Get The App

TV TALK .

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image


સીતાને ખટકે છે રામનું 'દશરથ' બનવું

વર્ષ ૧૯૮૭માં રામાનંદ સાગરની પૌરાણિક ધારાવાહિક 'રામાયણ'માં ભગવાન 'રામ'ની ભૂમિકા અરૂણ-ગોવિલે અને માતા 'સીતા'નું પાત્ર દીપિકા ચિખલિયાએ ભજવ્યું હતું. આ શોમાં તેમની 'સીતા-રામ'ની જોડીને અપ્રતિમ લોકપ્રિયતા મળી હતી.  હવે કહાણીમાં નવો વળાંક આવ્યો છે. વાત જાણે એમ છે કે ફિલ્મ સર્જક નિતેશ તિવારી 'રામાયણ' બનાવી રહ્યાં છે. આ સિનેમામાં 'રામ'ની ભૂમિકા રણબીર કપૂર કરી રહ્યો છે. જ્યારે અરૂણ ગોવિલે તેમાં 'દશરથ'નો રોલ કરવાનું સ્વીકાર્યું છે. પરંતુ દીપિકાના ગળે આ વાત નથી ઉતરી રહી. અભિનેત્રી કહે છે કે અરૂણ ગોવિલને 'રામ' સિવાય અન્ય કોઈપણ રૂપમાં જોવાનું મને વિચિત્ર લાગશે. મેં તેમને હમેશાં 'રામ'ના રૂપમાં અને મને 'સીતા' તરીકે જોયાં છે. અલબત્ત, 'દશરથ'નું કિરદાર અદા કરવું એ અરૂણ ગોવિલની અંગત પસંદગી છે. પરંતુ મારા મતે તમે એક વખત 'રામ' બનો પછી લોકો તમને એ રૂપમાં જ યાદ રાખે. જોકે દીપિકાને આ ફિલ્મ માટે બિલકુલ સંભારવામાં ન આવી તેનો તેને રંજ છે. અદાકારા કહે છે કે કદાચ ફિલ્મ સર્જકોએ મારા માટે વિચાર્યું જ નથી. દીપિકાએ અરૂણ ગોવિલનો દાખલો જોતાં એમ પણ કહ્યું હતું કે જો મને આ ફિલ્મમાં 'સીતા' સિવાયનો કોઈ રોલ ઑફર થાત તોય હું તે ન કરી શકત. હા, 'મહાભારત' કે 'શિવ પુરાણ' જેવી કોઈ કથા હોત તો અલગ વાત હોત.

તબીબની મનાઈ છતાં ઇજાગ્રસ્ત પ્રિશા ધતવાલિયા સેટ પર પહોંચી

અભિનેત્રી પ્રિશા ધતવાલિયા તેની દૈનિક ધારાવાહિકનું શૂટિંગ કરી રહી હતી ત્યારે ઈજાગ્રસ્ત થઈ હતી. અદાકારાએ પોતે શી રીતે ઈજા પામી તેના વિશે કહ્યું હતું કે તાજેતરમાં હું સેટ પર મારો શૉટ આવે તેની રાહ જોતી બેઠી હતી તે વખતે જ કાંઈક લેવા માટે  ઊભી થઈ. હું સહેજ ચાલી ત્યાં  તો મારો પગ મચકોડાઈ ગયો અને મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. હું ત્યાં જ પડી ગઈ. જોકે મારી સહકલાકાર અક્ષિતા તિવારી તરત જ મારી મદદે દોડી આવી હતી. સેટ પર મને પ્રાથમિક સારવાર આપવામાં આવી ત્યારે મને થોડી રાહત જણાઈ. મને લાગ્યું કે મારો પગ સહેજ જ મચકોડાયો છે. પણ થોડીવારમાં મારી પીડા અહહ્ય થઈ જતાં અમે તબીબ પાસે દોડી ગયા. ડૉક્ટરે મારો પગ તપાસીને કહ્યું હતું કે મારી રક્તવાહિનીઓ ફાટી ગઈ છે અને હાડકાંમાં થોડો સોજો આવી ગયો છે. મારો દુખાવો ેટલો બધો વધી ગયો કે મને સમજાતું નહોતું કે આ પીડા સાથે હું શી રીતે પાર પાડું.   જોકે અભિનેત્રીએ ડૉક્ટરની વાત કાને નહોતી ધરી. તે પ્લાસ્ટર કરાવ્યા પછી અડધા કલાકમાં સેટ પર પહોંચી ગઈ હતી. તે કહે છે કે મને એવું લાગે છે જાણે 'મેરી ભવ્ય લાઈફ' મારો પોતાનો શો છે. તેમાં હું દર બીજા-ત્રીજા દ્રશ્યમાં હોઉં છું. જોકે તબીબે સૂચન કર્યા મુજબ મારા દરેક શૉટમાં મારી બાજુમાં એક ટેબલ મૂકવામાં આવે છે. મને એક મિનિટથી વધુ સમય ઊભા રહેવાની મનાઈ કરવામાં આવી છે. અલબત્ત, મારા માટે શૉટ આપવાનું સહેલું નથી. પણ સેટ પર હાજર લોકોની મદદથી હું મારું કામ કરી લઉં છું.

નિશિગંધા વાડનો ઓનસ્ક્રીન સમય થીજી જશે

મરાઠી ફિલ્મો અને ટીવી સીરિયલોની લોકપ્રિય અભિનેત્રી નિશિગંધા વાડ હવે ફિક્શન શો 'જમાઈ નંબર વન'માં પ્રવેશી રહી છે. અગાઉથી જ દર્શકોમાં પ્રિય થઈ પડેલા આ શોમાં અભિનેત્રી એક રહસ્યમય સ્ત્રી 'ઉમા'નું પાત્ર અદા કરશે. (તમે આ વાંચી રહ્યાં હશો ત્યારે તે કદાચ શોમાં આવી ચૂકી હશે.) અદાકારા દુ:ખના દરિયામાં ડૂબેલી, એકલવાયી, સમાજથી કપાયેલી સ્ત્રી તરીકે રજૂ થઈ રહી છે. ધારાવાહિકમાં તેનો સમય જાણે કે થીજી ગયો છે. તેથી એકમાત્ર સાથી તેના હાથમાં રહેલી ઢીંગલી છે. તે જાણે કે કોઈકની રાહ જોઈ રહી છે. પરંતુ તેની આસપાસ રચાયેલું રહસ્યનું આવરણ કહે છે કે 'ઉમા'ના આગમન સાથે શોમાં નવા વળાંકો આવશે, ષડ્યંત્રો ઉમેરાશે. ધીમે ધીમે એ વાત ઉઘડતી જશે કે 'ઉમા'  ખરેખર કોણ અને કેવી છે.

સુમ્બુલ તૌકિર પાંચ સંતાનોની માતાના રોલમાં

અભિનેત્રી સુમ્બુલ તૌકિરે 'ઈમલી'માં ગ્રામ્ય યુવતીને વાસ્તવિક અવતારમાં રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધાં હતાં. જોકે તે રીઆલિટી શો 'બિગ બૉસ'માં ખાસ ન જામી. પરંતુ હવે તે એકદમ અલગ પ્રકારની ભૂમિકા સાથે ધારાવાહિક 'ઇત્તી સી ખુશી'માં જોવા મળશે. આ હૃદયસ્પર્શીક કહાણીમાં અભિનેત્રી 'અન્વિતા દિવેકર'ની મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. અદાકારા પોતાના આ પાત્ર વિશે કહે છે કે 'અન્વિતા' એક રીતે પોતાની વયના ભાઈ-બહેનોની 'માતા' બની જાય છે. મુંબઈમાં રહેતી આ યુવતી છ ભાઈ-બહેનોમાં સૌથી મોટી હોય છે. તેની માતા તેમને છોડીને જતી રહી હોય છે અને પિતા આલ્કોહોલિક હોવાથી પાંચ ભાઈ-બહેનોને સંભાળવાની જવાબદારી તેના પર આવી જાય છે.  તેનો નિર્વ્યાજ પ્રેમ જ લોકોના હૃદયને સ્પર્સી જશે. તેમાં એક સામાન્ય પરિવારના રોજિંદા સંઘર્ષ બખૂબી વણી લેવામાં આવી રહ્યાં છે.

Tags :