Get The App

સુનીલ શેટ્ટી-શિલ્પા શેટ્ટી વાગોળે છે પચીસ વર્ષ પહેલાંના સંભારણાં

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
સુનીલ શેટ્ટી-શિલ્પા શેટ્ટી વાગોળે છે પચીસ વર્ષ પહેલાંના સંભારણાં 1 - image

આજથી પચીસ વર્ષ પહેલા રજૂ થયેલી દિગ્દર્શક ધર્મેશ દર્શનની ફિલ્મ 'ધડકન' આજે પણ દર્શકોના દિલમાં વસેલી છે. શિલ્પા શેટ્ટી, સુનીલ શેટ્ટી અને અક્ષય કુમારને જ રજૂ કરતી આ મૂવીને તે વખતે ખાસ્સી સફળતા મળી હતી. આ સિનેમામાં ભલે 'દેવ' (સુનીલ શેટ્ટી) અને 'અંજલિ' (શિલ્પા શેટ્ટી) પ્રેમકહાણી અધૂરી રહી ગઈ. પરંતુ આ કલાકારોની ધડકનો સાથે તેના ભાવનાત્મક દ્રશ્યો આજે પણ ધબકે છે.

સુનીલ શેટ્ટી તો એટલે સુધી કહે છે કે 'ધડકન'એ જ મને તેની રજૂઆતના ત્રીજા દશકમાં પણ ખરા અર્થમાં જીવંત રાખ્યો છે. તે વધુમાં કહે છે કે આ સિનેમા મારી કારકિર્દીમાં મહત્વનો વળાંક લઈને આવ્યું. હું 'દેવ' બન્યો ત્યાર પછી લોકોને એમ લાગ્યું કે હું ખરેખર અભિનય કરી જાણું છું. ત્યાં સુધી કોઈએ મને અભિનેતા તરીકે ગંભીરતાથી નહોતો લીધો.

જોકે સુનીલ શેટ્ટી એમ કહેવાનું નથી ચૂકતો કે મેં મારી એક્શનને ઈમોશન્સ સાથે વણી લીધી હતી. જો આ બંને ભાવનાઓ એકાકાર થાય તો તે બૉક્સ ઑફિસ પર જાદુ ચલાવે. અલબત્ત, હું દિગ્દર્શક ધર્મેશ દર્શનની સૂચનાઓને જડબેસલાક રીતે અનુસરતો હતો. વાસ્તવમાં આ મૂવી તેમનું જ વિઝન હતું. અમે સારી રીતે જાણતાં હતાં કે 'દેવ' પડદા પર જીવંત બનીને આવશે. વાસ્તવમાં આ ફિલ્મ પછી જ હું અભિનયને ખરા અર્થમાં સમજ્યો. અને તેનો સઘળો યશ આ ફિલ્મના દિગ્દર્શકને ફાળે જાય છે.

જ્યારે શિલ્પા શેટ્ટી કહે છે કે આ ફિલ્મનું ગીત 'દુલ્હે કા સેહરા સુહાના લગતા હૈ...' મારી કારકિર્દીનું સૌથી અઘરું ગીત બની રહ્યું. આ ગીતમાં મેં બ્લુ કલરનો લહંગો પહેર્યો હતો. અમે ફિલ્મ સિટીમાં તેનું શૂટિંગ કરી રહ્યાં હતાં. તેમાં મારા હાથ પર લગાવેલી મહેંદી મારી બહેને સ્કેચ પેનથી ડિઝાઈન કરી હતી. આ ગીતનું શૂટિંગ એક અઠવાડિયા સુધી ચાલ્યું હતું તેથી શમિતા મારી મહેંદીને દર બે દિવસે ટચ-અપકરતી.

અભિનેત્રી વધુમાં કહે છે કે મને તેનું વિદાયનું દ્રશ્ય પણ સારી રીતે યાદ છે. દિગ્દર્શક ઇચ્છતા હતાં  કે હું તેમાં ચોક્કસ રીતે રડું. આ દ્રશ્ય માટે અમે ૨૦ ટેક લીધાં હતાં. 'દુલ્હે કા સેહરા...' ગીત એકદમ હીટ ગયું હતું. અમે જાણતા હતાં કે આ ગીત અનેક લોકોને પોતિકું લાગશે.

શિલ્પા અન્ય એક સીન સંભારતા કહે છે કે સુનીલ શેટ્ટી પરત ફરે છે અને અમે તેના હોટેલના રૂમમાં 'અકસર ઈસ દુનિયા મેં...' ગીત પછી મળીએ છીએ ત્યારે હું સુનીલ શેટ્ટી સમક્ષ યાદગાર સંવાદો બોલી હતી. અભિનેત્રી આ સંવાદો ફરીથી બોલી બતાવે છે. તે કહે છે 'ઈસ જનમ મેં તો ક્યા, મૈં અગલે સાત જનમ તક રામ કી હો ચૂકી હું.' ત્યાર પછી સુનીલ શેટ્ટી પણ મારી સમક્ષ યાદગાર સંવાર 'મૈં તુમ્હેં ભૂલ જાઉં, યે હો નહીં સકતા, ઔર તુમ મુજે ભૂલ જાઓ યે મૈં હોને નહીં દુંગા.' બોલ્યો હતો. અમારા માટે આ દ્રશ્ય પણ અત્યંત જટિલ હતું.

અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે 'દેવ'ની ભૂમિકા માટે અરબાઝ ખાન અને સંજય દત્તના નામ પણ સૂચવાયા હતાં. જોકે સુનીલ શેટ્ટી કહે છે કે આ પાત્ર માટે દિગ્દર્શકની પ્રથમ પસંદ હું હતો. પરંતુ ફિલ્મ વિલંબમાં પડતાં મારા માટે તારીખોની સમસ્યા સર્જાઈ હતી. છેવટે ધર્મેશ દર્શનની ઇચ્છાને માન આપીને મેં ગમે તેમ કરીને તારીખોનો મેળ બેસાડયો હતો. અને આ ફિલ્મ મારી કારકિર્દીમાં મહત્વનો વળાંક લઈને આવી.