ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે દાયકા વીતાવી ચુકેલી વર્સેટાઈલ એકટ્રેસ સુર્વીન ચાવલા આજે એકદમ ખુશખુશાલ છે. ૨૦૦૩માં એકતા કપૂરની ટીવી સીરિયલ 'કહીં તો હોગા'થી ડેબ્યુ કરનાર સુરવીને પછીના વરસે 'કસૌટી ઝિંદગી કે' શો કર્યો. ટીવી સીરિયલોમાંથી ફિલ્મો અને પછી વેબ શોઝ- એક્ટરે લાંબી મજલ કાપી છે. વરસોની મહેનત અને લગન બાદ હવે ચાવલા પોતાની કરિયરનો 'બેસ્ટ ફેઝ' માણી રહી છે. એની પાછળનું સબળ કારણ આપતા સુર્વીન કહે છે, 'મેકર્સ કો અબ મુઝ પર કિતના જ્યાદા ભરોસા હૈ - યે કર સકતી હૈ. એને લીધે આજે હું ટોપ ઓફ ધ વર્લ્ડ પર હોઉં એવી લાગણી થાય છે.'
હમણાં છેલ્લે ક્રાઈમ-થ્રિલર વેબ સીરિઝ 'મંડલા મર્ડર્સ'માં એક્ટરનું પરફોર્મન્સ જોઈ સૌ સમરકંદ બુખારા ઓવારી ગયા. આ વરસના ૮ માસમાં સુર્વીનના ચચ્ચાર પ્રોજેક્ટ રિલિઝ થયા છે. એને એ પોતાની કલ્પનાતીત સિદ્ધિ અને માન્યામાં ન આવે એવી હકીકત ગણાવતા કહે છે, 'લોકો સામાન્યપણે વરસમાં પોતાની બે રિલિઝની જાહેરાત કરીને પણ ખુશી અનુભવે છે. અને અહીંયા મારા વરસમાં એક પછી એક ૪ પ્રોજેક્ટ્સ રિલિઝ થયા અને બધા પાછા એકબીજાથી સાવ જુદા. એમાં મારા પાત્રો કોઈ પણ એક્ટર જેના સપનાં જુએ એવી સરસ રીતે કંડારાયેલા હતા. ખાસ કરીને મંડલા મર્ડર્સને મળેલો રિસ્પોન્સ સ્પેશિયલ હતો. ક્રિમિનલ જસ્ટિસ અને રાણા નાયડુ બાદ મેં દર્શકોને એમાં મોટી સરપ્રાઈઝ આપી. મને શોને મળેલી સફળતા જોઈ બહુ ગમ્યું.'
ચાવલા બીજા એકટર્સની જેમ ઓટીટીના ઉદયને પોતાના કરિયરને નવી દિશા અને દોર આપવાનો શ્રેય દેવાનું ચુકતી નથી. 'નિશંકપણે ઓટીટીએ મારી દુનિયા બદલી નાખી છે. મારા ભાગે આવતી સ્ટોરીઝ અને કેરેકટર્સ મને એક પરફોર્મર તરીકે મારું શ્રેષ્ઠ કૌવત બતાવવા પ્રેરતા રહે છે. આ એવું મીડિયમ છે જે તમને જંપ વાળીને, સંતોષ માનીને બેસ્યા રહેવા નથી દેતું. સાચું કહું તો મેં પરિણામોની ચિંતા કર્યા વગર એકધારું હાર્ડ વર્ક કરે રાખ્યું છે. તમે કદાચ નહિ માનો પણ હું મારા શોઝની રિલિઝ ડેટ્સ પણ યાદ નથી રાખતી. હું માત્ર મારા પાત્રને ઇમાનદારીથી આકાર આપું છું અને બાકીનું બધુ ઈશ્વર પર છોડી દઉં છું,' એવી કેફિયત એકટ્રેસ રજુ કરે છે.
ઇન્ડસ્ટ્રીના બીજા લોકોની જેમ સુર્વીને પણ આર્થિક સંકડામણના દિવસો જોયા છે. ભૂતકાળમાં ફાયનાન્ન્શિયલ પ્રોબ્લેમ્સને કારણે એ જે મળે એ પ્રોજેક્ટ્સ સ્વીકારવા લલચાઈ છે, પણ એની ઇન્સ્ટિન્ટક્સ (અંત: સ્ફુરણા)એ કાયમ એને ખોટું પગલું ભરતા રોકી છે. 'છેલ્લા ૨-૩ વરસમાં મારા સુખના દિવસો શરૂ થયા એની પહેલા મેં પૈસા ખાતર એક પ્રોજેક્ટ લેવાનો પ્રયાસ કરી જોયો હતો - પરંતુ એ મને ન મળ્યો. પૈસાની જરૂર તો દરેક વ્યક્તિને હોય છે, પરંતુ મેં મારી ઇન્સ્ટિન્ટક્સમાં હમેશા વિશ્વાસ રાખ્યો છે. કોઈને ના પાડવી મુશ્કેલ હતી, પરંતુ જેમાં મારું મન માનતું હોય એવા શોના સેટ પર હોવા કરતા મને ઘરે બેસવું વધારે ગમતું. મારી લાઈફે મને આ સૌથી મોટો પાઠ શીખવ્યો છે,' એવા શબ્દોમાં સુરવીન પોતાની ફિલ્સૂફીનો સાર કહી દે છે.


