- સિને મેજિક- અજિત પોપટ
- 'અખિયોં કે ઝરોખોં સે...' ખાસ્સું લાંબું ગીત છે. રાત્રિના સમયે ખાસ કરીને મધ્યરાત્રિએ ગવાતા રાગ ભીમપલાસીમાં ગીતનો ઉપાડ થાય છે અને ત્યારબાદ મધમાડ સારંગમાં પરિવતત થઇને ફરી મુખડામાં ભીમપલાસીમાં આવી જાય છે.
ગુએક વિદેશી ગીતની તર્જ પરથી બોલિવૂડમાં ત્રણ ચાર ગીતો બને અને એ બઘાં ગીતો પાછાં સુપરહિટ થાય એ વિશે અગાઉ આ સ્થળેથી વાત કરેલી. એવું ક્યારેક વિદેશી વાર્તા કે ફિલ્મ પરથી પણ બન્યું છે. આજે રાજશ્રીની જે હિટ નીવડેલી ફિલ્મના સંગીતની વાત કરવી છે એની બાબતમાં પણ એવું જ બન્યું. અમેરિકન વાર્તાકાર-નવલકથાકાર એરિક સેગલે 'લવ સ્ટોરી' નામે એક વાર્તા લખેલી. એના પરથી હોલિવુડમાં ફિલ્મ પણ બની. એ હિટ ફિલ્મ પરથી બોલિવૂડમાં એક કરતાં વધુ ફિલ્મો બની. આ હિન્દી ફિલ્મો ચાલી પણ ખરી. ૨૦૦૩માં ખ્વાહિશ, ૨૦૦૮માં લવ અને ૨૦૧૬માં 'સનમ તેરી કસમ'. જો કે સૌથી પહેલાં એટલે કે ૧૯૭૮માં એવી એક ફિલ્મ રાજશ્રીએ બનાવેલી. હિરેન નાગ નિર્દેશિત આ ફિલ્મનું ટાઇટલ પણ અુત છે- 'અંખિંયોં કે ઝરોખે સે...' પ્રખર ગુજરાતી કવિ ડોક્ટર સુરેશ દલાલે એકવાર કહેલું, આ ટાઇટલનો ગુજરાતી તરજૂમો કરવાનું કાર્ય થોડું મુશ્કેલ થઇ પડે. શું કરીએ? દ્રષ્ટિના ઝરુખેથી, આંખલડીના ઝરુખેથી, નયનના ઝરુખેથી કે ચક્ષુના ઝરુખેથી ? એના કરતાં હિન્દી ટાઇટલ જ રાખીએ.
જોકે આપણને આ કથા સાવ નવી ન લાગે. બે-ચાર લાઇનમાં કહીએ તો એક હિન્દુ યુવાન એક ખ્રિસ્તી યુવતીના પ્રેમમાં પડે. બંનેનાં માતાપિતા લગ્ન કરવાની સંમતિ આપે. પરંતુ પછી ખબર પડે કે યુવતીને કોઇ જીવલેણ બીમારી છે. છતાં યુવક એને પરણવા તૈયાર હોય. આખરે યુવતી મરણ પામે. વાર્તા પૂરી. ૧૯૭૮માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં આ ફિલ્મનો પણ સમાવેશ થયો હતો. રાજશ્રીએ તો ૨૦૧૧માં આ ફિલ્મની સિક્વલ પણ બનાવેલી. મૂળ ફિલ્મના નાયક-નાયિકાને જ આ સિક્વલમાં પણ ચમકાવેલાં. સિક્વલ પણ હિટ નીવડી હતી. હીરો હતો સચિન અને હીરોઇન હતી રંજિતા. મૂળ અને સિક્વલ બંનેનાં ગીત-સંગીત રવીન્દ્ર જૈનનાં હતાં.
ફિલ્મમાં માત્ર ચાર ગીતો હતાં. અહીં એક આડવાત કરી દેવી જરૂરી જણાય છે. રવીન્દ્ર જૈનને તુલસીદાસજી રચિત રામચરિત માનસ માટે એટલો બધો પ્રેમ હતો કે પોતે કરેલી શરૂઆતની લગભગ બધી ફિલ્મોમાં ફિલ્મ સર્જકને સમજાવીને કે રાજી કરીને સુંદર કાંડના દોહા ઉમેરાવતા. કોણ જાણે કેમ પણ ઓડિયન્સને પણ આ દોહા ગમતા. આ ફિલ્મમાં પણ એ રીતે કેટલાક દોહા ઉમેરાયા છે. આ દોહા ફક્ત બે પંક્તિમાં બહુ મોટી વાત કરી જાય છે. ગીત સંગીતની વાતમાં એ દોહાનો સમાવેશ કર્યો નથી.
ચાર ગીતોમાં એક હેમલતાનો સોલો છે. એક ગીત રવીન્દ્ર જૈને ગાયું છે. બાકીના બંને યુગલગીત છે જે હેમલતા અને શૈલેન્દ્ર સિંઘના કંઠમાં છે. દોહાવલી હેમલતા અને જસપાલ સિંઘના કંઠમાં છે.
હેમલતાએ ગાયેલું ટાઇટલ ગીત 'અંખિંયોં ઝરોખોં સે મૈંને દેખા જો સવેરા, તુમ દૂર નજર આયે, બડી દૂર નજર આયે, બંધ કર કે ઝરોખે કો, બૈઠી જૌ સોચને, મન મેં તુમ્હી મુસ્કાયે...' ખરું પૂછો તો આ ટાઇટલ ગીત કહેવા કરતાં થીમ સોંગ કહેવું વધુ યોગ્ય છે. ખાસ્સું લાંબું ગીત છે. એકવાર ખુશીની પળોમાં અને બીજીવાર અફસોસ કે દુ:ખની પળોમાં એમ આ ગીતનાં બે વર્ઝન છે. રાત્રિના સમયે ખાસ કરીને મધ્યરાત્રિએ ગવાતા રાગ ભીમપલાસીમાં ગીતનો ઉપાડ થાય છે અને ત્યારબાદ મધમાડ સારંગમાં પરિવતત થઇને ફરી મુખડામાં ભીમપલાસીમાં આવી જાય છે. શબ્દોની નજાકતને તાદ્રશ કરવા સંગીતકારે અહીં છ માત્રાનો દાદરા તાલ અજમાવ્યો છે. સાંભળનારને આંખના પલકારામાં પોતાનો કરી લે એવાં તર્જ-લય છે.
સંગીતકાર રવીન્દ્ર જૈને પોતે ગાયેલું ગીત આપણને ગમગીન કરી દે એવું છે. એમાં જીવનની નિરર્થકતા જરા જુદી રીતે વ્યક્ત કરાઇ છે. 'જાતે હુએ યે પલ છીન, ક્યોં જીવન લિયે જાતે, જોડે યહી, યહી સબ તોડે નાતે, જાતે હુએ યે પલ છીન, ક્યોં જીવન લિયે જાતે, મન કિતના જીના ચાહે, ઇન્સાન કી હિમાકત દેખો, ઉમ્મીદ હી કરતા જાયે, કોઇ રાહ મંજિલ કી, કહીં તુઝે તો બતલાયે, જાતે હુએ યે પલ છીન...' કોઇ ચોક્કસ રાગનો આધાર લીધા વિના મિશ્ર કહી શકાય એવા પ્રકારની આ તર્જ અનોખી છટા ઘરાવે છે.
એક નાનકડા બાળકને પાનો ચડાવતા હોય એવા શબ્દો ધરાવતું ગીત હિન્દી અને અંગ્રેજી શબ્દો ઘરાવતું હિન્ગલીશ ગીત છે. હેમલતા અને શૈલેન્દ્ર સિંઘના કંઠે રજૂ થતું આ ગીત પણ છ માત્રાના દાદરા તાલમાં છે. અહીં પણ સંગીતકારે બે રાગમાં ગીતને વહેંચી દીધું છે. ખમાજથી શરૂ થઇને ઝિંઝોટીમાં પસાર થઇને ફરી ખમાજમાં પલટાઇ જતા આ ગીતના શબ્દો છે- 'એક દિન તુમ બહુત બડે બનોગે, ચાંદ સે ચમક ઊઠોગે એક દિન, વીલ યુ ફરગેટ મી ધેન, હાઉ આય કેન, ટેલ મી હાઉ આય કેન...'
છેલ્લું ગીત 'કઇ દિન સે મુઝે કોઇ સપને મેં આવાઝ દેતા થા, હર પલ બુલાતા થા, અચ્છા તો વો તુમ હો, અક્સર મેરા મન કહતા થા, ચૂપ કર, કોઇ આતા હૈ, હલચલ મચાતા હૈ, અચ્છા તો વો તુમ હો...' ફરી હેમલતા અને શૈલેન્દ્રના કંઠે રજૂ થતું આ ગીત કહરવા તાલમાં છે. કીરવાણી રાગથી શરૂ થઇ, ભૈરવીમાં ફેરવાઇને ફરી કીરવાણીમાં આવી જાય છે. ચારેચાર ગીતો કર્ણપ્રિય અને મધુર છે. એક્શન ફિલ્મોની વચ્ચે પણ મધુરતા જળવાઇ રહી એ માટે રવીન્દ્ર જૈન જેવા સંગીતકારોને થેંક્યુ કહેવું પડે.


