- વીર દાસ નિર્દેશિત 'હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ' બોક્સ ઓફિસ પર ફલોપ નીવડી. ઍમી એવોર્ડ તો એણે થર્મલમાં વીંંટાળીને ગોદરેજની તિજોરીમાં મુકી દીધો છે
ફિલ્મી દુનિયામાં મિસફિટ તરીકે જાણીતાં વીર દાસ શું નથી તે કહેવું મુશ્કેલ છે. મ્યુઝિશ્યન,સ્ટેન્ડ અપ કોમેડિયન, એક્ટર, લેખક અને હવે નિર્દેશક તરીકે કિસ્મત અજમાવી રહેલાં વીરદાસ કહે છે, મારે તો એક પ્યોર હોરર ફિલ્મ બનાવવી છે. (એ તો ફલોપ થઇ ચૂકી એવું કોણ બોલ્યું?) ખેર, વીર દાસની ફિલ્મો ચાલે કે ન ચાલે પણ તેમનું પુસ્તક વંચાઇ રહ્યું લાગે છે.વીર દાસે લખેલાં સંસ્મરણો એ મેમ્વાર ફોર મિસફીટ્સમાંથી નવી પેઢીને શું ન કરવું તેવો બોધપાઠ મળે તો નવાઇ નહીં.
વીર દાસે ટુ ઇન્ડિયા નામના મોનોલોગ શોમાં જે ખતરનાક નિરીક્ષણો કર્યાં તેમાં ઘણાંને એટલું ખરાબ લાગ્યું કે તેમણે વીર દાસને આંતકવાદીનું લેબલ મારી દીધું હતું. જ્યારે વીર દાસને સવાલ કરવામાં આવ્યો કે તમારી હોરર ફિલ્મની પ્રેરણા કયાંથી મળી ત્યારે આ કોમેડિયને તેની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું કે મારા અમેરિકન શો બાદ જે વિવાદ થયો તે પછી બે વર્ષ સુધી કોઇ મારી સાથે કામ કરવા તૈયાર નહોતું. અમે લાઇવ ટુર કરી અને અમને ૧૯૨ બ્રાન્ડસે જાહેરાત આપવાની ના પાડી. મેં ત્રણ એક્ટિંગ પ્રોજેક્ટ સાઇન કર્યાં તે પણ બીજાને ફાળે ગયા. મારે બે વર્ષ બેસી રહેવું પડયું. આમાંથી હોરર ફિલ્મ કેવી રીતે બને તે સુજાણ વાચકો સમજે છે.
એમ્મી એવોર્ડ વિશે વાત કરતાં વીર દાસ કહે છે, ટુ ઇન્ડિયા વિવાદની આ એક સારી બાજુ હતી પણ આજે તો આ એમ્મી એવોર્ડ મેં થર્મલમાં વીંટીને ગોદરેજની અલમારીમાં મુકી દીધો છે.જો હું એમ્મી સાથે સ્ટેજ પર જાઉં તો એ મારી જિંદગીનો સૌથી ખરાબ શો બની રહે. સ્ટેન્ડ અપ કોમેડીએ દર્શકો સાથે સંકળાવાની બાબત છે તેમાં કશું હાંસલ કરવાનું હોતું નથી. વીર દાસ હવે ફિલ્મો વિશે પણ ખોંખારીને કહે છે, તમારે એવા મૂર્ખ બનવું પડે કે ઓડિયન્સને લાગે કે આના કરતાં તો તેમની જિંદગી સારી છે. મૂવીમાં કોઇને ચણાના ઝાડ પર ચઢાવવામાં આવે છે જ્યારે સ્ટેન્ડ અપ કોમેડીમાં તેમને ત્યાંથી નીચે ઉતારવાનું કામ કરવાનું હોય છે.
વીર દાસની સરરિયલ કારકિર્દીમાં ટુ ઇન્ડિયા મોનોલોગ મોટી ઘટના બની રહી છે. આના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી તો ઘરઆંગણે આ જ કારણે છાજિયાં લેવામાં આવ્યા. પોલીસ ફરિયાદ, બહિષ્કાર અને સોશિયલ મિડિયા પર વગોવણી પણ વીર દાસે આ બધાંની સાથે પંગો લેવાને બદલે તેમની સમક્ષ શરણે થવાનું શીખી લીધું છે. વીર દાસ તેની લાક્ષણિક શૈલીમાં કહે છે, લેબલ ગમે તે મારવામાં આવે પણ તે રહે તો બીજાના મોંમાં જ છે, તમારા શરીરમાં નહીં. તેના પર તમે કોઇ માલિકી ધરાવી શકતાં નથી. ચાહો કે નફરત કરો પણ મને અવગણશો નહીં. મારી કોમેડી વિશે લોકો એકમેકથી વિરૂદ્ધ અભિગમ અપનાવે તો જ મને લાગે કે મેં મારું કામ પ્રમાણિકતાથી કર્યું છે. હું જે કાંઇપણ કરું તેમાંથી મનોરંજન મળે કે લોકો પરસ્પર વિરોધી અભિગમ ધરાવતાં થાય તો જ મને લાગે કે મેં મારું કામ બરાબર કર્યું છે. આમિરખાને દિલ્હી બેલીમાં વીર દાસ સાથે કામ કર્યું એ પછી તેમની વચ્ચે કોઇ સંપર્ક નહોતો.દસ વર્ષ બાદ વીર દાસે ફોન કર્યો તો આમિરખાને તેનો ફોન ઉઠાવ્યો,એટલું જ નહીં તેની ફિલ્મના નિર્માતા તરીકે કામ કરવા પણ તૈયાર થઇ ગયો. આ કોમેડી નથી પણ આમિરખાનને વીર દાસને ફિલ્મની સફળતા વિશે પૂછીએ તો બંને પરસ્પર વિરોધી જવાબ આપે તેમાં કોઇશંકા નથી. વીર દાસની કોમેડીમાં તો લોકો પરસ્પર વિરોધી અભિગમ ધરાવતાં હોય છે પણ આ બોક્સ ઓફિસ ટ્રેજેડીમાં પણ નિર્માતા-નિર્દેશક સાવ સામા છેડાંના અભિપ્રાયો ધરાવતાં થઇ ગયાં હોય તો આ પણ વીરદાસની એક મોટી સિદ્ધિ ગણાય. હેપ્પી પટેલ ખતરનાક જાસૂસ ફિલ્મના દર્શકોને મનોરંજન મળ્યું હોય કે ન મળ્યું હોય પણ તેના નિર્માતા-નિર્દેશક પરસ્પર વિરોધી અભિગમ ધરાવતાં થઇ ગયા હોય તો પણ વીર દાસને તેમના કામથી સંતોષ થયો જ હશે!
તમને શું લાગે છે,
હેપ્પી વાચક?


