Get The App

અજનબી મોડ હૈ...ખૌફ હર ઓર હૈ .

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
અજનબી મોડ હૈ...ખૌફ હર ઓર હૈ                                . 1 - image

- સિનેમેજિક- અજિત પોપટ

- 'માય નેઇમ ઇઝ ખાન'ની કથા અને ગીતો ધ્યાનમાં લેતાં ક્લાસિકલ કલાકારોની જરૂરિયાત અનિવાર્ય હતી એમ કહી શકાય નહીં. બંદગી કે ઇબાદત જેવી રચના અન્ય ગાયકો પાસે ગવડાવી શકાય. આમ છતાં શંકર-એહસાન-લોયે શાસ્ત્રીય ગાયકો પાસે ગીતો ગવડાવવાનો ઉત્તમ નિર્ણય લીધો. 

અભિનેતા-ફિલ્મ સર્જક આમિર ખાને ડિસ્લેક્સિયાનો ભોગ બનેલા બાળકની વાત કરતી ફિલ્મ 'તારે જમીં પર' બનાવી એ પછી કરણ જોહરને પણ આવા કોઇ મનોરોગ પર ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી હશે એમ માની શકીએ. કરણે પોતાની એક સહાયક શિબાની બથીજા સાથે ઓટિઝમ તરીકે ઓળખાતા એક મનોવ્યાધિની દિશામા ગહન સંશોધન કર્યું. ખાસ કરીને આ મનોવ્યાધિ સાથે સંકળાયેલા એસ્પર્જર સિન્ડ્રોમ તરીકે ઓળખાતાં લક્ષણો વિશે ખાસ સંશોધન કર્યું. સાથોસાથ ઇસ્લામફોબિયા (ઇસ્લામ ધર્મના નામે યૂરોપ અને અમેરિકામાં જે ગેરસમજ કે ભય પ્રવર્તી રહ્યો છે )ને કેન્દ્રમાં રાખ્યો. આ મનોરોગ બેથી ત્રણ વર્ષના બાળકોમાં જોવા મળે. એકબીજાની સાથે સંવાદ સાધવામાં, બોલવા કે લખવામાં, ઇશારા કે સંકેતો દ્વારા વિચાર વિનિમય કરવામાં આવાં બાળકોને તકલીફ પડતી હોય છે. કેટલીકવાર એકની એક વાત એ ફરી ફરી રિપિટ કરતાં રહે છે. 

આ દિશામાં પૂરતી કાચી સામગ્રી મળી ગયાપછી કરણ જોહરે એક કાલ્પનિક કથા વિચારી. એક મુસ્લિમ પાત્ર રીઝવાન એસ્પર્જર સિન્ડ્રોમનો ભોગ બનેલો છે. માતાના મરણ એ એકલો પડે છે ત્યારે એનો ભાઇ ઝાકિર એને અમેરિકા તેડાવે છે. અહીં એ હિન્દુ યુવતીના પ્રેમમાં પડે છે. બંને પરણે છે. એને એક પુત્ર થાય છે. અમેરિકામાં ટ્વીન ટાવર પરના ૨૦૦૧ના હુમલા પછી ઇસ્લામના અનુયાયીઓ વિશે ગેરસમજ ફેલાય છે. યોગાનુયોગે એક હિંસક અથડામણમાં રીઝવાન અને મંદિરાના પુત્રની હત્યા થાય છે. એ માટે મંદિરા રીઝવાનને  જવાબદાર ગણે છે અને કહે છે કે જા, જઇને અમેરિકી પ્રમુખને કહે કે માય નેમ ઇઝ ખાન... એન્ડ આઇ એમ નોટ અ ટેરરિસ્ટ! આખીય વાત રસપ્રદ રીતે ફિલ્મમાં રજૂ થઇ છે. ૨૦૧૦ના વર્ષમાં આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલું.

આ ફિલ્મનાં ગીતો નિરંજન અય્યરે અને જાવેદ અખ્તરે લખ્યાં છે. સંગીત શંકર-એહસાન-લોયનું છે. આ ફિલ્મની સડસડાટ વહેતી કથામાં વિક્ષેપ ન પડે એટલા માટે કરણે રોકડાં પાંચ ગીતો લીધાં છે. રસપ્રદ વાત એ છે કે ગીતોના મર્મને ઓડિયન્સના હૈયા સોંસરવા પહોંચાડવા એક પ્રયોગ કર્યો છે. એક ગીત (હવે સ્વર્ગસ્થ) ઉસ્તાદ રાશિદ ખાન પાસે ગવડાવ્યું છે. બીજાં બે ગીત પાકિસ્તાની ગાયકો પાસે ગવડાવ્યાં છે. એક ગાયક  શામ ચોરાસી ઘરાનાના ઉસ્તાદ શફાકત અલી ખાન છે. (આપણા ઘરાનાના હવે કદાચ અનુપજી એકમાત્ર ગાયક છે.) એક ગીત આપણા સૌના જાણીતા રાહત ફતેહ અલી ખાન પાસે ગવડાવ્યું છે. 'માય નેમ ઇઝ ખાન' ફિલ્મે જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરેલી. વિવિધ વિદેશી લોકેશનો પર ઊતરેલી આ ફિલ્મ ૮૫ કરોડના ખર્ચે બનેલી અને બોક્સ ઓફિસ પર ૨૨૩ કરોડની કમાણી કરીને ટંકશાળ સર્જેલી.

ફિલ્મના ગીતસંગીતકંની વાત કરીએ ત્યારે એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. શાીય સંગીતના ધુરંધરોના કંઠે ગવડાવવાનું હોય ત્યારે તર્જ પણ એ કક્ષાની અને છતાં એવરેજ સિનેગોઅર માણી શકે એવી રચવી પડે. અગાઉ નૌશાદ, શંકર-જયકિસનથી માંડીને જયદેવ અને આર ડી બર્મન પંચમે શાીય સંગીતના ધુરંધરોનો કંઠ ફિલ્મ સંગીતમાં વાપરેલો. મોટે ભાગે જે-તે ફિલ્મોની એવી જરૂરિયાત હતી. 'માય નેઇમ ઇઝ ખાન'ની કથા અને ગીતો ધ્યાનમાં લેતાં આવા ક્લાસિકલ કલાકારોની જરૂરિયાત અનિવાર્ય હતી એમ કહી શકાય નહીં. બંદગી કે ઇબાદત (ભક્તિગીત ) જેવી રચના અન્ય ગાયકો પાસે ગવડાવી શકાય. આમ છતાં ફિલ્મના સંગીતને મળેલો પ્રતિભાવ જોતાં શંકર એહસાન લોયે યોગ્ય કર્યું એમ કહી શકાય. આવો, આ પાંચે ગીતોનો આસ્વાદ લઇએ.

ઉસ્તાદ રાશિદ ખાનના કંઠે જે બંદગી રજૂ થઇ છે એનું મુખડું છે- અલ્લાહ હી રહમ, મૌલા હી રહમ, કૈસે ઇશ્ક મેં સજ ગયી રાહેં, જબ સે દેખી હૈ તેરી નિગાહેં, યા ખુદા મૈં તો હો ગયા તેરા,  કૈસે ઈશ્ક સે સજ ગયી... આ શબ્દોને તમે ઈશ્ક-એ-હકીકી (દિવ્ય ભાવના) કે ઇશ્ક-એ-મજાજી (સંસારી પ્રેમ) એમ બંને રીતે લઇ શકો. 

અમેરિકામાં ૯/૧૧ના આતંકવાદી હુમલા પછી સર્જાયેલા માહૌલને રજૂ કરતી રચના શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ અને અદનાન સામીના કંઠમાં છે. પંડિત રવિશંકરે રચેલા મનાતા રાગ માંઝ ખમાજમાં ઉપડીને રાગ દેસમાં થઇને પાછી માંઝ ખમાજમાં આવતી આ રચનાનું મુખડું આ રહ્યું- નૂર-એ-ખુદા, નૂર-એ-ખુદા, અજનબી મોડ હૈ, ખૌફ હર ઓર હૈ, હર નજર પર હૈ ધૂંઆ છા ગયા, પલભર મેં જાને ક્યા હો ગયા...

ભયનું વાતાવરણ દૂર થઇ શકે એવા પ્રેરણાદાયી શબ્દો ધરાવતું ગીત પ્રણયરંગી રાગ પહાડીમાં સ્વરાંકિત થયું છે. આ ગીત શંકર મહાદેવન અને રાક ગાયક-અભિનેતા સૂરજ જગનના કંઠે રજૂ થયું છે. શબ્દો છે- સૂરજ કા નયા ચહેરા, તોડે ડર કા હર પહરા, જાને ક્યૂં હર નજર મેં હૈ ઇક ઝનૂન જો યહી કહે, ઇસ આંધી મેં ભી ના છોડેંગે ઇમાન ઓ યારા,  રંગ દે અમન સે આસમાન...

શંકર મહાદેવન, રીચા શર્મા અને રાહત ફતેહ અલી ખાને ગાયેલું ટાઇટલ ગીત સજદા માય નેઇમ ઇઝ ખાન... પરદા પર ખાસ અસર સર્જી ગયું હતું. એટલો પ્રભાવ ઓડિયોમાં પ્રગટતો નથી.

પાકિસ્તાની ગાયક શફાકત અમાનત અલીના કંઠે રજૂ થયેલું ગીત કદાચ સૌથી સરસ રચના છે. આ એક પ્રણયગીત છે. તેરે નૈના રે તેરે નૈના રે, નૈનોં કી ચાલ હૈ, મખમલી હાલ હૈ, નીચી પલકોં સે બદલે સમા, નૈના શરમાયે જો, યે આંખેં ભર આયે જો, થમ કે રૂક જાયે દોનોં જહાં... સ્વાભાવિક છે કે આવું મખમલી પ્રણયગીત રાગ પહાડીમાં જ હોય.

'માય નેઇમ ઇઝ ખાન' બધી રીતે સુપરહિટ નીવડેલી ફિલ્મ હતી અને એમાં સંગીતનો પણ સારો એવો ફાળો હતો.