રડતાં રડતાં હસી પડી સોનિયા રાઠી


- મેં કૉલેજકાળથી લઇને અત્યાર સુધી લગભગ દોઢસો એડ્સ માટે ઑડિશન આપ્યાં છે, પણ મને દરેક વખતે જાકારો જ મળ્યો છે. આમ છતાં મને તેનું કોઇ દુ:ખ નથી. આ ઇન્ડસ્ટ્રીમાં તકના પ્રમાણમાં સ્પર્ધા ઘણી વધારે છે. 

મનોરંજન જગતમાં  ડગ માંડવા થનગનતા કલાકારોને આવકાર કરતાં જાકારો ઝાઝો મળે છે. કેટલીક વખત તો કલાકારો સેંકડો ઑડિશન આપ્યા પછી માંડ કોઇક રોલ મેળવી શકે છે. આવું જ કાંઇક થયું હતું અભિનેત્રી સોનિયા રાઠી સાથે. 'તારા વર્સેસ બિલાલ'થી બોલીવૂડમાં પદાર્પણ કરનાર આ અભિનેત્રીએ અત્યાર સુધી 'બ્રોકન બટ બ્યુટીફુલ',મેડ ઇન હેવન', 'હેલો મીની' જેવી કેટલીક વેબ સીરિઝોમાં કામ કર્યું છે. તેણે આર. માધવન સાથે 'ડિકપલ્ડ'માં પણ અભિનય કર્યો છે. તે મૉડેલ અને પ્રોડક્શન ડિઝાઇનર તરીકે પણ જાણીતી છે. આમ છતાં તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તે લગભગ દોઢસો જેટલા ઑડિશનમાં રિજેક્ટ થઇ છે.  જોકે સોનિયાને તેનાથી ઝાઝો ફરક નથી પડતો. તે કહે છે કે મેં કૉલેજ કાળથી લઇને અત્યાર સુધી લગભગ દોઢસો એડવર્ટાઇઝ માટે ઑડિશન આપ્યાં છે. પણ મને દરેક વખતે જાકારો જ મળ્યો છે. આમ છતાં મને તેનું કોઇ દુ:ખ નથી. વાસ્તવમાં આ ઇન્ડસ્ટ્રીમાં તકના પ્રમાણમાં સ્પર્ધા ઘણી વધારે છે. આવી સ્થિતિમાં મોટાભાગે બધાને વત્તાઓછા અંશે જાકારાનો સામનો કરવો જ  પડે છે.અને રિજેક્ટ થવાનો ે અર્થ એવો નથી થતો કે તમારામાં ટેલેન્ટ નથી.સેંકડો પ્રયાસોના અંતે પણ તમે તમારી પ્રતિભા દર્શાવી શકો છો.

અભિનેત્રીને જ્યારે 'તારા વર્સેસ બિલાલ' મળી ત્યારે તે ફૂલી નહોતી સમાઇ. હર્ષવર્ધન રાણે સાથેની આ મૂવી માટે  સોનિયા કહે છે કે મને આ ફિલ્મના ઑડિશન માટે છેલ્લું દૃશ્ય આપવામાં આવ્યું હતું. તેમાં મને માત્ર રડવાનું હતું. અને અ ે સીન માટે હું એટલું રોઇ કે મારું રડવું જોઇને મને 'તારા'ની ભૂમિકા મળી ગઇ. તે વધુમાં કહે છે કે મેં ઑડિશન ટેપ આપી ત્યાર પછી બે દિવસ સુધી સકારાત્મક ઉત્તરની પ્રતિક્ષા કરતી રહી હતી. મારું મન જાણે કહેતું હતું કે  આ કિરદાર મને ચોક્કસ મળશે. અને ખરેખર એવું જ થયું. મને બીજા રાઉન્ડમાં ઑડિશન માટે બોલાવવામાં આવી.અને તેના બે અઠવાડીયામાં આ ફિલ્મમાં લઇ લેવામાં આવી. પ્રથમ ફિલ્મની શૂટિંગનો સોનિયાનો અનુભવ સારો રહ્યો. તે કહે છે કે સેટ પર મને ક્યારેય એવું  નહોતું લાગ્યું કે હું અહીં નવી છું. મને સમગ્ર ટીમનો ભરપૂર સહકાર મળ્યો. 

મનોરંજન જગતના  જાણીતા કલાકરો નવોદિતોના પ્રેરણાસ્રોત હોય છે. સોનિયાનો પ્રેરણાસ્રોત પ્રિયંકા ચોપરા છે. તે કહે છે કે પ્રિયંકા ચોપરા હંમેશાંથી મારી પ્રેરણા સ્રોત રહી છે. મને તેના પ્રત્યે અનહદ માન છે. તેણે જે રીતે માત્ર બોલીવૂડમાં જ નહીં, બલ્કે હોલીવૂડમાં પણ નામના મેળવી છે તે કોઇને પણ પ્રેરણા આપવી પૂરતી છે. એક ભારતીય અભિનેત્રી તરીકે પ્રિયંકા માટે હું ગર્વ અનુભવું છું. મને લાગે છે કે આજની જે બાળકીઓ યુવાવસ્થામાં અભિનેત્રી બનવાના શમણાં જોતી હશે તેમના માટે પણ પ્રિયંકા પ્રેરણાસ્રોત બની રહેશે. 

બાળપણની વાત ચાલી રહી છે ત્યારે એવો પ્રશ્ન થવો સહજ છે કે શું સોનિયા પણ નાની હતી ત્યારથી અભિનય ક્ષેત્રે આવવાના સપનાં જોતી હતી. આના જવાબમાં સોનિયા કહે છે કે હું પાંચ વર્ષની હતી ત્યારથી મેં અભિનય ક્ષેત્રે આવવાનું નક્કી કરી લીધું હતું. અલબત્ત, મેં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યાર પછી મનોરંજન જગતમાં આવી. તે વધુમાં કહે છે કે મૂળભૂત  રીતે મારો પરિવાર હરિયાણાનો છે. પરંતુ મારો જન્મ કેલિફોર્નિયામાં થયો છે. હું પાંચ ં વર્ષની હતી ત્યારે એક વર્ષ માટે ભારત આવી હતી. તે વખતે જ મેં અભિનેત્રી બનવાનું નક્કી કરી લીધું હતું. જોકે હું એક વર્ષના અંતે કેલિફોર્નિયા પરત ફરી અને મારો અભ્યાસ પૂરો કર્યો. મ ેં ફાઇનાન્સ ઇન માર્કેંટિંગમાં સ્નાતક કર્યું અને નોકરી પણ કરી. પરંતુ મારું મન બોલીવૂડમાં અટવાયેલું રહ્યું. છેવટે હું ભારત આવી ગઇ.

સોનિયાને સારી ફિલ્મો કરવામાં રસ છે. તે કહે છે કે મને સારી પટકથા ધરાવીત ફિલ્મોમાં કામ કરવું છે. મને જાણીતા કલાકારો સાથે કામ કરીને ઘણું શીખવું છે. અલબત્ત, મારી સ્પર્ધા મારી જાત સાથે જ  હશે. મારા મતે તમે પ્રેરણા ભલે અન્યો પાસેથી લો, પણ સ્પર્ધા પોતાની જાત સાથે જ કરવી . હું આજે પણ સોનિયા રાઠી છું અને એક દશક પછી પણ સોનિયા રાઠી જ રહેવા માગું છું. 

City News

Sports

RECENT NEWS