Get The App

સોહેલ ખાને એક્સ-વાઈફ સીમા વિશે કરી મજાની વાતો

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
સોહેલ ખાને એક્સ-વાઈફ સીમા વિશે કરી મજાની વાતો 1 - image


- 'હું સીમા ભેગો 24 વરસ રહ્યો. એ બહુ સરસ વ્યક્તિ છે. કમનસીબે અમારી વચ્ચે અમુક બાબતોમાં મેળ ન પડયો. છતાં અમારી વચ્ચેનું સમીકરણ બદલાયું નથી. એ એક આદર્શ મધર છે.' 

વડલાની વિશાળ હાજરીને કારણે એની આસપાસ ઊભેલા નાના વૃક્ષો કે છોડની કોઈ નોંધ નથી લેવાતી. અદલ એવું જ સલમાન ખાનના બે નાના ભાઈઓ - અરબાઝ અને સોહેલ સાથે થયું છે. સલમાનના સ્ટારડમે બંનેને ઢાંકી દીધા છે. બાકી, અરબાઝ ખાન અને સોહેલ ખાનની પોતાની પર્સનાલિટી છે. ભૂતકાળમાં બંનેએ ખાસ કરીને ડિરેક્શનમાં પોતાની ટેલેન્ટ દેખાડી છે. સલીમ ખાનના સૌથી નાના દીકરા સોહેલની વાત કરીએ તો એણે 'ઓઝાર', 'પ્યાર કિયા તો ડરના ક્યા' (સલમાન-કાજોલ), 'હેલ્લો બ્રધર' (સલમાન-અરબાઝ- રાની મુખરજી) અને 'જય હો' (સલમાન) જેવી સારી અને સફળ મૂવીઝનું ડિરેક્શન કર્યું છે. પરંતુ એનો લુક અને બોડી-લેંગ્વેજ સલ્લુને બહુ મળતી આવતી હોવાથી એ એક્ટર તરીકે એ ચાલ્યો નહિ.

વરસોની ગુમનામી બાદ સોહેલ ખાન હમણાં ફરી ન્યુસમાં આવ્યો છે. એ 'માય પંજાબી નિકાહ' નામની ફિલ્મથી ડિરેક્ટર તરીકે કમબેક કરવાનો છે. ફિલ્મની જાહેરાત કરવા સોહેલે પસંદગીના પત્રકારોને આમંત્રણ આપી એમની સાથે થોડીક પર્સનલ અને પ્રોફેશનલ વાતો કરી. માય પંજાબી નિકાહ વિશે બ્રીફિંગ આપતા જુનિયર ખાન કહે છે, આય એમ ડાયરેક્ટિંગ અ મૂવી અગેન. મારા માટે એક મોટો એડવાન્ટેજ એ છે કે મેં પ્રોડક્શન અને ડિરેક્શનથી કરિયર શરૂ કરી છે. સંજય દત્ત અને આયુષ શર્મા સ્ટારર મારી નવી ફિલ્મનું કામ હું નવેંબરથી શરૂ કરીશ. હવે તમે મને પૂછશો કે ફિલ્મમાં સલમાન કેમિયો કરશે કે નહિ. બધા આ જ અપેક્ષા રાખે છે, પરંતુ આ ફિલ્મમાં અત્યાર સુધી સ્ક્રીપ્ટ લેવલ પર ભાઈ નથી.

સોહેલ આ વરસના આરંભે તેલુગુ ફિલ્મ 'અર્જુન, સન ઓફ વૈયજંતિ'માં જોવા મળ્યો હતો. જ્યારે 'દબંગ ૩'માં એણે કેમિયો કર્યાને પણ છ વરસ થઈ ગયા. એ જોતા મીડિયામાંથી એને વાજબી રીતે જ પૂછાય છે કે એક્ટર તરીકે લાંબા અવકાશનું શું કારણ છે? જવાબમાં સોહેલ કહે છે, 'મને જે રોલ્સ ઓફર થતા હતા એનાથી હું ખુશ નહોતો. સાઉથમાં મને એક ફિલ્મ મળી પરંતુ એને પણ ખાસ રિસ્પોન્સ ન મળ્યો. છતાં સારું કામ ન મળવા બદલ મનમાં કોઈ કડવાશ નથી. લાઈફમાં હું કદી નાસીપાસ નથી થયો. આ લાઈફ છે, અહીં દરેક વ્યક્તિ પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. બધાને શોલે બનાવવી હોય છે, પણ દર વખતે એવું થતું નથી. મને તો એ વાતની ખુશી છે કે આજે હું મને ગમે એ કામ પસંદ કરવાની પોજિશનમાં છું. 

લોકો અવારનવાર કોઈ એક્ટર વિશે એવી કમેન્ટ કરે છે કે આ માણસ આવું ફાલતું કામ શા માટે કરે છે? થેન્ક ગોડ, એટ લિસ્ટ હું એ પોજિશનમાં નથી. ફાયનાન્શિયલી સાઉન્ડ છું એટલે મારે જે મળે એ કામ કરવાની જરૂર નથી. એટલે સારું કામ મળશે ત્યારે કરીશ. કોઈ ઉતાવળ નથી.'

અરબાઝ અને સોહેલની લાઈફ એક વાત કોમન છે. બંનેએ લાંબો દાંપત્યજીવન બાદ છુટાછેડા લેવાના આવ્યા. સોહેલે ૨૦૨૨માં પોતાની વાઈફ સીમા સજદેહ સાથે ડિવોર્સ લીધા. એ વિશે ખુલા દિલે વાત કરતા ખાન કહે છે, 'હું સીમા ભેગો ૨૪ વરસ રહ્યો. એ બહુ સરસ વ્યક્તિ છે. પરંતુ કમનસીબે અમારી વચ્ચે અમુક બાબતોમાં મેળ ન પડયો. છતાં અમારી વચ્ચેનું ઇકવેશન સમીકરણ બદલાયું નથી. એ એક આદર્શ મધર છે. અમે છુટા પડયા એનો અર્થ એવો નથી કે અમારી વચ્ચે કોઈ પ્રકારનો રાગદ્વેષ છે. સીમા અને મેં સાથે મળીને એવો નિર્મય કર્યો છે કે વરસમાં એકવાર આપણે બાળકોને લઈને ફેમિલી હોલીડે પર જઈશું.'

૫૫ વરસનો સોહેલ બે પુત્રોનો ડેડી છે. એનો મોટો દીકરો નિર્વાણ ૨૪ વરસનો અને નાનો યોહાન ૧૩ વરસનો છે. પત્રકારોની પૃચ્છા વગર પોતાનો ફાધરહુડ (પિતૃત્વ) નો અનુભવ શેર કરતા એક્ટર-ડિરેક્ટર સમાપનમાં કહે છે, 'મને મારા સંતાનોને ગાઈડ કરવાની સાથોસાથ એમની પાસેથી શીખવા પણ મળ્યું છે. તમે બાળકો પાસેથી ઘણું બધુ શીખી શકો છો. ૪૦ વરસની ઉંમર પછી આપણે ધીમા પડતા જઈએ છીએ અને સંતાનો સ્પીડ પકડતા જાય છે. એટલે તમારે એમની સાથે કદમ મિલાવવા પ્રયાસ કરવાના આવે છે. 

હું નસીબદાર છું કે મને આવા સરસ બે પુત્રો મળ્યા. તેઓ બધા પ્રત્યે આદર-ભાવ રાખે છે. અમારું ફેમિલી બહુ મોટું છે અને એમાં તેઓ સચવાઈ જાય છે.'

Tags :