Get The App

સની દેઓલ 'સૂર્યા' ફિલ્મમાં ફ૨ી કોર્ટ ગજવશે

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
સની દેઓલ 'સૂર્યા' ફિલ્મમાં ફ૨ી કોર્ટ ગજવશે 1 - image

- તારીખ પે તારીખ... તારીખ પે તારીખ... તારીખ પે તારીખ

સની દેઓલ હમણાં હમણાં બહુ કામગરો બની ગયો છે. ૨૦૨૩માં  રજૂ થયેલી ગદર-૨ ફિલ્મની સફળતા સાથોસાથ આ જાટ અભિનેતા બીજી નવી ફિલ્મોમાં વ્યસ્ત થઇ ગયો છે. સન્ની દેઓલ હાલ  તેની  લાહોર --૧૯૪૭, બોર્ડર -૨, રામાયણ વગેરે નવી ફિલ્મોમાં વિવિધ પ્રકારનાં પાત્ર ભજવી રહ્યો છે. 

સાથોસાથ, સૂર્યા ફિલ્મનું બાકીનું શૂટિંગ પણ પૂરું કરી રહ્યો છે. આમ તો સન્નીએ ૨૦૨૨માં સૂર્યા ફિલ્મનાં  અમુક દ્રશ્યોનું શૂટિંગ કર્યું છે.  સૂર્યા ફિલ્મના દિગ્દર્શક એમ.પદ્મકુમાર કહે છે, અમે ૨૦૨૫ના ઓગસ્ટમાં ફિલ્મનાં અંતિમ અને મહત્વનાં દ્રશ્યોનું શૂટિંગ શરૂ કર્યું છે.  સપ્ટેમ્બરના મધ્યમાં ફિલ્મનાં અંતિમ તબક્કાનાં  દ્રશ્યોનું શૂટિંગ પૂરું થઇ જાય  તે રીતે આયોજન કરી રહ્યા છીએ. સૂર્યા ફિલ્મ ખરેખર તો મલયાલમ ફિલ્મ જોસેફ (૨૦૧૮) પર આધારિત છે. ફિલ્મનું ટીઝર અને ટ્રેલર ૨૦૨૫માં જ રજૂ કરવાનું આયોજન છે. બધું સમું સૂતરું પાર પડી જશે તો અમે ફિલ્મ ૨૦૨૬માં મુંબઇ સહિત  આખા ભારતમાં રજૂ કરીશું.  

સની દેઓલ  સૂર્યા ફિલ્મમાં એક નિવૃત્ત પોલીસ ઓફિસરનું પાત્ર ભજવે છે. ફિલ્મના નિર્માતા દીપક મુકુટ કહે છે, સન્ની દેઓલ  હાલના તબક્કે અમે મુંબઇના વિલે પાર્લે પરાંમાં  ફિલ્મનાં અંતિમ તબક્કાનાં અને મહત્વનાં  એક્શન દ્રશ્યોનું શૂટિંગ કરી રહ્યા છીએ.  સન્ની સાથે રવિ કિશન, મનીષ વાધવા પણ છે. વિલે પાર્લેની ગોલ્ડન ટોબેકો કંપની સામે હોસ્પિટલનો મોટો સેટ તૈયાર થયો છે. એક્શન  ડાયરેક્ટર  રવિ વર્મા  લગભગ   ૩૫૦   જેટલાં   લોકો  સાથે એક્શન દ્રશ્યો કરે  છે. 

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ફિલ્મનાં કોર્ટનાં દ્રશ્યોનું શૂટિંગ પૂરું થઇ ગયું છે. સની  દેઓલે તેની મજેદાર ફિલ્મ દામિની (૧૯૯૩)માં  બાહોશ અને નિડર વકીલનું પાત્ર ભજવ્યું છે તેવું જ પાત્ર ફરીથી ભજવી રહ્યો છે. સની કોર્ટનાં દ્રશ્યોમાં જબરા અસરકારક સંવાદ બોલીને ન્યાય માગે છે. સની  દેઓલ વકીલની ભૂમિકામાં પ્રભાવશાળી લાગે છે. એ તો નક્કી.  એને ફિલ્મના ટેકનિકલ પાસાંની જાણકારી હોય છે તે પણ એનો એક મોટો પ્લસ પોઇન્ટ ગણાય છે.