Get The App

સોની રાઝદાનની સાફ વાત : રૂપકડી અભિનેત્રીઓ પરણે ત્યારબાદ તેના માટે બોલીવુડમાં ટકી રહેવું

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
સોની રાઝદાનની સાફ વાત :  રૂપકડી અભિનેત્રીઓ પરણે ત્યારબાદ તેના માટે બોલીવુડમાં ટકી રહેવું 1 - image


- આજે મહાનગરોમાં પણ અસંખ્ય પરિણીત મહિલાઓ તેમની જિંદગી પોતાની ઇચ્છાથી નથી જીવી શકતી.  ઇચ્છાઓ, રંગબેરંગી આશાઓ પર જાણે કે બીજી વ્યક્તિઓનો કાબૂ હોય તેવું ચિંતાજનક દ્રશ્ય ઉપસે છે. 

હિન્દી ફિલ્મ જગતમાં અચાનક જ સોની રાઝદાનના નામની ચર્ચા શરૂ થઇ છે. વાત જાણે કે એમ છે કે સોંગ્ઝ ઓફ પેરેડાઇઝ ફિલ્મમાં સોની રાઝદાન કશ્મીરનાં સન્માનનીય ગાયિકા રાજ બેગમની સુંદર ભૂમિકા ભજવી   હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા છે. સોની રાઝદાન એટલે બોલીવુડના પ્રયોગશીલ દિગ્દર્શક મહેશ ભટ્ટનાં ધર્મપત્ની અને મજેદાર અભિનેત્રી આલીયા ભટ્ટની મમ્મી. 

રાજ બેગમ પૃથ્વી પરના સ્વર્ગસમા કશ્મીરનાં સૂરીલાં ગાયિકા હતાં. ભારતમાં બહેનો,દીકરીઓ શાળામાં જઇને ભણે અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકતી નહોતી. એમ કહો કે એક પ્રકારનો આડકતરો સામાજિક પ્રતિબંધ હતો. આવા સામાજિક બંધનો વચ્ચે પણ રાજ બેગમે ૧૯૫૪માં ઓલ ઇન્ડિયા રેડિયો પર  ભારતની પ્રથમ મહિલા ગાયિકા તરીકે કારકિર્દી શરૂ કરી. સૂરીલી સફળતા પણ મેળવી હતી. રાજ બેગમ મેલડી કવીન ઓફ કશ્મીર કહેવાતાં. ભારત સરકારે તો રાજ બેગમને પદ્મશ્રી એવોર્ડનું સન્માન પણ આપ્યું. આમ રાજ બેગમનું ઉદાહરણ ભારતની નારીઓ માટે પ્રેરણાસ્રોતસમું છે.

આમ તો સોની રાઝદાને અમુક ફિલ્મોમાં જુદી જુદી ભૂમિકાઓ ભજવી છે. આમ છતાં તેમની કારકિર્દીમાં ઘણા ચડાવ-ઉતાર પણ આવ્યા છે. સોની રાઝદાનની  છેલ્લે પીપા(૨૦૨૩), સરદાર કા ગ્રાન્ડસન(૨૦૨૧), વોર(૨૦૧૯) વગેરે ફિલ્મ રજૂ થઇ છે. હવે બે વર્ષ બાદ   ૨૦૨૫માં સોંગ્ઝ ઓફ પેરેડાઇઝ ફિલ્મ રજૂ થઇ છે. 

સોની રાઝદાન ખુશી વ્યક્ત કરતાં કહે છે, સોંગ્ઝ ઓફ પેરેડાઇઝ ફિલ્મના દિગ્દર્શક  દાનીશ રેન્ઝુએ મને ટેલિફોન કરીને કહ્યું કે હું મહાન કશ્મીરી ગાયિકા રાજ બેગમના જીવન પર ફિલ્મ બનાવી રહ્યો છું.  હું હૃદયપૂર્વક ઇચ્છું છું કે રાજ બેગમનું પાત્ર તમે ભજવો. ખરું કહું તો મેં એક પણ ક્ષણનો પણ વિચાર કર્યા વગર હા કહી દીધી. મેં  તો ફિલ્મની કથા-પટકથા સુદ્ધાં નથી વાંચી. આવાં આલા દરજ્જાનાં ગાયિકાની ભૂમિકા ભજવવાની સોનેરી -- યાદગાર તક મળી એટલે હું મારી જાતને ધન્ય સમજું છું. 

સોની રાઝદાન જોકે તેમની નારાજી વ્યક્ત કરતાં કહે છે કે મને બોલીવુડમાં મને જે કાંઇ સફળતા મળી છે તેની સાથોસાથ સંઘર્ષ પણ ઝાઝોબધો છે. મેં આજથી લગભગ ચાર દાયકા પહેલાં ૩૬, ચૌરંગી લેન(૧૯૮૫) ફિલ્મથી મારી અભિનય કારકિર્દી શરૂ કરી એ તબક્કે તો ઘણો સંઘર્ષ કરવો પડયો હતો.ખાસ કરીને ૧૯૮૬માં મારાં લગ્ન દિગ્દર્શક મહેશ ભટ્ટ સાથે થયાં ત્યારબાદ તો મારે ફિલ્મોમાં કામ મેળવવા  માટે  ઘણી મહેનત કરવી પડી હતી. બોલીવુડમાં તો પરણેલી અભિનેત્રીઓ જાણે કે પારકી ગણાય છે. કુંવારી અને પરણેલી અભિનેત્રીઓ માટે આવો ભેદભાવ શા માટે હોય છે ? લગ્ન બાદ અભિનેત્રીની અભિનયશક્તિ અદ્રશ્ય થઇ જાય છે ?   

હિન્દી ફિલ્મ જગતમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની  અભિનય કારકિર્દી  લગ્ન બાદ પણ સક્રિય રહી છે. આમ તો હિન્દી ફિલ્મ જગતમાં એવી વણલખી પરંપરા છે કે અભિનેત્રી રૂપકડી અને   કુંવારી હોય તો દર્શકોમાં તે બેહદ લોકપ્રિય હોય છે. દર્શકો આવી બ્યુટિક્વીનસમી અભિનેત્રીઓને   મનોમન પ્રેમ કરતા હોય છે. 

આ જ રૂપાળી અભિનેત્રીનાં લગ્ન થાય એટલે તેના  પેલા કોલેજીયન ચાહકોનાં હૃદય ભાંગીને ભુક્કો થઇ જાય. આટલું જ નહીં, ખુદ  બોલીવુડ માટે પણ તે વિવાહિત અભિનેત્રી રાતોરાત પારકી થઇ જાય. તેમને ફિલ્મમાં કામ મેળવવા માટે નિર્માતાઓને અને દિગ્દર્શકોને વિનંતી કરવી પડે. સંઘર્ષ કરવો પડે. 

અમુક અભિનેત્રીઓની કારકિર્દી લગ્ન બાદ પણ સતત સક્રિય રહી છે. ઉદાહરણરૂપે નૂતનનાં લગ્ન રજનીશ બહલ સાથે, માલા સિંહાનાં લગ્ન ચિદમ્બર પ્રસાદ લોહાની સાથે, સાધનાનાં લગ્ન દિગ્દર્શક આર.કે.નય્યર સાથે થયાં હોવા છતાં આ ત્રણેય અભિનેત્રીઓએ ઘણાં વર્ષ સુધી ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવ્યાં હતાં. હા, આ બધી અભિનેત્રીઓ ભારોભાર પ્રતિભાશાળી હોવાથી નિર્માતાઓએ અને દિગ્દર્શકોએ તેમને સન્માન આપ્યું હતું.      

આજે   જોકે  બોલીવુડની આવી રૂઢીચૂસ્ત કહી શકાય તેવી પરંપરામાં ઘણું સવળું પરિવર્તન પણ આવ્યું છે.એટલે કે હવે તો પરણેલી અભિનેત્રીઓ પણ સંપૂર્ણ સક્રિય રહે  છે.  કાજોલ, દીપિકા પાદૂકોણ, આલીયા ભટ્ટ, કિયારા અડવાની વગેરેનાં લગ્ન થઇ ગયાં હોવા છતાં તેઓ ફિલ્મોમાં મહત્વનાં પાત્ર ભજવી રહી છે. 

મૂળ બ્રિટનના બર્મિંગહામ શહેરમાં જન્મેલી પણ ભારતમાં ઉછરેલાં સોની રાઝદાન પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં કહે છે, ૧૯૮૬માં મારાં લગ્ન બાદ મને હિન્દી ફિલ્મોમાં ઓછી તક મળતી. હું જબરી  મુંઝવણ અનુભવતી. મારા સદનસીબે  બરાબર અ જ તબક્કે ટેલિવિઝન પર વિવિધ  વિષયોની સિરિયલો અને કાર્યક્રમો શરૂ થયાં. આમ છતાં મારે  આવી ટીવી સિરિયલોમાં કામ મેળવવા ઘણી મહેનત પણ કરવી પડી હતી. મને મારાં શુભેચ્છકોનો ઘણો સહકાર મળ્યો હતો. 

સારાંશ, મંડી, ત્રિકાલ, ખામોશી, ડેડી, સડક, સર, ગુમરાહ, ગુનાહ, રાઝી વગેરે મજેદાર ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારાં સોની રાઝદાન કહે છે, હું ભારપૂર્વક ઇચ્છું છું કે દરેક પરણેલી મહિલાઆર્થિક રીતે સદ્ધર હોવી જરૂરી છે. મારો પોતાનો હેતુ પણ આ જ રહ્યો છે. પરણેલી મહિલા પાસે પૂરતાં નાણાં હશે તો તે તેના અંગત નિર્ણયો લઇ શકશે. પોતાની જિંદગી પોતાની રીતે  અને આનંદ-સંતોષથી જીવી શકશે.  

 સચ એ લોન્ગ જર્ની નામની કેનેડિયન ફિલ્મમાં પણ અભિનય કરનારાં સોની રાઝદાન આપણા સમાજનું સાચુકલું સ્વરૂપ દર્શાવતાં કહે છે, આપણો ભારત દેશ ભલે નવા -- આધુનિક યુગમાં જીવતો હોય. ભલે સુપરપાવર બનવાની દિશામાં ઝડપભેર આગળ દોડી રહ્યો હોય. સારુું છે. આમ છતાં આજે મહાનગરોમાં પણ અસંખ્ય પરિણીત મહિલાઓ તેમની જિંદગી પોતાની ઇચ્છાથી નથી જીવી શકતી. પોતાની લીલીછમ ઇચ્છાઓ, રંગબેરંગી આશા -અરમાનો પર જાણે કે બીજી વ્યક્તિઓનો કાબૂ હોય તેવું ચિંતાજનક દ્રશ્ય ઉપસે છે.  

Tags :