Get The App

કથા એક ફિલ્મ... .

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
કથા એક ફિલ્મ...                                    . 1 - image

- દાસ્તાન-એ-સિનેમા

આ કલ્ટ કલાસિક ફિલ્મના માધ્યમથી સાઈ પરાંજપેએ પંચતંત્રની સસલા અને કાચબાની કહાણીને મિડલ-ક્લાસ સાથે જોડી હતી. કેવી રીતે ચાલાક સસલાઓ જીવનની રેસમાં ઘણી વખત આગળ નીકળી જતા હોય છે? તેમની ચતુરાઈને સૃષ્ટિ કેવી રીતે બેલેન્સ કરે છે? અને કેવી રીતે હારતા હારતા છેવટે જીત કાચબાની થાય છે? તેની આ કહાણી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. એટલે જ, ૧૯૮૩માં તેને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

ઈપણ વ્યક્તિના જીવન ઘડતરમાં બાળપણનું ખાસ સ્થાન હોય. આ દરમિયાન દાદીમા કે નાનીમા પાસેથી સાંભળેલી લોકકથા કે પંચતંત્રની કહાણીઓ જીવનભર સાથે રહી જાય. આ કથાઓમાં પણ એક ચોક્કસ થીમ હોય, 'અંતે સૌ સારા વાના થાય'. પરંતુ, શું જીવનમાં પણ એવું જ હોય.. કોઈને પણ પૂછો કે, શું જે સારું કરે તેને સારું અને જે છળકપટ કરે તેને તેવું જ પરિણામ મળે છે કે નહીં? તો સામેથી જવાબ આવશે. ના... સસલા અને કાચબાની કહાણી તો આપણને સૌને યાદ છે. આ કહાણીમાં 'અંતે સૌ સારા વાના થાય' જ છે. સસલાની ચાલાકી અને કાચબાની ઈમાનદારીમાં છેવટે જીત કાચબાની ઈમાનદારીની થાય છે. પરંતુ, શું હાલ આપણે જે વિશ્વ-સમાજમાં જીવી રહ્યાં છીએ ત્યાં કોઈપણ રેસ, ભલે તે સંબંધોની રેસ હોય, કોર્પોરેટ રેસ હોય કે પછી અન્ય કોઈ, તેમાં કાચબાની જીતનો ચાન્સ ખરો? ભાઈ..આમાં તો રેસ પહેલા જ કાચબાની હાર નિશ્ચિત છે. સંબંધોમાં 'સચ્ચાઈ-અચ્છાઈ'ની જગ્યા સીનસપાટાએ લીધી છે. મૂલ્યો નહીં હોય તો ચાલશે, ઈન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ તો જોઈશે જ. કોર્પોરેટ રેસમાં પણ આવું જ છે. કાચબાઓ મહેનત કરી રહ્યાં છે, સારું કામ કરી રહ્યાં છે પણ જીતનો લાડવો તો આત્મવિશ્વાસથી ફૂલેલા સસલાભાઈ માટે જ છે. તેની પાછળ કારણ છે. તેમનામાં આવડત છે જૂઠ્ઠુ બોલવાની, કોઈને ભડકાવીને ટાંટીયા ખેંચ રાજકારણ રમવાની, કહેવાની કે આ કાચબાની બુદ્ધિ તો એઆઈ છે. આ અમારી જે અણઆવડત છે ને, એ જ સાચી બુદ્ધિ છે. આ સસલા-કાચબાની કહાણીને લઈને આપણા મનમાં જે પ્રશ્નો ઉઠી રહ્યાં છે તે એક સમયે ફિલ્મ ડિરેક્ટર સાંઈ પરાંજપેના મનમાં પણ ઉઠયાં. તેમણે સસલા અને કાચબાની કથાને મીડલ-ક્લાસ સાથે જોડીને એક અદભુત કથા ગુંથી અને તેને નામ આપ્યું 'કથા'.

પંચતંત્ર પરથી કથા  

સારા આર્ટિસ્ટની એક જ ઓળખ હોય, તે સામાન્યમાં સામાન્ય વાતમાંથી પ્રેરણા શોધી લે. સાંઈ પરાંજપે પણ આવા જ એક ફિલ્મમેકર. પંચતંત્રની સસલા અને કાચબાની વાર્તાને તેમણે સુંદર રીતે રજૂ કરી. ચાલીમાં રહેતા રામના માર્ગે ચાલતા રાજારામને તેમણે કાચબાનો રોલ આપ્યો. આ રાજારામને જ ખબર નથી કે, કેવી રીતે તે જીવનની રેસમાં પાછળ ધકેલાઈ ગયો છે. તેની સામે તેમણે મીઠી છુરી જેવા બાસુને સસલાનો રોલ આપ્યો. આ વ્યક્તિ પાસે એવા ગુણ કે ભલભલાને કથા સંભળાવીને ફસાવી શકે. સાંઈ પરાંજપેએ આ સસલા અને કાચબાની રેસમાં જીતનો માપદંડ સંધ્યાનું કેરેક્ટર રાખ્યું. સંધ્યાનો સાથ એટલે જીત. પછી, કેવી રીતે સસલાભાઈ ખોટી કથા કહીને લગભગ જીતી જાય છે અને દરેક પગલે હારેલા કાચબાભાઈ કેવી રીતે જીત મેળવે છે, તેની કથા એટલે ફિલ્મ 'કથા'.  

સંધ્યા તરીકે દિપ્તી નવલ

ક્યારેક તમને સવાલ થયો છે કે, આપણને આપણા મિત્રો સાથે શું જોડીને રાખે છે? આ સવાલના અનેક જવાબ હોઈ શકે છે પરંતુ, જો મિત્રતા સાચી છે તો તેનો એક જ જવાબ છે, તે છે માણસની કથા. જાણતા-અજાણતા આપણે કોઈની કથા સાથે જોડાયેલા હોઈએ છીએ. આ કથા ક્યારેક આપણા મનમાં ઊભી કરેલી અવાસ્તવિક હોય છે. જે આવતા દિવસે ફૂગ્ગાની જેમ ફૂટે છે અને આપણી ભાવનાઓને તાર-તાર કરી નાખે છે. જો તે વાસ્તવિક હોય છે તો ક્યારેક એટલી હદે વાસ્તવિક હોય છે કે આપણે તેને સ્વીકારવા તૈયાર નથી હોતા. આ પ્રકારના મામલામાં સમય જતાં આપણને આપણી ભૂલ સમજાય છે કે, ના..આ માણસ તો સાચા અર્થમાં સારો છે. ઘણી વખત આ સમજાય છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. આ ફિલ્મની સંધ્યા એટલે દિપ્તી નવલ સાથે આવું જ થયું હતું. જેને તે ઘણા વર્ષથી ઓળખે છે તેવા પડોશી રાજારામની સારાઈને સ્વીકારવા તે તૈયાર નથી થતી. સીન-સપાટામાં માહેર એવા બાસુના પ્રેમમાં પડે છે. પ્રેમના નામે અનેક 'કોમ્પ્રોમાઈઝ' કર્યા બાદ તેને સમજાય છે કે, બાસુ તેને ક્યારેય પ્રેમ કરતો જ નહોતો. સંધ્યા એટલે એવું પાત્ર કે જે અન્ય વ્યકિતની ઝાકઝમાળથી જલદી પ્રભાવિત થઈ જાય. આ પ્રભાવ તેના જીવનમાં કેવા તાંડવ લાવે છે તે જોવા જેવું છે.  

બાસુ તરીકે ફારુખ શેખ 

આપણે એવા વ્યક્તિને ઓળખતા જ હોઈએ છીએ જે કોઈને પણ બોટલમાં ઊતારી શકે. આપણે એટલી હદે તેમની કલાથી મોહિત થઈ જતા હોઈએ છીએ કે ભૂલી જઈએ છીએ કે, આપણો નંબર પણ લાગશે જ. બાસુ આવો જ વ્યક્તિ. આજના જમાનાનો સસલો. તેને કોઈ ઓળખે તો ગર્વ કરે કે, હું બાસુને ઓળખું છે. તેમને પૂછો કે, આ બાસુ શું કરે છે? તો સામેથી જવાબ ન મળે કારણ કે, સીનસપાટા કોઈ ચોક્કસ કેટેગરીમાં ફિટ નથી બેસતા. પણ હા કહી શકે કે બાસુ શું ના કરી શકે? આ બાસુ જેવા સસલાભાઈઓની એક જ ખાસિયત ઃ કોઈના ભોગે મોજ. અને આ મોજ પણ રોજે રોજ. દરરોજ કોઈ બલિનો બકરો મળી જાય. બાસુ પાસે દરેક વિકટ પરિસ્થિતિ માટે એક કથા હોય છે. આ કથા એટલે એવી જાળ કે જેમાં 'આજા ફસાજા' સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી હોતો. પહેલા તેને મિત્ર રાજારામ મળે છે. રાજારામને રુ. ૩૦૦નું ભાડું આપવાનું કહીને ઉલ્લુ બનાવે છે. તેની પાસેથી નોકરીના સિક્રેટ જાણી લે છે. રાજારામના ખભે બંદુક મૂકીને તેના શેઠને ઉલ્લુ બનાવે છે. અનુરાધા (મલ્લિકા સારાભાઈ) અને અનુરાધાની જ પુત્રી જોજોને પ્રેમની જાળમાં ફસાવે છે. આ ચક્કર વચ્ચે સંધ્યા સાથેનું લફરું તો ખરું જ. તેને થાય છે કે, હવે તેનું જૂઠ્ઠાણું પકડાઈ જશે ત્યારે બીજા બકરાને શોધીને ભાગે છે. બાસુના પાત્ર સાથે સાઈ પરાંજપે શીખવે છે કે, સસલાઓ આપણી ચારેતરફ છે. આ ચતુર સસલાઓની કથાને સાચી માનવાથી આપણે બચવાનું છે. અન્યને પણ બચાવવાના છે. બાકી, ચિંતા ન કરવી કારણ કે, તેમની હાર સાથે સૃષ્ટિ બેલેન્સ તો કરી જ લેવાની. 

રાજારામ તરીકે નસીરુદ્દીન શાહ 

આજની સામાજિક રેસ કહો કે, કોર્પોરેટ રેસ તેનો કાચબો એટલે રાજારામ. ચાલીના નાનકડા મકાનમાં રહેતો રાજારામ એટલી હદે ભોળો કે, કોઈની પણ મદદ કરવા હંમેશા તત્પર. કોઈને માટે અડધી રાત્રે દોડે. આ દોડ વખતે વિચારવાનું જ નહીં કે, આ વ્યક્તિએ ક્યારેય તેની મદદ કરી છે કે ભવિષ્યમાં પણ કરશે. બસ, એને મારી જરુર છે ને, કહીને દોડ લગાવવાની. તેની ખામીઓ કહીએ તો તેની નાની નાની ખુશીઓ. નોકરી કાયમી થઈ તો ખુશ. ઘરની બહાર પોતાના નામની તકતી લગાવી તો ખુશ. જેને પ્રેમ કરે છે તે સંધ્યાએ એક સ્માઈલ આપી તો ખુશ. દોસ્તના નામે દુશ્મન બાસુએ રુ.૩૦૦નું ભાડું આપવાનો ખોટો વાયદો કર્યો તો ખુશ. અન્ય શબ્દોમાં કહીએ તો તેની કોઈ મહત્વકાંક્ષા નહીં. તેના સપના પણ મધ્યમ વર્ગ જેવા, નાના. એક દિવસ હું હેડ-ક્લર્ક બની જાઉં. સંધ્યા સાથે લગ્ન કરી લઉં. માતા-પિતાને ગામડે રૂપિયા મોકલાવી દઉં. બસ, અહીં જ એનું સપનાનું લિસ્ટ પૂરું. આ નાના સપનાઓને ધ્વસ્ત કરવા માટે એક બાસુ જ કાફી. બાસુ ખોટું બોલીને તેની જ ઓફિસમાં ઊંચું પદ હાંસિલ કરી લે છે. બાસુ સંધ્યાને પણ લગ્ન માટે તૈયાર કરી લે છે. માતા-પિતાને ગામડે રૂપિયા મોકલવાની વાત તો દૂર બાસુને કારણે ગામડેથી રૂપિયા મંગાવવાની નોબત આવે છે. રાજારામ આ તમામ ઘટનાઓ વચ્ચે પણ હાર નથી માનતો પોતાના કામમાં વ્યસ્ત રહે છે. કહેવાય છે ને કે, 'ભોળાના ભગવાન'. 'અંતે સૌ સારા વાના થાય છે' અને દાદીમાની કહાણીની જેમ જ સત્ય એટલે કે, રાજારામની જીત.