- 'મારી સાથે જેલમાં એવો વર્તાવ કરવામાં આવ્યો જાણે મેં બોમ્બ બ્લાસ્ટ કર્યો હોય, જાણે કે હું કોઈ રીઢો ગુનેગાર હોઉં. આ આખો અનુભવ મારા માટે દુ:સ્વપ્ન સમાન છે...'
પંચોલી પરિવારમાં એક પ્રકારનું પ્રહસન જ ભજવાઈ રહ્યું છે. પપ્પા આદિત્ય પંચોલીએ હજુ ૪૮ કલાક પહેલા જ જાહેર કર્યું હતું કે મારો પુત્ર સૂરજ બોલિવુડ છોડી રહ્યો છે. હવે તે બિઝનેસ પર જ ધ્યાન આપશે. મિડીયામાં એ ન્યુસ છપાઈ ગયા અને ૂબીજા દિવસે સૂરજે સહેજ પણ અચકાયા વિના એને રદીયો આપી દીધો. જુનિયર પંચોલીએ ઈન્સ્ટાગ્રામ પર એક હાર્ટ, જોડેલા હાથ અને ક્લેપબોર્ડની ઈમોડજી મુકી લખ્યું, 'હું ફિલ્મો છોડી રહ્યો છું એવું જણાવતા અમુક ન્યુસ મિડીયામાં છપાયા છે. મારે એ વાત જરાક પણ સાચી નથી.' આને તમે શું કહેશો? સલમાન ખાનની મહેરબાનીથી સૂરજ પંચોલીએ ૧૦ વરસ પહેલા બોલીવૂડના 'હીરો' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. એની પહેલી જ સુપર ફ્લોપ થઈ ત્યાર પછીની એની એકેય ફિલ્મ સફળ ન થઈ. અધુરામાં પૂરું એની એક સમયની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ ઝિયા ખાનના સુસાઈડ કેસમાં એનું નામ ઉછળ્યું. એમાં સૂરજનું નામ નખાઈ ગયું.
આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના એક્ટર પુત્રે જ વરસ બાદ 'કેસરી વીર' નામની ફિલ્મથી કમબેક કર્યું. આ વરસે મેમાં રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ-ઓફિસ પર પિટાઈ ગઈ. ત્યારબાદ સૂરજના કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત ન થઈ હોવાથી એવી અફવા ફેલાઈ હતી કે એણે એક્ટિંગને તિલાંજલી આપી દીધી છે. ૩૪ વરસના એક્ટરે હવે અફવાઓનું ખંડન કર્યું છે.
એ પહેલા સૂરજે એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાને ઝિયા ખાન સુસાઈડ કેસમાં જેલમાં ધકેલાયો એ કમનસીબ અનુભવ વાગોળ્યો હતો. એને ત્યારે આર્થર રોડ જેલમાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને જ્યાં પુરાયો હતો એ જ કાળ કોઠડીમાં રખાયો હતો. અને કઈ રીતે રિએક્ટ કરવું એ જાણતો નહોતો. 'મારા માટે જેલનું એ પ્રકરણ એક દુ:સ્વપ્ન સમાન હતું. મને આર્થર રોડ જેલમાં મોકલી અન્ડા સેલમાં પુરી દેવાયો. એ અંધારી કોઠડીમાં હું એકલો જ હતો. એ જ કોેટડીમાં કસાબને પણ રખાયો હતો. એમણે (પોલીસે) મારી સાથે એવો વર્તાવ કર્યો જાણે મેં બોમ્બ બ્લાસ્ટ કર્યો હોય. મને માથા નીચે રાખવા એક તકિયો પણ નહોતો અપાયો. હું એ કોટડીમાં છાપાં પાથરીને સૂતો જેમાં મારા કેસની હેડલાઈન્સ છપાઈ હતી. જેલમાં મારી સાથે બહુ જ ખરાબ વર્તાવ થયા, જાણે કે હું કોઈ રીઢો ગુનેગાર હોઉં છું. હું તમને જે કહું છું એમાં તસુભાર પણ અતિશયોક્તિ નથી. છેક ૪-૫ વરસે મને ભાન થયું કે હું કેવા કપરા કાળમાંથી પસાર થયો છું. જ્યારે આ બધું બનતું હતું ત્યારે તો એ મને ખરાબ સપના જેવું જ લાગતું હતું,' એવા શબ્દોમાં એક્ટરે પોતાની કરુણ કથની કહી હતી.


