Get The App

સોનાક્ષી બત્રા: બેવડા વ્યક્તિત્ત્વના ડબલ ધમાકા

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
સોનાક્ષી બત્રા: બેવડા વ્યક્તિત્ત્વના ડબલ ધમાકા 1 - image

- 'વિક્રાંત મેસીએ  મન બહુ ઉપયોગી સલાહ આપી અને  પ્રોત્સાહન આપ્યું હતું. વિક્રાંતની સલાહ મારા માટે બહુ ઉપયોગી નિવડી. મારો આત્મવિશ્વાસ વધ્યો.'  

ભારતમાં મનોરંજન ક્ષેત્રે  આધુનિક ટેકનોલોજી સાથે  ઝડપભેર પરિવર્તન થઇ રહ્યાં  છે. સાથોસાથ નવી અને પ્રતિભાશાળી  કલાકારોનો ઉદય પણ થઇ રહ્યો છે. 

સોનાક્ષી બત્રા આવી જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. સોનાક્ષી બત્રા હાલ જગધાત્રી નામની ટેલિવિઝન સિરિયલમાં મહત્વનું પાત્ર ભજવી રહી છે. સામાન્ય રીતે  ટીવી સિરિયલોમાં ક્રાઇમ અને એક્શન ઓછાં હોય છે. વળી, કોઇ અભિનેત્રી   એક્શન   દ્રશ્યો   કરતી હોય તો તે દર્શકોને તે સિરિયલનું જરા વધુ આકર્ષણ રહે  છે.  સોનાક્ષી બત્રા જગધાત્રી ટીવી   સિરિયલમાં આવાં એક્શન દ્રશ્યો (મોટર સાઇકલિંગ, ખુલ્લા રસ્તા પર  દોડીને કોઇ  ચોરને પકડવો,   ઉંચી  જગ્યા પરથી   કૂદકો   મારવો,   અસામાજિક  તત્વને બરાબર ઠમઠોરવો) કર્યાં છે. 

મૂળ નવી દિલ્હીના પંજાબી પરિવારમાં જન્મેલી સોનાક્ષી બત્રા ખુશી વ્યક્ત કરતાં કહે છે, ખરું કહું તો મેં મારી અભિનય કારકિર્દીમાં પહેલી જ વખત મારધાડ કરી છે. મારું જગધાત્રી પાત્ર બહુ વિશિષ્ટ છે અને તેના વિવિધ રંગ પણ છે. ફોડ પાડીને કહું તો મારુંપાત્ર ડયુઅલ પર્સનાલિટી ધરાવે છે. મને  શરૂઆતના  તબક્કે  એક્શન દ્રશ્યોના શૂટિંગ દરમિયાન  થોડું આશ્ચર્ય થયું હતું. થોડીક  ચિંતા  પણ હતી. જોકે મને મજેદાર અભિનેતા વિક્રાંત મેસીએ  બહુ ઉપયોગી સલાહ આપીને પ્રોત્સાહન આપ્યું હતું. વિક્રાંત મેસીની તે સલાહ મારા માટે બહુ ઉપયોગી નિવડી. મારો આત્મવિશ્વાસ વધ્યો.  

નવી દિલ્હીની હિન્દુ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સની અનુસ્નાતકની ઉચ્ચ ડિગ્રી મેળવનારી સોનાક્ષી બત્રા કહે છે, મેં એક્શન દ્રશ્યો માટે  વર્કશોપમાં પદ્ધતિસર તાલીમ લીધી. અમે   ત્યારબાદ થોડાંક એક્શન દ્રશ્યો કર્યાં પણ ખરાં.  મેં    સમય જતાં અમુક ખાસ પ્રકારની ટ્રીક પણ શીખી લીધી કારણે કે એક્શન દ્રશ્યો એટલે   ફક્ત કોઇ વ્યક્તિ સાથે મારામારી કરવી નહીં.  જુદી જુદી ઘણી ટ્રીક્સ હોય છે. એક ખાસ બાબત કહું તો  મેં હિન્દી ફિલ્મોની મજેદાર અભિનેત્રી રાની મુખરજીની સુપરહીટ ફિલ્મ મર્દાની(૨૦૧૪) જોઇ છે. સાથોસાથ પ્રિયંકા ચોપરાની ડોન, ક્રીશ-૩, મેરી કોમ વગેરે    સ્ટાઇલિશ એક્શન ફિલ્મો પણ જોઇ છે. રાની મુખરજી અને પ્રિયંકા ચોપરા આ બધી ફિલ્મોમાં જે સ્ટાઇલિશ કહી શકાય તેવાં એક્શન કરે છે તેનું એક કરતાં વધુ વખત ધ્યાનથી નિરીક્ષણ કર્યું. 

હા, એક્શન દ્રશ્યોના શૂટિંગ દરમિયાન સેટ પર ફાઇટ માસ્ટર્સ, મેડિકલ ટીમ સહિત અન્ય સહાયક ટીમના સભ્યો હાજર રહેતા. અમે  શૂટિંગ દરમિયાન બહુ વજનદાર ગનનો પણ ઉપયોગ કર્યો છે. આવી ભારે ભરખમ ગન લાંબા સમય સુધી હાથમાં પકડી રાખવાથી હથેળી  પર અને આંગળીઓ પર જબરું દબાણ આવે. પરિણામે મારા હાથમાં બહુ પીડા થતી.  ગમે તે કહો, મને  જગધાત્રી ટીવી સિરિયલ દ્વારા ઘણું ઘણું શીખવા -જાણવા મળ્યું છે.

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સિનિયર ડિપ્લોમા પણ મેળવનારી સોનાક્ષી બત્રા બહુ મહત્વનો મુદ્દો  રજૂ કરતાં કહે છે, હું  જગધાત્રી ટીવી સિરિયલમાં બે જુદાં જુદાં અને વિરોધાભાસી કહી શકાય તેવાં પાત્ર ભજવું છે. એક છે સીધી ,સાદી,  સંસ્કારી યુવતી, જે પોતાના પરિવારને સુખી કરવા ઇચ્છતી ભરપૂર પ્રેમાળ યુવતી. જ્યારે બીજી  પોલીસ ખાતાની બહાદુર અને પરાક્રમી ઓફિસર છે. 

ઇસ ઇશ્ક કા રબ રાખા,  નીમા ડેન્ઝોન્ગ્પા, ૧૪  ફેરે,  ઉડારિયાં વગેરે ટીવી સિરિયલોમાં વિવિધ પાત્રો ભજવીને અચ્છો અનુભવ મેળવનારી સોનાક્ષી બત્રા કહે છે, જગધાત્રી સિરિયલમાં એક્શન સાથોસાથ કોમેડી, ડ્રામા વગેરે રંગ પણ છે. એટલે કે  દર્શકોને હાસ્યરસનો અને નાટયાત્મક પ્રસંગોનો    પણ આનંદ મળશે. દર્શકો હળવાંફૂલ રહેશે. 

આજે  બોલીવુડમાં અને ટેલિવુડમાં  જબરી સ્પર્ધા છે. ફિલ્મને  અને ટીવી સિરિયલને દર્શકોનો આવકાર મળવો જરૂરી છે.નહીં  તો ફિલ્મ અને ટીવી સિરિયલ નિષ્ફળ ગણાય. કહેવાનો અર્થ એ છે કે ખરા નિર્ણાયક તો દર્શકો જ છે. અમે આ જ  મહત્વની બાબત ધ્યાનમાં રાખીને સિરિયલમાં હાસ્યરસ પણ રેલાવ્યો છે.