સુમેધ મુદગલકર : મારા નાકને ઈજા થઈ પછી મને લાગ્યું બધું જ ખતમ થઈ ગયું છે
'રાધાકૃષ્ણ' ટીવી શો પછી તો તેમાં કૃષ્ણ બનેલા અભિનેતા સુમેધ મુદગલકરનું નામ ઘરે ઘરે જાણીતું બની ગયું હતું. આમ છતાં અત્યારે તો કૃષ્ણની ભૂમિકા ભજવ્યા પછી તે પ્રતિભાને તોડવામાં અને પોતાને વૈવિધ્યસભર બનાવવામાં તેને થોડો સમય જરુર લાગ્યો છે. તાજેતરમાં જ સુમેધ મુદગલકર વેબ સીરિઝ 'હૈ જૂનુન' માં એક નૃત્યાંગના તરકે નજરે પડયો. તેણે દૈવી પાત્ર ભજવ્યા પછી બોક્સર થવાના પડકારને સ્વીકારે છે. કરીઅરના આ તબક્કે પહોંચ્યા પછી એ ખુશ છે.
પ્રેક્ષકોના દ્રષ્ટિકોણને બદલવામાં થતી મુશ્કેલી અંગે વાતકરતાં તે કહે છે, 'હું એ વિશે વધુ વિચારતો નથી કે પ્રેક્ષકો મને કેવી રીતે જુએ છે. આ બધું કંઈ મારા હાથમાં પણ નથી. હું તેના વિશે જેટલું વિચારું છું તે બાબત મને એટલી જ નિરાશ કરે છે અને તાણમાં મુકે છે. સૌથી મહત્ત્વનું પરિબળ તો એ છે કે હું મારા વિશે વિચારું છું તે મારા હાથમાં નથી. હું હું મારી શક્તિઓ કઈ છે અને મારામાં હજુ શાની ઊણપ છે તે સમજવાનો પ્રયત્ન કરું છું.' આ સાથે જ સુમેધ ઉમેરે છે, 'મને રાધાકૃષ્ણ શો પછી સમાન શૈલીમાં ઘણી ઓફર મળી હતી, પરંતુ મારે ના કહેવું પડયું. તે મને મોંઘું પણ પડયું. મને કૃષ્ણની ભૂમિકા ભજવવી ખૂબ જ ગમતી હતી, પરંતુ એક અભિનેતા તરીકે મારું કામ મારી ભૂમિકાને ન્યાય આપવાનું છે, પછી ભલે તે ભગવાનની હોય કે ગેંગસ્ટરની.'
નવેમ્બર, ૨૦૨૪માં સુમેધને અકસ્માત નડયો અને તેને શૂટિંગ દરમિયાન નાકમાં ફ્રેક્ચર થયું. આ ઘટનાને યાદ કરતાં મુદગલકર શેર કરતાં કહે છે કે તે ક્ષણે મારું તો બધું જ તૂટી ગયું હોય, એવી અનુભૂતિ થઈ. સૌપ્રથમ તો હું શ્વાસ લઈ શકતો નહોતો કારણ કે મારું નાક સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. મારું નાક અવરોધિત અને મારું મોં ખુલ્લું રહે છે. તમે બરાબર ખાઈ-પી પણ શકતા નથી. તેથી હું ટેન્શનમાં આવો ગયો. એક સમયે મેં વિચાર્યું કે હવે મારા માટે બધું ખતમ થઈ ગયું છે. મેં વિચાર્યું કે જો મારું નાક કાયમ માટે વિકૃત થઈ જશે તો મારે સર્જરી કરાવવી પડશે, અને હું તે ઈચ્છતો નહોતો.
કલાકાર માટે તેમનો ચહેરો તેમના કામનો એક મોટો હિસ્સો છે. શું વ્યવસાયિક રીતે આગળ શું થશે તેનો ડર તેમને લાગ્યો હતો? આ સવાલનો જવાબ આપતા એ કહે છે, 'અહીં બધા અસલામતી અનુભવતા હોય છે. મેં પણ મારી હાઇટને કારણે લાંબા સમય સુધી તેનો પણ સામનો કર્યો છે. મને થતું કે મારી હાઇટ ઓછામાં ઓછી છ ફૂટ હોવી જોઈતી હતી. મેં મારી જાતને કહ્યું, કે મારી પાસે શારીરિક ઊંચાઈ ભલે ન રહી, પણ હું મારી કુશળતા પર કામ કરીશ. હું ખુદને ઉત્તરોત્તર બહેતર બનાવીશ. નાકના મામલામાં પણ રિકવરી ધીમી હતી, પરંતુ આખરે મને સમજાયું કે બધું ઠીક થઈ જશે. સદભાગ્યે એમ જ થયું.'