- 'મારે એવી ભૂમિકાઓ સાકાર કરવી છે જે મને દરેક સ્તરે પડકારે. એવાં પાત્રો જે લોકોને હચમચાવી દે અને વિચારવા મજબૂર કરી દે. મેં સેફ ભૂમિકાઓ ઘણી ભજવી છે, હવે મારે કશુંક અણધાર્યું કરવું છે...'
ભાલિવુડમાં બ્રેક મેળવવા માટે એકટર્સ બિગ બોસના કોન્ટેસ્ટંટ બનવા પ્રેરાય છે. સલમાન ખાન જેવો સુપરસ્ટાર આ રિયાલિટી શોનો હોસ્ટ છે, એટલે કોન્ટેસ્ટંટ્સની ફિલ્મોમાં એન્ટ્રી મળવાની આશા અસ્થાને પણ નથી. ટીવી સીરિયલ 'ઈમલી' ફેમ ચુમ્બુલ તૌકિર પણ પોતાની સામે ફિલ્મોના દરવાજા ખુલી જશે એની આશાએ બિગ બોસ-૧૬નો ભાગ બની હતી. પરંતુ એ આશા હજુ સુધી તો ફળીભુત નથી થઈ. એ સંદર્ભમાં વાત કરતા સુમ્બુલ કહે છે, 'બીજા બધાની જેમ મેં પણ એવું માન્યું હતું કે બિગ બોસ મારા માટે બોલિવુડના દ્વાર ખોલી દેશે. પરંતુ મનમાં હું પણ જાણતી હતી કે એ એટલું સિમ્પલ કે ઇન્સ્ટન્ટ નહિ હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યાં બધુ સરળ હોય છે? ઇન્ડસ્ટ્રી તમારા ધૈર્ય અને દ્રઢ નિશ્ચયની કસોટી કરે છે. આમેય મારે ક્વિક જમ્પ મારવો નહોતો. ફિલ્મ હોય, ટીવી હોય કે ઓટીટી, મારે જેમાં ખરેખર સત્ત્વ હોય, દમ હોય એવા રોલ્સ જોઈએ છે.'
હાલ પોતાના ડેઈલી સોપ 'ઇત્તી સી ખુશી'માં બિઝી હોવા છતાં સુમ્બુલ પોતાનો લાંબા ગાળાનો ઉદ્દેશ યથાવત હોવાનું જણાવીને ઉમેરે છે, 'અત્યારે હું ડેઇલી શોપમાં ગળાડુબ છું એનો મતલબ એવો નથી કે મારી ફિલ્મો કે ઓટીટી શોઝ માટેની ભૂખ મટી ગઈ છે કે ઝાંખી પડી છે. એ ઇચ્છા હજુ જીવંત છે અને એ દિશામાં મારું કામ ચાલુ જ છે. બાકી હાલ તો ટીવી જ મારો મોટાભાગનો સમય અને શક્તિ લઈ લે છે. બોલિવુડમાં જવાનું થશે ત્યારે થશે. ઉતાવળ શી છે?'
તમને કેવા રોલ્સ કરવા ગમે એવું પૂછાતા મિસ તૌકિર થોડું લાંબુ બ્રીફિંગ આપે છે, 'મને લેયર્ડ રોલ્સ અને થોડાક ગ્રે કેરેકટર્સ ભજવવાની ખ્વાહિશ છે. એવું પાત્ર જે ફક્ત સારું કે ખરાબ ન હોય અને દર્શકો જેને જોયા બાદ એને પ્રેમ કરવો કે ધિક્કારવું એની દ્વિધા અનુભવે. મારે એવી ભૂમિકાઓ સાકાર કરવી છે જે મને ઈમોશનલી અને મેન્ટલી પડકારે. એવા પાત્રો જે લોકોનો હચમચાવી દે અને વિચારવા મજબુર કરી દે. મેં સેફ રોલ્સ ઘણા કર્યા હવે મારે કશુંક અણધાર્યું કરવું છે. મને એકાદ સાઇકોલોજિક થ્રિલર કે એકાદ એવો પ્રોેજેક્ટ કરવો પડે જેમાં મારે ઘણું બ ધુ નાચવું અને ગાવું પડે. એવો રોલ મળે તો ખરેખર મજા પડી જાય.'
જોઈએ, સુમ્બુલની આ ઇચ્છાઓ પૂરી થાય છે કે કેમ...


