યું છે. સ્વરૂપ સંપટ એવી દલીલ કરે છે કે ઔપચારિક શિક્ષણ કળામાં આવશ્યક છે. કારણ કે તે સમય બચાવવામાં મદદ કરે છે અને ફક્ત વ્યવહાર અનુભવ પર આધાર રાખવા કરતાં કારિગરીને વધુ ઝડપથી તીક્ષ્ણ બનાવે છે.

દિલ્હીમાં એક શૈક્ષણિક કાર્યક્રમમાં બોલતા, સ્વરૂપ સંપટે કહ્યું કે સિનેમાના વિશ્વમાં ડગ માંડતા પહેલા મેં મારા પુત્રો-આદિત્ય રાવલ અને અનિધ્ધ રાવલને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કર્યા તે શેર કરતાં જણાવ્યું, 'અમારા મોટા દીકરા (આદિત્ય)એ થિયેટર આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે અને મારા નાના દીકરા-અનિરુધ્ધ પટકથા લેખન અને નાટયલેખનમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. એકે મુંબઈ યુનિવર્સિટીમાંથી અને બીજાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવી છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં અનુસ્નાતક છે અને તેમના શિક્ષણ પર સખત મહેનત કરે છે.'

હું શા માટે કળાના શિક્ષણ પર ભાર મુકું છું, તે પ્રશ્નના ઉત્તરમાં સ્વરૂપ સંપટે જણાવ્યું, 'દરેક બાબતનો એક સિધ્ધાંત હોય છે જો તમે સિધ્ધાંત શીખ્યા હો અને વ્યવહારિક રીતે સાથે મળીને કરો તો તે સમય બચાવે છે. અન્યથા ફક્ત વ્યવહારિક રીતે જ કામ કરવાથી શીખવામાં ઘણો સમય લાગે છે.'

પોતાની અને તેમના પતિ પીઢ અદાકાર પરેશ રાવલનો ઉલ્લેખ કરતાં સ્વરૂપ સંપટે નોંધ્યું 'પરેશ અને મેં ક્યારેય ઔપચારિક રીતે થિયેટરે અભ્યાસ કર્યો નથી. તેથી અમને જે શીખવામાં દશ વર્ષ લાગ્યા તે અમારા બંને પુત્રો બે વર્ષમાં શીખ્યા અને પછી બે વર્ષ પ્રેક્ટિસ કરવામાં વિતાવશે, આ ઝડપી છે. હું વ્યાવહારિક પ્રેરણાની વિરુદ્ધ નથી, પરંતુ ઔપચારિક શિક્ષણ તમને મજબૂત પાયો આપે છે,' એમ સ્વરૂપ સંપટે ઉમેર્યું હતું.