ટ્રોલર્સને ગણકારે એ સ્વરા ભાસ્કર નહીં!
હિ ન્દી ટેલિવિઝન શોમાં અનેકવાર હોસ્ટની ભૂમિકા ભજવનારી સ્વરા ભાસ્કર હાલ એક કોમેડી ડ્રામા રિયાલિટી શો પતિ, પત્ની ઔર પંગામાં તેના પતિ ફહદ અહમદ સાથે જોવા મળી રહી છે. જિયો હોટસ્ટાર પર પ્રસારિત થઇ રહેલોં આ છ હપ્તાના રિયાલિટી શોમાં વિવિધ દંપતીઓના જીવનની એક અલગ જ ઝલક સાંપડે છે.
લગ્ન કરી માતા બનેલી સ્વરા બાવીસ મહિનાની રાબિયાની માતા છે. પણ સ્વરા હજી તેના અભિપ્રાયો આપવામાં એવી જ બિન્દાસ છે. તે કોઇપણ વાતમાં મોણ નાંખ્યા વિના જે હોય તે તડ અને ફડ કહી દે છે. એ કહે છે, હું બે વર્ષથી બ્રેક પર છું એટલે મારે એક એવા પ્રકારના શોમાં કામ કરવું હતું જેમાં મારે આકરી મહેનત ન કરવી પડે અને મારું બાળક અને શો બંને સચવાઇ રહે. હું દરરોજના ૧૪ કલાક ૩૦-૪૦ દિવસ સળંગ કામ કરવાની સ્થિતિમાં નથી. આ શોમાં શૂટિંગનું શેડયુઅલ ફલેક્સિબલ છે અને હું રાબિયાને સેટ પર પણ લઇ જાઉં છું. આમ, આ શો મારી હાલની જિંદગીમાં ફીટ બેસે છે. મારા માટે આ નવો અનુભવ હતો. પહેલાં બે દિવસ તો શું થઇ રહ્યું છે તેની ગતાગમ જ પડી નહોતી પણ મુન્નાવર ફારૂકી અને સોનાલી બેન્દ્રેની હસી મજાકને કારણે સેટ પર વાતાવરણ હળવું રહેતું હોઇ કામ કરવાની મજા આવી. પણ વિઘ્નસંતોષીઓ આવા નિર્દોષ શોમાંથી પણ વિવાદ ઉભોે કરી શકે છે. વિવાદો ઉભાં કરવાનો એક આખો ઉદ્યોગ ચાલે છે. મારી પાછળ તો ટ્રોલર્સનું એક ઝૂંડ પડેલું છે. હું ગમે તે કરૂ તેઓ મારી પુંઠે લાગેલાં જ હોય છે. પણ હુંય કંઈ કમ નથી!