સોનાક્ષી સિંહા: સ્વમાનભેર જીવવા પગભર થવું જ પડે
૧૩ વર્ષની અભિનય કારકિર્દીમાં સોનાક્ષી સિંહાના પ્રથમ પાંચ વર્ષ લાજવાબ રહ્યાં. 'દબંગ'થી શરૂ થયેલી તેની અભિનય યાત્રા અર્ધદશક સુધી પૂરઝડપે દોડતી રહી. ત્યાર પછી તેની કરીઅરમાં સતત ચડાવ-ઉતાર આવતાં રહ્યાં છે. જોકે અભિનેત્રીએ મહિલાપ્રધાન ફિલ્મો કરવાનું જોખમ પણ લીધું હતું. તેણે 'ડબલ એક્સએલ' અને 'ખાનદાની શફાખાના' જેવી ફિલ્મો કરી. છેલ્લે 'દહાડ'માં જોવા મળેલી આ અદાકારા માને છે કે જો તમને માનભેર જીવવું હોય તો આર્થિક રીતે પગભર થવું પડે. એ સમય વિતી ગયો જ્યારે સ્ત્રીઓ નાની નાની વસ્તુઓ માટે પણ ઘરના પુરૂષો પર આધાર રાખવી, પછી તે પિતા હોય, પતિ હોય કે ભાઈ.
સોનાક્ષીએ અત્યાર સુધી જે કામ કર્યું છે તેનું તેને ગૌરવ છે. ચાહે તે ૭૦ એમએમના પડદા પર રજૂ થનારી ફિલ્મ હોય કે ઓટીટી પર. આ અદાકારા એક તબક્કે ટચૂકડા પડદે આવતા રીઆલિટી શોમાં નિર્ણાયકની ભૂમિકા પણ ભજવી ચૂકી છે. તે કહે છે કે હું જે કરું છું તે યોગ્ય અને વ્યવસ્થિત હોય છે. મેં મહિલાપ્રધાન મૂવીઝ કરી તેની મને અપાર ખુશી છે. વાસ્તવમાં 'અકિરા' કર્યા પછી મને આવી ફિલ્મો કરવાનો ચસકો લાગ્યો હતો. સમગ્ર ફિલ્મને પોતાના ખભે ઊંચકી લો ત્યારે તમને એવું લાગે જાણે તમે કોઈ નાયક છો. સ્વાભાવિક રીતે જ મને પણ એવી જ અનુભૂતિ થઈ હતી. આવી સ્થિતિમાં હું પાછીપાની શા માટે કરું? એક વખત શક્તિશાળી ફિલ્મો કર્યા પછી હું એવી ફિલ્મો તો ન જ કરું જેમાં મને શોભાની પુતળી બનીને રહેવાનું હોય. મને માત્ર એવા સિનેમામાં જ કામ કરવું ગમે છે જેની પટકથા મારા પાત્રની આસપાસ ગૂંથાયેલી હોય.
સોનાક્ષી માત્ર ફિલ્મોમાં જ કેન્દ્ર સ્થાને રહેવા નથી માગતી, બલ્કે અંગત જીવનમાં પણ પોતાની જાતને જ કેન્દ્ર સ્થાને મૂકવાનું પસંદ કરે છે. તે કહે છે કે જો તમે ઇચ્છતા હો કે તમારી જીવાદેરી માત્ર તમારા જ હાથમાં હોય, કોઈ તમને કઠપુતળીની જેમ નચાવી ન શકે, પરંતુ તમે તમારી મરજી મુજબ જીવી શકો તો તમને પગભર થવું જ પડે. ખાસ કરીને મહિલાઓને આ વાત વધુ લાગૂ પડે છે. અદાકારાને કદાચ પોતાની ફિલ્મ 'દહાડ' એટલા માટે જ અત્યંત પ્રિય છે કે તેની કહાણી તેના પાત્રની આસપાસ ફરે છે. સોનાક્ષી કહે છે કે હજી સુધી આ મૂવીના મારા કામ બદલ લોકો મારી પ્રશંસા કરે છે. આવી ફિલ્મ કરવાની તક જીવનમાં ક્યારેક જ મળે. બાઈક પર સવાર કડક મિજાજ પોલીસ અધિકારીનું વ્યક્તિત્વ જ કેટલું પ્રભાવશાળી હોય.
અહીં એ વાતની નોંધ લેવી રહી કે શસક્ત સ્ત્રીપાત્રો ધરાવતી ફિલ્મો હવે સિનેમાઘરોમાં કરતાં ઓટીટી પર વધુ જોવા મળે છે. સોનાક્ષી પણ આ વાત માને છે. તે કહે છે કે કોરોના મહામારી પછી શરૂ થયેલો આ ટ્રેન્ડ આજે પણ જારી છે. આમ છતાં સારી પટકથા ધરાવતી ફિલ્મો હવે બૉક્સ ઑફિસ છલકાવી રહી છે એ હકીકત સામે આંખ આડા કાન ન કરી શકાય. આ સિલસિલો થોડા સમય સુધી જારી રહેશે તેને પગલે પગલે મહિલાપ્રધાન ફિલ્મો ફરીથી થિયેટરો ગજાવશે એમ માનવું વધારે પડતું ન ગણાય.
સોનાક્ષી હવે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથેની ફિલ્મ 'બડે મિંયા છોટે મિંયા'માં જોવા મળશે. વર્ષ ૨૦૨૪ના એપ્રિલ મહિનામાં રજૂ થનારી આ એક્શન મૂવી તરફ અદાકારા મીટ માંડીને બેઠી છે.
એમ કહેવાય છે કે સોનાક્ષી પોતાના ખરીદેલા નવા ઘરમરાં રહેવા ચાલી ગઈ છે. જોકે અદાકારા સ્પષ્ટતા કરતાં કહે છે કે એ ઘર મારા માટે ઘર કરતાં ઑફિસની ગરજ સારે છે. અહીં હું મારી વ્યાવસાયિક મીટિંગો ગોઠવું છું, કેટલુંક શૂટિંગ કરું છું અને હળવી થાઉં છું. હા, મેં આ ઘર ખરીદ્યું ત્યારે મને કોઈક સિધ્ધિ પ્રાપ્ત થયાની અનુભૂતિ થઈ હતી. હું હમેશાંથી મારું પોતાનું ઘર ખરીદવા માગતી હતી. આમ છતાં ખરૂં ઘર તો એ જ કહેવાય જ્યાં તમારા પરિવારજનો તમારી સાથે હોય. હું મારા પરિવાર સાથે 'રામાયણ'માં જ મોટી થઈ છું. તેથી 'રામાયણ' હમેશાંથી મારું ઘર છે અને રહેશે.