- આલિયા ભટ્ટ તુમ્બડનું સૌથી મોટું આશ્ચર્ય બની રહેશે નવાઝુદ્દીન સિદ્દિકી અને સોહમ શાહની દોસ્તી-યારી તો વર્ષો જુની છે
૨૦૧૮માં આવેલી તુમ્બડ ફિલ્મે ઘણાં ફિલ્મ રસિકોનું ધ્યાન આકર્ષ્યુ હતું. ભય, દંતકથા, લોકકથા અને સામાજિક સમસ્યા પર પ્રકાશ ફેંકવાની કુનેહના મિશ્રણ સમાન ફિલ્મ બનાવનારા સોહમ શાહ એ સમયે બહું જાણીતાં નહોતાં. પણ આ ફિલ્મની સફળતાને પગલે સોહમ શાહએક અલગ પ્રકારની ફિલ્મ બનાવનારી હસ્તી છે તેમ લોકો માનવા માંડયા હતા. રસપ્રદ બાબત એ છે કે જેમ જેમ વર્ષો વીતતાં ગયા તેમ તેમ ફિલ્મની લોકપ્રિયતામાં સતત વધારો થતો રહ્યો છે. ફિલ્મના ચાહકોની વધતી જતી સંખ્યા જોઇ ફિલ્મને ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪માં થિયેટર્સમાં ફરી રજૂ કરવામાં આવી હતી. તેમાં પણ તુમ્બડને સૌથી વધુ કમાણી થઇ હતી. આજના જમાનામાં જ્યારે સ્થાપિત ફિલ્મ સ્ટાર્સ તેમની ફિલ્મને પહેલીવાર થિયેટર્સમાં રજૂ કરવાને બદલે સીધી ઓટીટી પર રજૂ કરવા માંડયા છે ત્યારે તુમ્બડની રિ-રિલિઝની સફળતાને વધાવવી રહી.
તુમ્બડ પહેલીવાર રિલિઝ થઇ ત્યારે તેને ૧૬.૪૮ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. કમાલની વાત એ છે કે ફિલ્મને ૨૦૨૪માં ફરી રજૂ કરવામાં આવી ત્યારે તેને દસ દિવસમાં ૨૬.૫ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. આમ, ફિલ્મને ફરી થિયેટર્સમાં રજૂ કરવાનો જુગાર સફળ રહ્યો હતો. ફિલ્મની રિ-રિલિઝમાં થયેલી કમાણી અને પહેલીવારની કમાણીના આંકડા મિલાવતાં ફિલ્મને કુલ ૩૮ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. માત્ર પંદર કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલીવારની રિલિઝમાં તો માંડ ખર્ચ કાઢ્યો હતો પણ રિ-રિલિઝમાં જંગી કમાણી થતાં ફિલ્મ હીટ બની અને એ જ સમયે સોહમ શાહે તુમ્બડ ટુની જાહેરાત કરી હતી.
હવે તુમ્બડ ટુ ત્રણ ડિસેમ્બર ૨૦૨૭માં સિનેમાગૃહોમાં રજૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તુમ્બડમાં સોહમ શાહે વિનાયક રાવની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે સોહમ શાહે તેનું વજન પંદર કિલો વધારીને પોતાની પ્રતિબદ્ધતા દાખવી હતી. એટલું જ નહીં પાત્રની આંખોની એકસમાનતા જાળવવા માટે ફિલ્મનું શૂટિંગ સો કરતાં વધારે દિવસો ચાલ્યું એ દરમ્યાન પણ સોહમ શાહે સતત તેની આંખમાં ખાસ લેન્સ પહેરી રાખ્યા હતા. પ્રથમ તુમ્બડ ફિલ્મને રાહી અનિલ બર્વેએ દિગ્દર્શિત કરી હતી.જ્યારે આદેશ પ્રસાદ પ્રથમ તુમ્બડનો સહ નિર્દેશક, સહ લેખક અને સહનિર્માતા હતો. તુમ્બડ ટુનું નિર્દેશન સ્વતંત્રપણે આદેશ પ્રસાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
હવે તુમ્બડ ટુમાં નવાઝુદ્દીન સિદ્દિકી હીરો છે. હિરોઇન મલયાલમ ફિલ્મોની નિમિષા સજયન છે. રસપ્રદ બાબત એ છે કે પ્રથમ તુમ્બડમાં પણ નવાઝુદ્દીન સિદ્દિકીને લેવાનું નક્કી થયું હતું.નવાઝુદ્દીન અને સોહમ શાહ ૨૦૦૯થી એકમેકને સારી રીતે ઓળખે છે.એ સમયે સોહમ શાહને કોઇ ઓળખતું નહોતું ત્યારે તેની બાબર ફિલ્મ આવી હતી. એ સમયે બંનેની ઓળખાણ થઇ હતી અને એ સમયે સોહમ શાહને નવું નવું જાણવાની ઉત્કંઠા રહેતી હતી. આજે પણ તેનામાં એ કુતૂહલ જળવાઇ રહ્યું છે એમ નવાઝુદ્દીન કહે છે. સૌ પ્રથમ ૨૦૦૮માં પહેલીવાર તુમ્બડ બનાવવાનું નક્કી થયું ત્યારે તેમાં નવાઝુદ્દીન હીરો હતો પણ નિર્માતાઓ પાણીમાં બેસી જતાં ફિલ્મને અભેરાઇ પર ચઢાવી દેવામાં આવી હતી. એ પછી સોહમ શાહ અને આનંદ ગાંધીએ ૨૦૧૨માં હાથ મિલાવ્યા અને તુમ્બડનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તુમ્બડનું શૂટિંગ ૨૦૧૨ અને ૨૦૧૫ દરમ્યાન ચાર શૂટિંગ શેડયુઅલમાં ૧૦૦થી ૧૨૦ દિવસમાં પુરૂ કરવામાં આવ્યું હતું. એ પછી ફિલ્મને રી શૂટ કરી આખરે મે ૨૦૧૫માં તેને કમ્પલીટ કરવામાં આવી હતી. ફિલ્મને સૌ પ્રથમ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં સપ્ટેમ્બર ૨૦૧૮માં રજૂ કરવામાં આવી હતી. રસપ્રદ બાબત એ છે કે આ ફિલ્મના નિર્માણમાં સ્વિડનની એક કંપની ફિલ્મ આઇ વસ્ત પણ સામેલ હતી. ફિલ્મનું સંગીત જેસ્પર કીડ જેકબસનનું હતું. જેસ્પર ડેનિશ કમ્પોઝર અને સાઉન્ડ ડિઝાઇનર છે. ફિલ્મની પાંચ પ્રોડકશન કંપનીઓમાંની એક આનંદ એલ. રાયની ફિલ્મ કંપની કલર યલો પ્રોડકશન્સ પણ હતી. આનંદ રાયે ઓક્ટોબર ૨૦૧૮ના પહેલાં અઠવાડિયામાં તેનું ખાસ સ્ક્રિનિંગ રાખ્યું હતું. એ પછી બાર ઓક્ટોબર ૨૦૧૮ના રોજ તેને ૫૭૫ સ્ક્રિન પર રજૂ કરવામાં આવી હતી. વિવેચકોએ ફિલ્મના વખાણ કર્યા પણ દર્શકોને મોજ ન પડી અને ફિલ્મને પૂરતી સંખ્યામાં દર્શકો ન મળતાં ફિલ્મ બોકસ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.
હાલ તુમ્બડ ટુ માટે મુંબઇમાં સાતથી આઠ એકર જમીન પર એક શહેરનો સેટ બનાવવામાં આવી રહ્યો છે. ફિલ્મમેકર્સ ૨૦૦ દિવસ એકધારૂ શૂટિંગ કરીઆ ફિલ્મને સમયસર રજૂ કરવાનું આયોજન કરી રહ્યા છે. તુમ્બડ ટુનું નિર્માણ સોહમ શાહ તેમના પ્રોડકશન બેનર સોહમ શાહ ફિલ્મ્સ હેઠળ કરી રહ્યા છે તેમની સાથે પેન સ્ટુડિયોના પીઢ નિર્માતા જયંતિલાલ ગડા પણ પ્રેઝન્ટર તરીકે જોડાયા છે. તુમ્બડ ટુમાં આલિયા ભટ્ટની પણ મહત્વની ભૂમિકા છે. આલિયા ભટ્ટે તેના વ્યસ્ત શેડયુલમાંથી પંદર દિવસ સતત ફાળવી પોતાની ભૂમિકાનું શૂટિંગ મે મહિનામાં પુરૂ કરી લીધું હોવાનું મનાય છે. કાનાફૂસી અનુસાર તો આલિયાએ આ ભૂમિકા તુમ્બડ થ્રીમાં મુખ્ય હિરોઇન બનવા મળે એટલા માટે કરી હોવાનું મનાય છે. મોટા મોટા સ્ટુડિયોના વિવિધ યુનિવર્સ વચ્ચે પણ સોહમ શાહે પોતાનું તુમ્બડ યુનિવર્સ માત્ર પોતાની ફિલ્મકળાના જોરે બનાવવાનો નિર્ધાર કર્યો છે એ મોટી વાત છે.


