- દાસ્તાન-એ-સિનેમા
- મીરા નાયરને 'પિક્સોટે' નામની બ્રાઝિલિયન ફિલ્મ પરથી 'સલામ બોમ્બે!' બનાવવાની પ્રેરણા મળી હતી. શૂટિંગના પહેલા દિવસે જ સમાચાર આવ્યા કે, 'પિક્સોટે 'ના બાળ કલાકારની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટના બાદ મીરા નાયરનો 'સલામ બોમ્બે!' બનાવવાનો ઈરાદો વધુ મક્કમ બન્યો...
ભગવાનને જોવા હોય તો ક્યાં જોવા મળે? સાધુ, મહાત્માને તો દર્શન થઈ જતા હશે પરંતુ, મારા-તમારા જેવા લોકો માટે તે કોઈપણ બાળકની આંખોમાં જોવા મળે. આ બાળક એટલે એવું નહીં કે, સારામાં સારા કપડાં પહેરાવીને તૈયાર કરેલાં રિચ-ક્યુટ કિડ. ટ્રાફિક સિગ્નલ પર જે હાથ લાંબો કરીને ભીખ માંગે છે એ બાળકની આંખમાં પણ ભગવાનનો વાસ તો ખરો જ. કારણ કે, ભેદભાવ મારી-તમારી આંખો હોય શકે પણ સૃષ્ટિનું સર્જન કરનારની આંખોમાં નહીં. આ બાળકોના હાથ પણ બૂટ-પોલિશ કરવા માટે નહોતા સર્જાયા, એ તો ભવિષ્યનું ઘડતર કરવા માટે સર્જાયા હતા. તેમની આંખો કચરામાંથી કાગળ અને પ્લાસ્ટિકને અલગ કરવા માટે નહોતી સર્જાઈ એમાં પણ સપનાઓ હતા અને છે. ભેદભાવ તો આપણે કર્યો. એ ભૂલીને કે તેને આપણા ખીસ્સામાં ભાર વધારતી ચિલ્લર પકડાવીને સારું તો ફીલ કરી લીધું પણ, તેમનું શું? તેમના ભવિષ્યનું શું? શું આપણે તેમના માટે સાચા અર્થમાં કામ કરીએ છીએ? આ પ્રકારના જ અનેક સવાલો જો કોઈ ફિલ્મે ઉઠાવ્યા હોય તો તે છે, 'સલામ બોમ્બે!'
કોઈ સામાન્ય દિગ્દર્શક હોય તો દેશની આર્થિક રાજધાનીને આજુબાજુ ફરતી ફિલ્મ બનાવવા માટે કોઈ અલગ વિષય લે. એ તો ખરુ ને કે, કડવી વાસ્તવિકતાના ઘૂંટ પીવડાવવા કોણ તૈયાર થાય? ન્યૂ યોર્કના મેયર ઈલેક્ટ ઝોહરાન મમદાનીની માતા મીરા નાયર તેમાંના એક નહીં. ડેબ્યુ ફિલ્મ અને તેમાં પણ એવા વિષયની પસંદગી કે જે ઘણાને ખૂંચે. આટલી બધી પોઝિટિવીટી છે તો આ નેગેટિવીટી શું કામ? તમારે તો ગરીબી જ બતાવી છે, જાહોજલાલી નહીં? આવા અનેક પ્રશ્નો હોવા છતાં મીરા નાયરે ૧૯૮૮માં પહેલી-વહેલી ફિલ્મમાં જ સમાજને દર્પણ બતાવવાનું સાહસિક કામ કર્યું. કદાચ એટલે જ, 'સલામ બોમ્બે!' ઓસ્કારની રેસમાં પહોંચનારી ભારતની બીજી ફિલ્મ બની. ઓસ્કાર ના સહી, દિલ જીતી.
બોલિવુડનું સૌથી મોટું શેરી નાટક
રસ્તા, સ્કૂલ-કોલેજના ગ્રાઉન્ડ, ફેક્ટરીના ગેટ, બસ સ્ટેન્ડ પર લોકોને સ્પર્શતા મુદ્દાઓ રજૂ કરવાનો શ્રેય શેરી નાટકોને જાય છે. આ નાટકો બાળ મજૂરી, સ્ત્રી અધિકાર, સ્વચ્છતા, પર્યાવરણ, મતદાન, નશા વિરોધી અભિયાન જેવા મુદ્દાઓની તીખી અભિવ્યક્તિ સાથે સમાજમાં બદલાવ લાવવાનું કામ કરે છે. આઝાદીની લડાઈમાં પણ શેરી નાટકોએ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. શેરી નાટકને બોલિવુડ સુધી લાવવાનું કામ 'સલામ બોમ્બે!' થકી મીરા નાયરે કર્યું છે. સૂની તારાપોરવાલા સાથે મળીને તેમણે કૃષ્ણાની કહાણી સંભળાવી છે.
આ કૃષ્ણાની પણ અબજની વ્યથા. તે માતા-પિતા માટે તો કૃષ્ણા પણ આસપાસની દુનિયા માટે ચાની કીટલી પર કામ કરતો બાળક છે. જેને લોકો ચાયપાઉ કહીને બોલાવે છે. કીટલી પર કામ કરતા છોટુને દુનિયા કેવી રીતે જુએ છે? શું તેઓ તેના દર્દને મહેસૂસ કરે છે કે પછી તેના પ્રત્યે ઘૃણા વ્યક્ત કરે છે? શું તેનાં સપનાં હોય કે રોજ કમાવવા અને રોજ ખાવાની ઘરેડ? શું તેના મનમાં કોઈ વાતનો રંજ હોય છે? શું તેને પણ પ્રેમ થાય? પ્રેમ થાય તો કોની સાથે અને તે પછી મળે ખરો? શું તેનું મન ભટકી જાય છે અને ભટકે તો તેનું પરિણામ શું આવે? જેવા અનેક પ્રશ્નો પર ગહન ચિંતન બાદ બનાવવામાં આવેલું પાત્ર એટલે કૃષ્ણા. જેમ આપણે, મારું આ કામ થશે પછી હું આ કરીશ, કહીને જીવનની ખુશીઓને બેક સીટ પર ધકેલી દઈએ છીએ તેમ આ કૃષ્ણા માટે ૫૦૦ રુપિયાની કમાણી છે. કૃષ્ણા કહે છે કે, મારી પાસે ૫૦૦ આવશે તો હું ગામડે જઈશ નહીંતર નહીં. આ 'નહીંતર નહીં' કેવી રીતે તેના જીવનને નરક તરફ ધકેલે છે તેની દર્દનાક કહાણી એટલે 'સલામ બોમ્બે!'. ફિલ્મમાં કૃષ્ણા ઉર્ફે ચાયપાઉનો પ્રેમ એટલે સોલાહ સાલ. આ સિવાય ચિલમ, કીરા, બાબા, ચુંગલ, કોયલા એટલે તેની આસપાસના પાત્રો.
મીરા નાયરએ 'સલામ બોમ્બે!' માટે હેક્ટર બબેન્કોની બ્રાઝિલિયન મૂવી 'પિક્સોટે'થી પ્રેરણા લીધી હતી. શૂટિંગના પહેલા દિવસે જ સમાચાર આવ્યા કે, 'પિક્સોટે 'ના બાળ કલાકારની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ ઘટના બાદ 'સલામ બોમ્બે!' બનાવવાનો તેમનો ઈરાદો વધુ મક્કમ બન્યો હતો. ચાર ડોક્યુમેન્ટ્રી બનાવ્યા બાદ આ તેમની પહેલી ફિલ્મ હતી.
ઝૂંપડપટ્ટી, કમાઠીપુરા જેવા રિયલ લોકેશન
આ ફિલ્મ માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય વાસ્તવિકતા દર્શાવવાનો હતો. ફિલ્મના શૂટિંગ પહેલા ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીક ભાડે લીધેલા રૂમમાં ૧૩૦ જેટલા બાળકોની ટ્રેનિંગ રાખવામાં આવી. આ ગ્રુપમાંથી એક્ટિંગ, મ્યુઝિક અને ડાન્સની એડવાન્સ વર્કશોપ માટે ૨૪ બાળકોને પસંદ કરવામાં આવ્યા. જેમાંથી, થિયેટર ડિરેક્ટર બેરી જ્હોન અને ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટ દીનાઝ સ્ટાફોર્ડે એવા બાળકોને શોધવામાં મદદ કરી કે જેઓ તેમના પાત્રમાં એક્ટિંગની સાથે ભાવનાત્મક રીતે ફિટ બેસે.
કૃષ્ણાના રોલ માટે ચાલીમાં રહેતા શફીક સૈયદની પસંદગી કરવામાં આવી. શફીક આ ફિલ્મ પહેલા પેટ ભરવા માટે નાના-મોટા કામ કરતો હતો. આ સિવાય અન્ય બાળ કલાકારોની પરિવારની વ્યથાને ફિલ્મની સ્ક્રીપ્ટમાં ભેળવી દેવામાં આવી. આ રિયલ માણસોના રિયલ પેઈનને ફિલ્મના રિયલ લોકેશન વધુ રિયલ અને ધારદાર બનાવે છે. એશિયાના સૌથી જૂના અને સૌથી મોટા રેડ લાઈટ વિસ્તારોમાંના એક કમાઠીપુરાની સાંકડી ગલીઓ અને કુખ્યાત ફોકલેન્ડ રોડ પર ગોરિલા વોરની જેમ ગોરિલા શૂટિંગ કરવામાં આવ્યું હતું.
નાના પાટેકર પર હુમલો
ફિલ્મમાં ઝૂંપડપટ્ટીના બાળ કલાકારોને લીધા એટલે વાસ્તવિકતા જોવા મળી. પરંતુ, તેના કારણે શૂટિંગ દરમિયાન અફરાતફરી મચી ગઈ હતી. ફિલ્મના એક સીનમાં બાબાનો રોલ નીભાવી રહેલા નાના પાટેકર પર હુમલો થાય છે. આ સીન માટે તેમના પેટ પર ટાયર બાંધવામાં આવ્યું હતું. પરંતુ, બાળ કલાકારે ધારદાર ચપ્પાથી સાચેમાં જ હુમલો કરી દીધો હતો. ઘા એટલો ઊંડો હતો કે, શૂટિંગ રોકીને નાનાને હોસ્પિટલ લઈ જવા પડયા હતા.
સલામ બાલક ટ્રસ્ટ
મીરા નાયરે ગરીબ બાળકોને લઈને આ ફિલ્મ બનાવી ત્યારે તેમના ઉપર આક્ષેપો લાગ્યા કે, તેઓ બાળકોની ગરીબીનો ઉપયોગ કરી રહ્યાં છે. મીરા નાયરે આક્ષેપોનો જવાબ સલામ બાલક ટ્રસ્ટથી આપ્યો. ફિલ્મનું શૂટિંગ તો પૂર્ણ થઈ ગયું પરંતુ, આ સલામ બાલક ટ્રસ્ટે રેલવે સ્ટેશન પર કામ કરતા બાળકોના પુન:વસનનું કામ કર્યું હતું.
ઈરફાનનો માંડ બે મિનિટનો રોલ
આપણે સાંભળતા આવ્યા છીએ કે, કોઈપણ કામની શરૂઆત નાની જ હોય. જો આ વાત પર ભરોસો ન બેસતો હોય તો ફિલ્મમાં ઈરફાનનો રોલ જોઈ લેવો.
લેટર રાઈટરનો માંડ બે મિનિટનો રોલ કરનાર ઈરફાન ભારતીય સિનેમાનો એક ચમકતો તારલો બનશે તે કોઈએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય પણ આ રોલ સાથે ઈરફાને એક ડગલું માંડયું હતું. આપણે ઈરફાન પાસેથી શીખવું જ રહ્યું કે, નાની તો નાની શરૂઆત કરવી.
એવોર્ડ્ઝનો વરસાદ
'સલામ બોમ્બે!' ૧૯૮૯ના ઓસ્કર એવોર્ડ્ઝની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. આ એવોર્ડ તો ખેર બીજી કોઈ ફિલ્મ જીતી ગઈ, પણ પણ ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ હોવું તે સ્વયં એક મોટી સિદ્ધિ છે. 'સલામ બોમ્બે!'ને ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝમાં પણ આ જ શ્રેણીમાં નામાંકન મળ્યું હતું. દુનિયાભરના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં તે પ્રદર્શિત થઈ. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેણે ગોલ્ડન કેમેરા એવોર્ડ અને ઓડિયન્સ એવોર્ડ એમ બબ્બે પુરસ્કાર જીત્યા. 'સલામ બોમ્બે!'એ ઘરઆંગણે બે નેશનલ એવોર્ડ જીત્યા - બેસ્ટ ફિચર ફિલ્મ ઇન હિન્દી અને બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ. આ તો થયા ફિલ્મને મળેલા સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડઝ. બાકી આ સિવાય પણ તેને બીજા એટલા બધા એવોર્ડ્ઝ મળ્યા છે કે એની સૂચિને સમાવવા માટે જગ્યા ઓછી પડે!


