આશા ભોંસલે ૯૨ વરસની વયે પણ પોતાની પસંદગીના ફિલ્મી ગીતો ગાવા તત્પર છે ત્યારે અરિજિંત સિંહે ૩૮ વર્ષની ઉમંરે પ્લેબેક સિગિંગને તિલાંજલિ આપી સૌને ચોંકાવી દીધા છે. અરિજિતના ફેન્સ એના ઓચિંતા રિટાયરમેન્ટના નિર્ણયથી આઘાતમાં છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એ વાતની ચિંતા છે કે આવો બીજો પાર્શ્વગાયક તરીકેના પોતાના ટેલેન્ટેડ સિંગર શોધવા કયાં જવું?
બીજા પાર્શ્વગાયક તરીકેના પોતાના એક દાયકાથી વધુ લાંબી કરીઅરમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જન્મેલા આ કલાકારે રોમાન્ટિક થી લઈ દેશભક્તિ સુધીના ગીતો ગાયા છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'બોર્ડર-૨' માં 'ઘર કબ આઓગે' ગીત ગાઈને એણે દર્શકોને મુગ્ધ કર્યાં છે.
મોહિત સુરીની રોમાન્ટિક મૂવી 'આશિકી-૨' (૨૦૧૩) ના સોંગ 'તુમ હી હો' બાદ અરિજિતની કરીઅર પુરપાટ દોડતી થઈ. આ ગીત માટે એને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યાર બાદ ગાયકે 'ચન્ના મેરેયા',દલ હૈ મુશ્કિલ', 'અગર તુમ સાથ હો', 'તમાશા), (બ્રહ્માસ્ત્ર) અને 'નેશી સી ચડ ગયી' (બેફિકરે) જેવા સુપર હિટ ગીતો આપ્યાં. અરિજિત સીખ પિતા અને બંગાળી માતાનો પુત્ર છે. એને મોસાળમાંથી સંગીત વારસામાં મળ્યું છે. ૩ વરસની કાચી વયે શાસ્ત્રીય સંગીતની તાલિમ લેવાનું શરૂ કરનાર સિંહને એની માતાએ ક્લાસિકલ ઉપરાંત રવીન્દ્ર સંગીત અને તબલાવાદનની પણ તાલિમ અપાવી છે. બહુ ઓછા એ વાત જાણે છે કે કોલકાતામાં ટીવીના વિવિધ ટેલેન્ટ શો જીતીને મુંબઈ આવ્યા બાદ અરિજિતે ટોપના મ્યુઝિક ડિરેક્ટર પ્રીતમના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. પોતાની ગાયીકીમાં આત્મા રેડી દેતા સિંગરે હિન્દી ઉપરાંત બંગાળી, પંજાબી અને મરાઠી ફિલ્મો માટે પણ ીતો ગાયા છે. એની મંત્રમુગ્ધ કરી દેતા કંઠ માટે સરકારે એને પદ્મશ્રીની નવાજેશ કરી છે.
અરિજિતની આકસ્મિક નિવૃત્તિ સાથે વિવિધ પાસા જોડાયેલા છે. સૌપ્રથમ તો આપણને એ વિચાર આવે કે જાગતિક લોકપ્રિયતા અને ધીકતી આવક કરાવતી કરીઅર પર પૂર્ણવિરામ મુકી દેવા માટે સિંગર પાસે કયું કારણ હોઈ શકે? મિડિયામાં ઘણાં કારણો ચર્ચાઈ રહ્યાં છે, જે પૈકીના કેટલાક પર નજર કરીએ ઃ
૧ ઃ એક વાત એવી છે કે અરિજિત સિંહ હવે પોતાનું મ્યુઝિક લેબલ લોન્ચ કરવા ધારે છે. એ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આર્ટિસ્ટો સાથે નાણાંની બાબતમાં થતા અન્યાયથી ત્રાસી ગયો છે. ૨૦૨૩માં 'ધ મ્યુઝિક પોડકાસ્ટ' ને આપેલા ઈન્ટરવ્યુમાં સિંહે પોતાની વ્યથાને વાચાં આપતા કહ્યું હતું કે આ આખો ગોરખધંધો આર્ટિસ્ટની પીઠ પાછળ ચાલે છે. જો દરેકને એમ લાગતું હોય કે આવો વ્યવહાર યોગ્ય નથી તો ક્યાંક ચોક્કસપણે ખોટું થઈ રહ્યું છે. સંબંધિત વ્યક્તિઓએ એ વિશે વિચારવું જોઈએ. અમારા કામ માટે અમને કાં તો પુરતું વળતર ચુકવો અથવા કામ જ ન આપો. તમે તમારી ગાયકીમાં જીત રેીડ દીધો હોવા છતાં તમને પ્રોમિસ કર્યા પ્રમાણેનું પેમેન્ટ મલે ત્યારે તમારું મન મરી જાય છે. આવો માહોલ હોય ત્યારે કલાકાર પોતાનો મારગ કરી લેવા તૈયાર થાય તો એ નવાઈની વાત ન કહેવાય.
૨ ઃ એક સમર્થન વિહોણો રિપોર્ટ એમ કહે છે કે નજીકના ભવિષ્યમાં જ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની ત્યારે એક રાજકીય પક્ષો પોતાની ટિકીટ પર ઈલેક્શન લડવા અરિજિત પર દબાણ કર્યું હતું. સિંહે એ ઓફર નકારી કાઢી છે. કારણ કે એ પોલિટિક્સથી આઘો રહેવા માગે છે. ઈલેક્શન ટાણે નવેસરથી પ્રેશર ન આવે અને કોઈ વિવાદમાં ન પડવું પડે એ માટે એણે પ્લેબેક સિંગિંગ જ છોડી દીધું.
૩ ઃ બીજો એક રિપોર્ટ એમ કહે છે કે અરિજિતે ફિલ્મ પ્રોડક્શનમાં ઝંપલાવ્યું છે. એ પોતાના પુત્ર જુલ અને નવાઝુદ્દીન સિદ્દીકીની દીકરી શોરાને લઈને એક જંગલ એડવેન્ચર ફિલ્મ બનાવી રહ્યો છે. પોતે ફિલ્મ ડિરેક્ટ કરવાનો હોવાનું જણાવાય છે.
બોલીવૂડની ફિલ્મો માટે ગાઈને અરિજિતને પુષ્કળ નામ અને દામ મળ્યા છે. એની નેટવર્થ ૪૦૦ કરોડ રૃા.થી વધુ હોવાનો અંદાજ મુકાય છે. જો કે, સિંગર સ્વભાવે અંતર્મુખી છે અને સાવ સાદુ જીવન જીવે છે. અરિજિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગ્લેમરથી હંમેશા છેટો જ રહ્યો છે. એ આજે પણ પોતાના વતન મુર્શિદાબાદમાં જ રહે છે. ૨૦૧૬માં સલમાન ખાન સાથે ફિલ્મ 'સુલતાન' ના એક ગીત માટે વિવાદ થયા બાદ એણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, 'હું પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના એક ગામ જિયાગંજથી આવતો એક સિમ્પલ માણસ છું. મારા જેવા ગામડાના લોકો પોતાના મનમાં જે હોય એ કહી દેતા હોય છે. ભગવાન ન કરે અને આવતી કાલે મને કોઈ ગીત ગાવા ન મળે તો હું પોતે મ્યુઝિક પ્રોડયુસર બની જઈશ.'
આવું કહીને ગાયકે એક ચોખવટ કરી દીધી હતી કે મને અસફળતાની બહુ પરવાહ નથી અને ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા હું મરણિયો નહિ બનું.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણકારોના મતે અરિજિત જેવા ગ્લોબલ ઓડિયન્સ ધરાવતા ટેલેન્ટેડ સિંગરને ફિલ્મી ગીતો ગાવામાં સીમાડા નડતા હોઈ શકે. એટલા માટે કે ફિલ્મી ગીતોમાં ભાગ્યે જ કોઈ મૌલિકતા હોય છે. મ્યુઝિક ડિરેક્ટરો પબ્લિકમાં પોપ્યુલર થાય એવી જ ધુનો બનાવે છે. ફિલ્મી ગીતોમાં આજે પહેલા જેવું ઊંડાણ જોવા નથી મળતું. એટલે પ્લેબેક સિંગિંગ છોડી.
અરિજિત પોતાની પસંદગીનું અને ઊંચા દરજ્જાનું સંગીત સર્જવા ઉત્સુક હોય તો એ બહુ સ્વાભાવિક છે.
એટલે જ એની સાથે ઘણાં સુંદર ગીતો ગાનાર અને એના જેવી જ ટેલેન્ટેડ સિંગર શ્રેયા ઘોષાલે પોતાના રિએક્શનમાં કહ્યું છે, 'હું અરિજિતની નિવૃત્તિને એક યુગનો અંત કહેવા નથી માગતી. મારા મતે તો એઅરિજિત સિંહની ગાયકીનો એક નવો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. હું આ જિનિયસ સિંગર પાસેથી હતો જે નવું આવવાનું છે એ સાંભળવા ઉત્સુક છું. એના જેવા કેલિબરના આર્ટિસ્ટને પરંપરાગત ઢાંચા અને માધ્યમમાં બાંધી જ રાખી શકાય. આવો આર્ટિસ્ટ સેટ ફોર્મ્યુલામાં ફિટ ન થઈ શકે. અરિજિત માટે હવે વધુ ઊંચે ઉડવાનો સમય આવ્યો છે.


