સ્મૃતિનો સ્ટ્રોંગ મિજાજ : તુલસીએ મારું નહિં, મેં એનું ઘડતર કર્યું છે
- 'મારી લાગણીઓની શક્ય તેટલા નજીક રહીને મેં તુલસીનો રોલ કર્યો, પરંતુ એક ચોખવટ કરી દઉં કે તુલસીએ સ્મૃતિ પર પ્રભાવ નથી પાડયો, પણ સ્મૃતિએ તુલસી પર પોતાની અસર છોડી હતી'
રાજકારણ અને સત્તાકારણમાં સ્મૃતિ ઈરાની જેટલી સફળતા બોલીવૂડનો કોઈ એક્ટર આજ સુધી મેળવી નથી શક્યો. સુનીલ દત્ત, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના અને શત્રુઘ્ન સિંહા પોલિટિક્સમાં ઝંપલાવ્યા બાદ સંસદ સુધીની જ દોડ લગાવી શક્યા છે જ્યારે સ્મૃતિ ઈરાની બબે વાર લોકસભામાં ચૂંટાઈ નરેન્દ્ર મોદીની સરકારમાં પહેલા શિક્ષણ મંત્રી અને પછી માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન બન્યા. હવે આ તેજતર્રાર માનુની ટીવી ઇન્ડસ્ટ્રીમાં પાછા ફર્યા છે. તેઓ એકતા કપૂરની સુપર હીટ સીરિયલ 'ક્યોં કિ સાસ ભી કભી બહુ થી'માં ફરી તુલસીનું પાત્ર ભજવી રહ્યા છે. અત્રે યાદ અપાવવું ઘટે કે સ્મૃતિને તુલસીના રોલે જ અભૂતપૂર્વ લોકપ્રિયતા અપાવી હતી અને તેઓ ઘરઘરમાં જાણીતા થયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો આદર્શ ભારતીય નારી તુલસીએ જ એમના પોલિટિક્સમાં પ્રવેશ માટેનો તખતો તૈયાર કરી દીધો હતો.
ખેરા શ્રીમતી ઈરાનીએ ત્રીજી જુલાઈથી ડેઈલી સોપ 'ક્યોં કિ...'નું શુટિંગ શરૂ કરી દીધું છે. બે દાયકા બાદ ફરી તુલસી વિરાણીના અવતારમાં પાછા ફરવા વિશે સ્મૃતિએ સિલેકટેડ મીડિયા સાથે ઇન્ટરએક્શન કરી આગવા ઠસ્સાથી પોતાની કેફિયત આપી હતી. સૌપ્રથમ તુલસીના પાત્રએ પોતાના પર કેવો પ્રભાવ પાડયો છે એ વિશે વાત કરતા તેઓ કહે છે, 'મારી લાગણીઓની શક્ય તેટલા નજીક રહીને મેં તુલસીનો રોલ કર્યો, પરંતુ એક ચોખવટ કરી દઉં કે તુલસીએ સ્મૃતિ પર પ્રભાવ નથી પાડયો, પણ સ્મૃતિએ તુલસી પર પોતાની અસર છોડી હતી. મને પહેલેથી ખ્યાલ હતો કે હું એક ફિક્શનલ (કાલ્પનિક) કેરેક્ટર ભજવી રહી છું એટલે એ પાત્ર લોકોને પોતીકુ લાગે એ માટેનો એક માત્ર માર્ગ એને હું રિયલમાં જેવી છું એની શક્ય એટલી નજીક લઈ જવાનો હતો. લોકોને એવું ન લાગવું જોઈએ કે તમે સીરિયલમાં છો એના કરતા અંગત જીવનમાં સાવ જુદા છો. દર્શકોને એવું લાગે તો તેઓ નિરાશ થઈ જાય. મેં એકતા સાથે શોની શરૂઆતમાં જ આ સંદર્ભમાં ચર્ચા કરી લીધી હતી.'
મિસિસ ઈરાનીને પોતાના રોલ વિશે આટલા ઊંડાણથી બોલતા સાંભળી મીડિયા એમને એવું પૂછવાની લાલચ ખાળળી નથી શકતું કે શું તમે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવા તૈયાર છો? એવા વિચારને હસતા મોઢે ઉડાડી દેતા સ્મૃતિ કહે છે, 'આજે હું એક પોલિટિશ્યન તરીકે ટીવીમાં કામ કરી રહી છું. પોલિટિક્સ મને ન આપ્યું હોય એવું ઓફર કરવા માટે ટેલિવિઝન પાસે કશું નથી.' મીડિયાની ત્યાર પછીની પૃચ્છા, 'મેડમ, આટલા લાંબા બ્રેક બાદ ફરી કેમેરા સામે આવતી વખતે શું તમે નર્વસ થઈ ગયા હતા?' સ્મૃતિ એનો ફટાકથી જવાબ આપે છે, 'સાહેબ, કેમેરા તો શું હું આજસુધી કોઈ સામે નર્વસ થઈ નથી. મને એ નથી સમજાતું કે લોકોએ શા માટે એવું ધારી લીધું કે હું શોમાં હવે જુદી દેખાઈશ. કદાચ એટલા માટે કે ૧૬ વરસ સુધી એમણે મને જુદા રૂપમાં જોઈ છે. ૨૦૦૩માં મેં મારી રાજકીય યાત્રા શરૂ કરી ત્યારે પણ હું તુલસીનો રોલ કરતી હતી. મને હવે બંને ફિલ્ડ મેનેજ કરવાનો ૨૨ વરસનો બહોળો અનુભવ છે.'
તો પછી એક્ટિંગને શા માટે કોરાણે મૂકી દીધી. એવા સવાલનો વર્કસંગત જવાબ આપતા એક્ટર-પોલિટિશિયન કહે છે, 'બધાએ એ યાદ રાખવું જોઈએ કે બબ્બે વાર કેન્દ્રમાં મિનિસ્ટર બનનાર હું ઇન્ડસ્ટ્રીની પહેલી વ્યક્તિ હતી. પ્રધાનપદુ એક બંધારણીય હોદ્દો છે જેમાં તમારે ૨૪ કલાક (અઠવાડિયું) કામ કરવું પડે છે. હું મારી સંસદીય અને બંધારણીય ફરજ ભૂલાવીને એમાં ન કહી શકું કે મારે હવે શુટિંગ માટે જવું પડશે. એવું કરું તો એ સંસદ અને બંધારણ પ્રત્યેનો મારો અનાદર ગણાય.'
સમાપનમાં એવો અંગત સવાલ પૂછાયો કે 'મેડમ, તમને સાડી પહેરીને ફરી એક સશક્ત નારીના પાત્રમાં પાછા ફરતા કેવું લાગે છે?' સ્મૃતિ ઈરાની પાસે એનો ઓફ્ફ બિટ ઉત્તર છે, 'મારી પ્રોફેશનલ લાઈફ કદી મારા લુક (દેખાવ)ની મોહતાજ નથી રહી. ક્યોંકિ સીરિયલ અને તુલસીના પાત્રને સકસેસ એટલા માટે મળી કે અમે એના ઇમોશનલ પાસા પર વધુ ફોકસ કર્યું હતું. એનીવે, મારા લુક, વસ્ત્રો અને મેકઅપ કરતા મારે મન એવા લોકો વચ્ચે પાછા ફરવાનું વધુ મહત્ત્વ હતું, જેમની સાથે મેં વરસો કામ કર્યું હતું. એમની વચ્ચે પાછા ફરીને થયું કે હું શો છોડીને ક્યારેય ગઈ જ નથી.'