Get The App

અવકાશ લઈને અદ્રશ્ય થઈ ગયેલા સિતારા પાછા ચમકવા તૈયાર

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
અવકાશ લઈને અદ્રશ્ય થઈ ગયેલા સિતારા પાછા ચમકવા તૈયાર 1 - image

- પ્રિયંકા ચોપડા જોનસને ભારતના મામૂલી ફિલ્મમેકરો સાથે કામ કરવામાં જરાય રસ નથી. એ 'વારાણસી' ઉપરાંત કદાચ 'ક્રિશ-ફોર' અને 'ડોન-થ્રી'માં પણ દેખાઈ શકે છે

અહીં અમુક એવા એકટર્સ વિશે વાત કરવી છે જે લાંબા કે ટુંકા અવકાશ બાદ નજીકના ભવિષ્યમાં સ્ક્રીન પર કમબેક કરવાના છે. તેઓ બ્રેક કે બાદ નવેસરથી પોતાની ઇનિંગ શરૂ કરશે:

ઉર્મિલા માતોંડકર

 શેખર કપૂરની ક્લાસિક ફિલ્મ 'માસૂમ'માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કરનાર ઉર્મિલાએ યુવાનીમાં ઘણી ફિલ્મો કરી. એ પૈકીની આમિર ખાન અને જેકી શ્રોફ સાથેની 'રંગીલા' સૌથી સફળ ફિલ્મ હતી. પોતાના સંજોગો સમજીને માતોંડકરે ફિલ્મોમાંથી અવકાશ લઈ લીધો. નવરાશમાં રાજકારણમાં પણ હાથ અજમાવી જોયો પણ ફાવી નહિ. થાકી હારીને એકટ્રેસે ૨૦૨૨માં 'તિવારી' ટાઈટલ ધરાવતા વેબ શોથી પોતાના પુનરાગમનની જાહેરાત કરી. જો કે ઉર્મિલાની સાડાસાતી હજુ પુરી નહોતી થઈ. પડતી-આખડતી એની વેબ સીરિઝ છેક હવે ઓટીટી પર રિલીઝ થવાની ધારણા રખાય છે. 

રિયા ચક્રવર્તી

 સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા રિયા જેટલી કોઈને નડી નથી. રિયા અને એના ભાઈ પર સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવવા સહિતના જાતજાતના મનઘડત આરોપ લાગ્યા. એટલું જ નહિ, બંને ભાઈ-બહેન જેલમાં પણ ધકેલાયા. એમાં રિયાના કરિઅરના પાંચ સોનેરી વરસો બગડયા. એની છેલ્લી ફિલ્મ 'ચેહરે' ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. હવે એ અનિલ કપૂર સાથે બહુચર્ચિત વેબ-સિરિઝ 'ફેમિલી બિઝનેસ'માં મહત્ત્વના રોલ સાથે કમબેક કરવાની છે. વચ્ચે મિસ ચક્રવર્તી રિયાલિટી શો 'એમટીવી રોડિઝ ડબલ' (૨૦૨૫)માં દેખાઈ હતી ખરી.

ઈમરાન ખાન

 ઈમરાન એના મામા આમિર ખાન જેટલો ભાગ્યશાળી નથી. એ શરૂઆતમાં થોડો ચમકારો બતાવીને ઓલવાઈ ગયો. એનું દાંપત્યજીવન વિખેરાયું અને મેન્ટલ પ્રોબ્લેમ્સ પણ નડયા. ઈમરાન ખાનની છેલ્લી ફિલ્મ 'કટ્ટી બટ્ટી' ૨૦૧૫માં રિલિઝ થઈ હતી. હવે ૪૩ વરસનો એક્ટર 'અધુરે હમ અધુરે તુમ' નામની ફિલ્મથી લીડ રોલમાં વાપસી કરી રહ્યો છે. ભૂમિ પેડનેકર જેવી સિદ્ધહસ્ત એકટ્રેસ સાથેની એની આ મૂવી જુલાઈ અથવા ઓગસ્ટમાં રિલિઝ થશે. એની પહેલા પોતાના ૧૧ વરસના વનવાસની પુર્ણાહુતિ જાહેર કરવા ઇમરાને સ્ટેન્ડઅપ કોમેડિયન વીર દાસ સાથે ફિલ્મ 'હેપ્પી પટેલ : ખતરનાક જાસૂસ'માં નાનકડો રોલ કરી લીધો.

પ્રીતિ ઝિન્ટા 

 આકર્ષક ડિમ્પલ સ્માઈલ માટે જાણીતી પ્રીતિ ઝિન્ટા જેટલી સારી એક્ટર છે એટલી જ સફળ બિઝનેસવુમન છે. આઇપીએલમાં એની ફ્રેન્ચાઈસીની ટીમ 'પંજાબ કિંગ્સ' એનો બોલતો પુરાવો છે. એ વરસોથી પરણીને યુએસમાં સેટલ થઈ ગઈ છે એટલે નેચરલી બોલિવુડ સાથેનો એનો ઘરોબો ઓછો થઈ ગયો છે. છેલ્લે ઝિન્ટાએ ૮ વરસ પહેલા 'ભૈયાજી સુપર હિટ' (૨૦૧૮) ફિલ્મ કરી હતી. આ વરસે પ્રીતિ સની દેઉલ સાથે બહુચર્ચિત ફિલ્મ 'લાહોર ૧૯૪૭'માં આવી રહી છે. આમિર ખાન પ્રોડક્શનની આ મૂવીનું ડિરેક્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. જો કે સનીની મોટાભાગની અભિનેત્રીઓ સાથે થાય છે એમ 'લાહોર'માં આપણને પ્રીતિની ટેલેન્ટનો ચમકારો જોવા નહિ મળે.

પ્રિયંકા ચોપરા જોનસ

 આપણી દેશી ગર્લે હોલિવુડમાં ડંકો વગાડી દીધો હોવાથી હવે એને ભારતમાં કોઈ પણ આલિયા-માલિયાની ફિલ્મ કરવામાં રતીભાર રસ નથી. છેલ્લે પ્રિયંકા ચોપરાએ ફરહાન અખતર સાથે 'ધ સ્કાય ઇઝ પિન્ક' (૨૦૧૯) ફિલ્મ કરી હતી. પછી પીસી હૃતિક રોશન સાથે 'ક્રિશ-૩' કરવાની છે અને ફરહાન અખતરની 'ડોન-૩'માં એનું નામ નક્કી છે એવી વાતો ચાલતી રહી. પરંતુ ભેજાબાજ પ્રિયંકાએ ઇન્ટરનેશનલ ખ્યાતિ ધરાવતા દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીની ફિલ્મ 'વારાણસી' પર પસંદગી ઉતારી. આ પેન ઇન્ડિયા બિગ બજેટ ફિલ્મમાં પ્રિયંકાના કો-સ્ટાર મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા સાઉથના સુપરસ્ટાર્સ છે.