Get The App

સોનાલી જાફર: ટીવીમાં જોખમ લેનારા ફાવશે, સલામત ગેમ રમનારા હારશે

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
સોનાલી જાફર: ટીવીમાં જોખમ લેનારા ફાવશે, સલામત ગેમ રમનારા હારશે 1 - image

- 'મોટાં શહેરોમાં લોકો હવે ટીવીના કાર્યક્રમો જોતા નથી. લેખકોને ફિલ્મ કે ટેલિવિઝનમાં હજી યોગ્ય ક્રેડિટ મળતી નથી. તેમને થતી આવક નગણ્ય હોય છે તેવી છાપ લોકોના મનમાં પડી ગઈ છે'

- ટીવી શોઝની હાલત બહુ સારી નથી. પરિવર્તનનો સમય પાકી ગયો છેે

ટીવીના નાના પડદે રજૂ થતી મોટી સ્ટોરીઓ પાછળ સોનાલી જાફર જેવી લેખિકાઓની આકરી મહેનત રહેલી હોય છે. એક લેખિકા અને નિર્માત્રી તરીકે જાફરે ટીવીના માધ્યમમાં નોધપાત્ર પ્રદાન કર્યું છે. મૂળ તો સોનાલી આઇએએસ અધિકારી બનવા માંગતી હતી પણ નિયતિને બીજું કશું ક જ મંજૂર હતું. આજે સોનાલી ટેલિવિઝન પર સરસ મજાના મનોરંજક કાર્યક્રમ પીરસી લોકોના દિલ પર રાજ કરે છે. 

સોનાલીના ટેલિવિઝન કાર્યક્રમોમાં સૌથી સફળ શ્રેણી બડે અચ્છે લગતે હૈનું પુનરાગમન થયું  છે. રામ કપૂર અને સાક્ષી તનવરની હીટ જોડીને ચમકાવતી આ શ્રેણીની નવી સિઝનની સ્ટોરી એક્દમ અલગ છે તેમ તેની લેખિકા સોનાલી જાફર કહે છે. સોનાલીના જણાવ્યા અનુસાર આ વખતે એક છોકરી એક માણસને તેનો પતિ બનવા માટે કામે રાખે છે. છોકરી લાંબા સમયથી તેના માતાપિતાને મળી નથી અને તેના  માતાપિતા એમ માને છે કે તેના લગ્ન લાંબા સમય પહેલાં જ થઇ ગયા છે. આમ, આ એક અનોખી લવસ્ટોરી છે તેમ સોનાલી કહે છે. 

સોનાલી જાફર ટેલિવિઝનના માધ્યમમાં પીઢ લેખિકા છે. તેમણે બડે અચ્છે લગતે હૈ, પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા, ઔર પ્યાર હો ગયા અને બહુ હમારી રજનીકાન્ત નામની સફળ શ્રેણીઓ લખી એક સફળ લેખિકા તરીકે પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. સોનાલી જાફર એક અનુભવી લેખિકા તરીકે કહે છે, હાલ ટીવી કાર્યક્રમોની હાલત બહું સારી નથી. હવે પરિવર્તનનો સમય પાકી ગયો છે. ટીવીના માધ્યમને હવે જોખમ લઇ શકે તેવા સર્જકો જોઇએ છે. સલામત ગેમ રમનારાઓ હવે હારશે. હાલ મોટાભાગની ચેનલ્સ પ્રાદેશિક શોને લઇને તેને હિન્દીમાં ફરી બનાવી રહી છે પણ દર્શકો આ શો પહેલાં જ જોઇ ચૂક્યા છે. તો આનો શો અર્થ? દરેક જણ સલામતિ ઇચ્છે છે. કોઇને ઉત્તમ કામ કરવાનું જોખમ લેવું નથી. એ હકીકત છે કે ઘણીવાર તમે સફળ થાવ તો ઘણીવાર તમે નિષ્ફળ પણ જાવ છો. પણ આ જોખમ લેવું જરૂરી હોય છે.

સોનાલી ઉમેરે છે, પણ આ શોને દર્શકો માણે છે તે પણ હકીકત છે. તેનો અર્થ એ કે લોકોને હજી આ પ્રકારના કાર્યક્રમો જોવા ગમે છે. આજે દર્શકો બદલાઇ ગયા છે. મોટાં શહેરોમાં લોકો હવે ટીવીના કાર્યક્રમો જોતાં નથી. લેખકોને ફિલ્મ કે ટેલિવિઝનમાં હજી તેમનું યોગ્ય સ્થાન મળતું નથી. તેમને થતી આવક નગણ્ય હોય છે તેવી છાપ લોકો પર પડેલી છે. આ અંગે સોનાલીએ જણાવ્યું હતું કે હું આવી કોઇ ફરિયાદ કરતી નથી. મને લાગે છે કે ટેલિવિઝનના ક્ષેત્રમાં લેખકોને પૂરતાં નાણાં મળી રહે છે. 

આ માધ્યમમાં લેખનથી જ શરૂઆત થાય છે અને કાર્યક્રમની સફળતાનો મદાર પણ તેના લેખન પર જ રહેલો હોય છે. 

પરિવાર ભેગો મળીને ટીવીના કાર્યક્રમો જોતો હોય તેવું હવે લાગતું નથી. લોકો હવે ટીવીના શો પણ વેબ પર ખાનગીમાં જોતાં થઇ ગયા છે. આ બાબતે સોનાલીએ જણાવ્યું હતુ ંકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લોકોની ટેવ બની ચૂક્યો છે. આ શો હજી પણ પરિવારો સાથે મળીને જુએ છે. અમે પણ નવા શોમાં આ પ્રકારની સફળતા મળે તેમ ઇચ્છીએ છીએ. 

ટેલિવિઝનના માધ્યમમાં નવા અખતરાં કરનારાઓ સફળ થતાં નથી તે બાબતથી પરિચિત સોનાલી કહે છે, એક્તા કપૂરે સામાન્ય રીતે સાસબહુની શ્રેણીઓ આપી છે પણ તેણે અલગ કહી શકાય તેવી નાગિન પણ બનાવી છે. જેને દર્શકોએ પસંદ કરી છે. 

આજના જમાનામાં કોઇપણ ટીવી કાર્યક્રમને સફળ બનાવવા માટે પહેલી શરત તેનું ઉત્તમ લેખન છે. જ્યારે દર્શકો ટીવી પર કાર્યક્રમ જુએ ત્યારે દરેક એપિસોડમાં તેમને જોઇતી તમામ વસ્તુઓ મળવી જોઇએ. આમ થાય તો જ તે નિશ્ચિત સમયે ફરી ટેલિવિઝન સેટ સામે ગોઠવાય. જેનું પ્રતિબિંબ ટીઆરપીમાં પડે છે. બાકી તો તે ઓટીટી પર જાતજાતના શો જોઇ જ શકે છે.