સૌંદર્યા શર્માના દરવાજે સફળતા ટકોરાં મારી રહી છે
- 'હું 'બિગ બોસ'ને કારણે ઘર ઘરમાં જાણીતી બની ગઈ. હવે લોકો મને અને મારા કામને ઓળખે છે. હું કંઈ ટીવી-સ્ટાર નહોતી. ટીવીના કલાકારોનો ચોક્કસ પ્રશંસક વર્ગ હોય છે.'
વિ વાદાસ્પદ રિઆલિટી શૉ 'બિગ બૉસ' તેના ઘણાં સ્પર્ધકોને ફળ્યો છે. આ શૉમાં ભાગ લીધા પછી તેમના માટે મનોરંજન જગતના ઘણાં દરવાજા ઉઘડયાં છે. આવા કલાકારોમાંથી એક છે, સૌંદર્યા શર્મા. સૌંદર્યાએ 'બિગ બૉસ-૧૬'માં ભાગ લીધો અને જાણે રાતોરાત પ્રખ્યાત બની ગઈ. ભલે તેની ડેબ્યુ ફિલ્મને ધાર્યો પ્રતિસાદ ન મળ્યો, પણ સૌંદર્યા માટે ઓટીટી પર લાલ જાજમ પાથરાઈ ગઈ. થોડા સમય પહેલા જ તેનો મ્યુઝિક વીડિયો 'ખૂબસુરત' રજૂ થયો.
અદાકારા સ્વયં કહે છે કે 'બિગ બૉસ-૧૬' તેના માટે આશિર્વાદરૂપ બની રહ્યું. તે વધુમાં કહે છે કે હું ઘર ઘરમાં જાણીતી બની ગઈ. હવે લોકો મને અને મારા કામને પણ ઓળખે છે. હું ટીવીની દુનિયામાંથી નહોતી આવી. આ માધ્યમમાં કામ કરતાં કલાકારોનો ચોક્કસ પ્રશંસક વર્ગ છે. હું જ્યારે આ શૉમાં પ્રવેશી ત્યારે મને આશા નહોતી કે દર્શકો મને આટલો બધો પ્રેમ આપશે. તે વખત સુધી મેં એક ફિલ્મ અને ત્રણ વેબ શૉ કર્યાં હતાં. મારા મોટાભાગના પ્રશંસકો નાના શહેરો અને નગરોના હતાં તેથી સોશિયલ મીડિયા પર મારું ફેન ફોલોઇંગ મર્યાદિત હતું, પણ હવે લોકો મને ઘેરી વળે છે. મારી સાથે ફોટા પડાવવા પડાપડી કરે છે.
સૌંદર્યાએ છેક વર્ષ ૨૦૧૭માં 'રાંચી ડાયરીઝ'માં કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ગઈ તેની ખાસ કોઈને ખબર નહોતી પડી. અભિનેત્રીને પોતાને પણ આ વાતનું દુઃખ છે. તે કહે છે કે મારી સૌપ્રથમ મૂવી જ નિષ્ફળ ગઈ છે એ વાત પચાવવી મારા માટે સહેલી નહોતી. જો કે આ મૂવીની રજૂઆત પણ ધૂમધડાકાભેર નહોતી થઈ. છેવટે મેં એમ કહીને મન મનાવ્યું કે આજના દિગ્ગજ કલાકારોએ પણ નિષ્ફળતા ખમી છે. જ્યારે મને તો 'બિગ બૉસ'ને પગલે દર્શકોનો બેહિસાબ પ્રેમ મળ્યો છે. જ્યાં સુધી હું આ રિઆલિટી શૉમાં નહોતી આવી ત્યાં સુધી લોકો મને મારી ફિટનેસ અને સૌંદર્યથી જ ઓળખતા હતાં. મેં નોંધ્યું હતું કે મારા મોઢે મીઠું મીઠું બોલનારા નહોતા ઇચ્છતા કે હું સફળ થાઉં.
જો કે પહેલી ફિલ્મ નિષ્ફળ જવા છતાં સૌંદર્યા હિમ્મત નહોતી હારી. તે કહે છે કે મેં 'રાંચી ડાયરીઝ' કરી ત્યારથી જ મેં વિચાર્યું હતું કે હવેથી હું વધુ સારું કામ હાથ ધરીશ, પરંતુ આ મૂવી ન ચાલી. જો કે ત્યાર પછી કોરોનાકાળ આવ્યો અને મને ત્રણ શો મળ્યાં તેની સાથે મારી કારકિર્દીનો યોગ્ય આરંભ થયો. અલબત્ત, 'બિગ બૉસ' મને ફળ્યું, પરંતુ હું આ શૉમાં થોડા ખચકાટ પછી પ્રવેશી હતી. શરૂઆતમાં મને એમ લાગતું હતું જાણે હું આ શૉ માટે નથી સર્જાઈ કારણ કે હું છેલ્લે પાટલે જઈને નહોતી બેસી શકતી. વળી આ પ્રકારના શૉમાં તમારા માટે ઘણું ધારી લેવામાં આવતું હોય છે.
સૌંદર્યા પોતાના મ્યુઝિક વીડિયો 'ખૂબસુરત' માટે કહે છે કેે સૌથી પહેલા તો તેનું ટાઇટલ મારા આંતરબાહ્ય સૌંદર્ય સાથે બંધ બેસે છે. આજની તારીખમાં જ્યાં યુવાનો અને યુવતીઓ નાની નાની વાતમાં તડફડ કરી નાખતાં હોય છે ત્યાં આ ગીત હૃદયને એક કરવાનું કામ કરે છે. વળી તેમાં હેપ્પી એન્ડિંગ છે જે મને અત્યંત પ્રિય છે.