Get The App

સોનુ સૂદે મોડો મોડો દાવો કર્યો 'દબંગ' મારા કારણે પણ હિટ થઈ!

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
સોનુ સૂદે મોડો મોડો દાવો કર્યો 'દબંગ' મારા કારણે પણ હિટ થઈ! 1 - image

- 'તમે ફિલ્મની સફળતા માટે કોઈ એક જ નામ (એટલે કે સલમાન ખાન) પર મદાર ન રાખી શકો, તમારે આખેઆખી ફિલ્મ ગ્રેટ બનાવવી પડે.'

અભિનવ કશ્યપ દિગ્દર્શિત સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'દબંગ' (૨૦૧૦)ની રિલિઝને ૧૦મી સપ્ટેંબરે ૧૫ વરસ પૂરા થયાં. આ સુપરડુપર હીટ મૂવી બે એક્ટર્સ માટે ખાસ બની રહી. દબંગ એની હીરોઈન સોનાક્ષી સિંહાની ડેબ્યુ ફિલ્મ હતી જ્યારે એના વિલન સોનુ સૂદ માટે દબંગ એના કરિયરનો ટર્નિંગ પોઇન્ટ બની રહી. દબંગ સાથેના સંસ્મરણો પ્રેમપૂર્વક વાગોળતા સોનુ કહે છે, 'ફિલ્મ રિલિઝ થયા બાદ બધાએ મને કોલ કરી એક જ વાત કહી કે આ તારો એક સૌથી પાવરફુલ રોલ છે. ફિલ્મ સુપરહીટ થઈ અને લોકોને મેં ભજવેલું છેદી સિંહનું પાત્ર બહુ ગમ્યું એટલે જ દબંગ મારે મન હમેશાં સૌથી સ્પેશિયલ ફિલ્મ બની રહેશે.'

આટલી ઔપચારિકતા પર ન અટકી જઈ ફિલ્મનો ખલનાયક સુદ એક રહસ્યોદ્ઘાટન કરે છે, 'દર્શકોમાં લોકપ્રિય થયેલું પડદા પર જોવા મળતું છેદી સિંહનું પાત્ર મૂળ સ્ક્રીપ્ટમાં આ રીતે નહોતું લખાયું. સ્ક્રીપ્ટમાં તો છેદી સિંહ નખશીખ એન્ગ્રી મેન હતો. પરંતુ મને એમ લાગ્યું કે એને રમુજી એન્ગલ આપવાની જરૂર છે. ડિરેક્ટર અભિનવ કશ્યપ પ્રયોગ કરવા બાબતમાં ખુલ્લું મન ધરાવતા હતા એટલે એ શક્ય બન્યું. છેદીના કેરેક્ટરનું ઘણું બધુ મારા કોલેજના બિહારી મિત્રોની દેન હતી. એમની બોડી લેન્ગવેજ અને ફિલ્મો માટેનો એમનો ક્રેઝ મેં છેદીમાં રોપ્યા.  એટલું જ નહિ, દબંગની ફેમસ ભૈયાજી, સ્માઈલ લાઈન પણ એમનાથી પ્રેરિત હતી.'

છેદી અને ચુલબુલ પાંડે (સલમાન) વચ્ચેનો હાથોહાથનો મુકાબલો દબંગની એક સૌથી મોટી હાઇલાઇટ હતી એવું મક્કમપણે માનતો પર વરસનો એક્ટર કહે છે, 'એ ફાઇટ સીન માટે એક સ્ટંટમેન સાથે રિહર્સલ કરતી વખતે મારું નાક ભાંગી ગયું હતું. નજીકમાં કોઈ ડોક્ટર પણ મળે તેમ નહોતો એટલે મેં નાકમાં ભયંકર પીડા સાથે એ સીન શૂટ કર્યો, પરંતુ એ દર્દ સાર્થક નીવડયું. લોકોને એ એક્શન સિકવંસ બહુ પસંદ પડી.'

મૂવી રિલીઝ થયા બાદ દર્શકોને એ કયા કારણસર વધુ પ્રભાવિત કરી શકી એવા પ્રશ્નનો સોનુ પાસે પોતીકો જવાબ છે, 'દરેક ફિલ્મ એટલા માટે ચાલે છે કે એનો માત્ર હીરો નહિ, દરેક પાત્ર ક્લિક થાય છે. છેદી સિંહ પણ દર્શકો માટે એક યાદગાર પાત્ર બની ગયું અને એટલે જ દબંગ હિટ થઈ. તમે ફિલ્મની સફળતા માટે એક નામ (એટલે કે સલમાન ખાન) પર આધાર ન રાખી શકો, તમારે આખેઆખી ફિલ્મ ગ્રેટ બનાવવી પડે.'

સોનુની ફિલ્મોમાં ઇમેજ ભલે બદલાઈ ગઈ હોય, પણ છેદી આજેય એની જિંદગીનો એક હિસ્સો છે. 'છેદી દ્વારા બોલાયેલી આઇકોનિક લાઈનો લોકોના દિમાગમાં સંઘરાયેલી છે. હું જે ઈવેન્ટના જાઉં ત્યાં લોકો મને જોઈને એ લાઈનો બોલે છે. અલબત્ત, રિયલ લાઈફમાં હું જે (સખાવતનું) કામ કરું છું એને લીધે મારી ઈમેજ બદલાઈ ગઈ છે. હવે મને નેગેટીવ રોલ્સ નથી મળતા, ફક્ત પોજિટિવ રોલ્સ જ ઓફર થાય છે અને એ સૌથી મોટો બદલાવ છે,' એટલું કહી એક્ટર પોતાની યાદો સમેટી લે છે.