Get The App

થિયેટરોમાં અમુક ફિલ્મ દર્શકોની અણઘડ મોબાઇલ રીતભાત મનોરંજનની મોજ બગાડે છે

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
થિયેટરોમાં અમુક ફિલ્મ દર્શકોની અણઘડ મોબાઇલ રીતભાત મનોરંજનની મોજ બગાડે છે 1 - image

- મોટાં શહેરોમાં  દર્શકો મલ્ટીપ્લેક્સમાં મોંઘી ટિકિટ ખરીદીને પછી એવી રીતે વર્તે છે જાણે તેમણે આખું થિયેટર ખરીદી લીધું હોય. સહેજ વાંકું પડે તો તરત તેઓ સિનેમાના સ્ટાફને ગાળો ભાંડવા માંડે છે.

- તેઓ પહેલાં પડદા પરનો સીન શૂટ કરે અને પછી તે જોઇ રડતાં દર્શકોને પણ શૂટ કરે. આવી રીલ્સ ઓનલાઇન મુકવાનું ચલણ ખૂબ વધ્યું છે. 

- સિનેમાગૃહમાં સ્માર્ટફોન વડે શૂટ કરવાનું અને સેલ્ફી પાડી ઓનલાઇન રજૂ કરવાનું દૂષણ વધ્યું છેે 

- ઘણા અણઘડ લોકો ચાલુ ફિલ્મે મોબાઇલ ફોન વાપરી બીજા દર્શકોને ખલેલ પાડે છે 

જ્યારે જ્યારે પરિવર્તનનો પવન ફૂંકાય ત્યારે ઘણીવાર કંચનની સાથે કથીરની મિલાવટ પણ થઇ જાય છે. મોબાઇલ ફોનના આગમન સાથે સ્ક્રિન સાથે લોકોનો ઘરોબો વધવાને પગલેે સિનેમાગૃહના સ્ક્રિનની આભામાં ઘટાડો થયો છે. ઘણીવાર અણઘડ  અને રીતભાતનું ભાન ન ધરાવતાં દર્શકો ચાલુ ફિલ્મે ધરાર ફોન વાપરી તેમની બેવકૂફીનું પ્રદર્શન કરે છે. જેને કારણે સિનેમાની મોજ માણવા ગયેલો દર્શક ઘણીવાર આવા અણઘડ દર્શકોને કારણે નિરાશ થઇ જાય છે. આવા દર્શકોને કારણે ફિલ્મ જોવાની મોજ મારી જાય છે. દર્શકો દ્વારા ફિલ્મમાં સંવાદોને તાળીઓ પાડી વધાવી લેવામાં આવે કે કોઇ હીરો કે હિરોઇનની અન્ટ્રી પર સીટીઓ વાગે તે સિનેમાગૃહમાં ફિલ્મ જોવાની મજાનો હિસ્સો છે. પણ મોટાં શહેરોમાં  દર્શકો મલ્ટીપ્લેક્સમાં મોંઘી ટિકિટ ખરીદતાં હોઇ તેઓ એવી રીતે વર્તે છે જાણે તેમણે થિયેટર ખરીદી લીધું હોય. તેઓ સહેજ વાંકું પડે તો તરત જ સિનેમાનાસ્ટાફને ગાળો ભાંડવા માંડે છે. પણ ઘેલાં દર્શકોની ઘેલછાઓ હવે એ હદે વધવા માંડી છે કે સિનેમાગૃહોમાં સિક્યુરિટી સ્ટાફ રાખવા પડે છે. 

૨૦૨૩માં સલમાનખાનની ફિલ્મ મહારાષ્ટ્રના માલેગાંવ શહેરમાં રજૂ થઇ ત્યારે ટાઇગર થ્રીને વધાવવા માટે સલમાનખાનના ચાહકોએ સિનેમાગૃહમાં ફટાકડાં ફોડયા હતા. જેને કારણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો વારો આવ્યો હતો. સિનેમાગૃહમાં ફટાકડાં ફોડવાથી ધૂમાડો થાય અને તે બહાર જાય તેવી કોઇ વ્યવસ્થા ન હોવાથી એસી સિનેમાગૃહમાં શ્વાસ લેવામાં  દર્શકોની હાલત કફોડી થઇ જાય તેની તોફાની દર્શકોને પરવા હોતી નથી.  બેન્ગાલુરૂના એક સિનેમાઘરના કર્મચારીએ ફરિયાદના સૂરમાં જણાવ્યું હતું કે લોકો હવે જાણે તેમના ઘરના ડ્રોઇંગરૂમમાં બેઠાં હોય તેમ વર્તે છે. સિનેમાઘર અને ઘરમાં ફરક એ હોય છે કે ઘરમાં તમે અને તમારો પરિવાર જ હોય છે જ્યારે સિનેમાઘરમાં અન્ય બસો જણાં તેમની ગમતી ફિલ્મ જોવા તમારી જેમ નાણાં ખર્ચીને આવ્યા હોય છે. ઘણાં લોકોને વળી વાત કર્યા વિના ચેન પડતું  નથી. તેમના માટે ત્રણ કલાક મોં બંધ રાખવાનું શક્ય હોતું નથી. તેઓ કારણ વિના કોમેન્ટ્સ કરી દર્શકોની મજા બગાડી નાંખતા હોય છે. 

હવે સિનેમાઘરમાં ફિલ્મ જોવાનો અનુભવ ધીમે ધીમે બદલાઇ રહ્યો છે. હવે તો ફિલ્મનું ગીત વાઇરલ થયેલું હોય અને તે આવે ત્યારે દર્શકો હાથમાં મોબાઇલ લઇ ફલેશ ઓન કરી ફોટા પાડે કે વિડિયો શૂટ કરવા માંડે તે સામાન્ય ગણાવા માંડયું છે. આજ કાલ ધુરંધર ફિલ્મમાં શેર-એ-બલોચ ગીત આવે કે તરત જ દર્શકોના હાથ મોબાઇલ સાથે ઉંચા થઇ જાય છે. તાજેતરમાંઆવેલી ફિલ્મ ૧૨૦ બહાદુરના પ્રિવ્યુ શોમાં દર્શકો ફોટા પાડી વાઇરલ ન કરે તે માટે બાઉન્સર્સ રાખવામાં આવ્યા હતા. હવે પ્રિવ્યુ શોમાં બાઉન્સર્સના કહેવાથી પણ દર્શકો અટકતાં ન હોય તો સામાન્ય શોમાં તો દર્શકોને કાબૂમાં રાખવાનું અશક્ય બની રહે છે. આખે આખી લાઇન ઉભી થઇ જાય અને હાથ વડે  લવસાઇન કરતી હોય તો કેટલાંને અટકાવવા તે સવાલ હોય છે. પાછાં તેઓ મોજમાં આવી ડાન્સ પણ કરવા માંડે છે. આમાં બીજા દર્શકોની હાલત કેવી થાય તેની કલ્પના જ કરવી રહી. તાજેતરમાં આવેલી સૈયારા ફિલ્મમાં વળી અલગ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ફિલ્મમાં પ્રેમીઓની કરૂણ હાલત જોઇ દર્શકો રડવા માંડે એટલે લોકો આ રડતાં લોકોના વિડિયો શૂટ કરી ઓનલાઇન મુકવા માંડયા હતા. સીન અને રિએક્શન શોટ લઇ ઓનલાઇન મુકવાનું ચલણ અમુક વર્ગમાં ખૂબ ચાલ્યું છે. તેઓ પહેલાં પડદાં પરનો સીન શૂટ કરે અને પછી તે જોઇ રડતાં દર્શકોને પણ શૂટ કરે. આવા વિડિયો જોવાનું કોને ગમે તે એક મોટો સવાલ છે. પણ ડિજિટલ જન્કની સમસ્યા વકરી ચૂકી હોઇ ગમે તે પ્રકારના વિડિયો ઓનલાઇન મુકી જાત જાતના ચાળાં કરવાનું દૂષણ વધતું જ ચાલ્યું છે. 

આજકાલ ધુરંધર ફિલ્મનો ક્રેઝ ચાલી રહ્યો છે. તેમાં પણ ગુરગાંવના એક થિયેટરમાં તો એક દર્શકે હદ વટાવી નાંખી હતી. ફિલ્મનો હીરો રણવીર સિગારેટ પેટાવે એટલે દર્શક મહાશય પણ સિનેમાગૃહમાં તેની સ્ટાઇલમાં સિગારેટ પેટાવે. આખરે સુરક્ષા કર્મચારીએ એ ધુરંધરને બળતી ે સિગારેટ સાથે પકડી બહાર લઇ ગયા અને તેમને તેમની હરકતને કારણે કેટલાંના જીવને જોખમમાં આવી પડ્યા તેનું બોધિજ્ઞાાન આપ્યું. 

એક જમાનામાં સંતોષી માતાની આરતી આવે એટલે ભાવુક મહિલાઓ સિનેમાગૃહમાં રડી પડી સાથે સાથે આરતી ગાતી. તો બીજો એક વર્ગ વળી તેના માનીતાં હીરોના ડાયલોગ આવે કે દસ અને વીસ પૈસાના એલ્યુમિનિયમના સિક્કાનો વરસાદ સિનેમાઘરમાં વરસાવતો. આજે મલ્ટીપ્લેક્સમાં શૂરા દર્શકો ધાણીના ડબ્બા ખરીદી તેમનું પ્રિય ગીત આવે એટલે તેને કોન્ફેટીની જેમ દર્શકો પર ફેંંકી મોજથી ગીતના તાલે ઝુમવા માંડે છે. ફરક એટલો પડયો છે કે પહેલાં સિનેમાગૃહના સફાઇ કર્મચારીઓને ફિલ્મ શોના અંતે પરચૂરણ મળતું હવે ફૂટેલી ધાણીનો એઠવાડ સાફ કરવો પડે છે.

જય સિનેમા,જય સ્માર્ટ ફોન !