સોનમ કપૂરઃ હું બિલકુલ રેડી છું!

- 'મને પહેલેથી જ નારીપ્રધાન ફિલ્મો કરવામાં રસ પડયો છે. જે કહાણીમાં સ્ત્રી કેન્દ્રસ્થાને હોય અને તેનું પાત્ર બહુસ્તરીય હોય તેમાં જ કામ કરવાનો મારો આગ્રહ આજે પણ અકબંધ છે.'
સોનમ કપૂર કેટલાંક વર્ષથી ૭૦ એમએમના પડદાથી દૂર રહી છે. પુત્ર વાયુને જન્મ આપ્યા પછી તેણે પોતાનું સઘળું ધ્યાન તેના ઉછેર પર કેન્દ્રિત કર્યું છે. તે કહે છે કે પોતાના સંતાનનો મોટો થતો જોવો એ પણ એક લ્હાવો છે. હું મારા માતૃત્વની પળેપળ માણવા માગતી હતી તેથી હું ઇરાદાપૂર્વક મારા કામથી દૂર રહી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનમની સિનેગૃહોમાં રજૂ થનારી છેલ્લી ફિલ્મ હતી 'ઝોયા ફેક્ટર' (૨૦૧૯). ત્યાર પછી વર્ષ ૨૦૨૩માં તેની 'બ્લાઈન્ડ' ઓટીટી પર રજૂ થઈ હતી. જોકે આ ફેશનિસ્ટા છેલ્લા કેટલાક સમયથી ટોચના ફેશન શોઝમાં દેખાઈ રહી છે ખરી. અને હવે તે પોતાના પ્રિય અભિનય ક્ષેત્રે પરત ફરવા તૈયાર છે.
સોનમ કહે છે, 'મને હમેશાં મહિલાપ્રધાન ફિલ્મો કરવામાં રસ પડયો છે. જે કહાણીમાં સ્ત્રી કેન્દ્ર સ્થાને હોય અને તેનું પાત્ર બહુસ્તરીય હોય તેમાં જ કામ કરવાનો મારો આગ્રહ આજે પણ અકબંધ છે. હવે હું આ પ્રકારની ફિલ્મ સાથે જ પરત ફરી રહી છું. બસ, ટૂંક સમયમાં જ મારી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. હું ફરીથી કેમેરા સામે આવવા સખત ઉત્સુક છું.'
શું માતા બન્યા પછી સોનમનો સ્વભાવ બદલાયો છે? આના જવાબમાં સોનમ કહે છે, 'હા, હું પહેલાં કરતાં વધુ નરમ અને ઠરેલ બની છું, અને આમ થવું સહજ પણ છે. અલબત્ત, પહેલી જ વખત માતા બન્યા હો એટલે બાળકના ઉછેરમાં ક્યાંક કશીક ભૂલ પણ થાય. તે કંઈ મોટી વાત નથી. નવી માતા બનેલી દરેક સ્ત્રીએ આ વાત યાદ રાખવી રહી.'
સોનમ પોતાના પિતા અનિલ કપૂર વિશે કહે છે, 'તેમને વાયુ પ્રત્યે અનેરો પ્રેમ છે. અમારા ફેમિલી ગ્રુપમાં તેઓ બીજું બધું છોડીને માત્ર મારા પુત્રના ફોટા અને વીડિયો જ જોયા કરે છે. મારા દીકરાને જોઈને તેમની આંખોમાં જે ચમક આવે છે એવો ચમકારો અમને ત્રણેય ભાઈ-બહેનને જોઈને તેમની આંખોમાં આવતો મેં નથી જોયો!'

