Get The App

સિધ્ધાર્થ મલ્હોત્રા : એ પટકથાએ મારી આંખોમાં આંસુ લાવી દીધાં

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
સિધ્ધાર્થ મલ્હોત્રા : એ પટકથાએ મારી આંખોમાં આંસુ લાવી દીધાં 1 - image

શકુન બત્રાની ૨૦૧૬માં આવેલી પારિવારિક ડ્રામા ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ'માં પીઢ સદ્ગત અભિનેતા રિશી કપૂર સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા, ફવાદ ખાન, આલિયા ભટ્ટ, રત્ના પાઠક-શાહ અને રજત કપૂર હતા. આ ફિલ્મને દસ વર્ષ પૂરા થયાં છે. સિધ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મ સાથે સંકળાયેલી મધુર યાદો વાગોળે છે અને તેની સ્મૃતિ તાજી કરે છે.

સિધ્ધાર્થ મલ્હોત્રાએ આ ફિલ્મમાં પરિવારના નાના પુત્ર અર્જુનનું પાત્ર ભજવ્યું હતું. શકુનના તેની બહેન સાથેના સંબંધો પર આધારિત આ પાત્ર હતું. ફિલ્મમાં એનો મોટા ભાઈ રાહુલ (ફવાદ ખાન) સૌનો ફેવરિટ છે, જ્યારે અર્જુન પ્રત્યે સૌ થોડું ઓરમાયું વર્તન કરે છે. 

સિધ્ધાર્થ આ પાત્રને યાદ કરતાં કહે છે, 'જ્યારે મેં પહેલીવાર પટકથા વાંચી ત્યારે મને યાદ છે કે મારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં. એ આંસુ સાથે જ મેં પટકથા પૂરેપૂરી વાંચી લીધી હતી. જાણે કોઈ અસ્તવ્યસ્ત પંજાબી પરિવારમાં પગ મૂક્યો હોય એવું મને લાગતું હતું કે જ્યાં દરેક પાત્ર એકદમ જીવંત અને સાચુકલું લાગતું હતું. અર્જુનનું પાત્ર ભજવવાનો અનુભવ મારા માટે વિશેષ રહ્યો, કેમ કે એ પ્રેમાળ અને સંવેદનશીલ છે, અને પોતાની અંદર ઘણો ભાર વેઠીને એ બધું વહન કરતો રહે છે.

૪૧ વર્ષીય આ અભિનેતા કહે છે કે આ ખૂબ જ ફળદાયી પ્રોજેક્ટ રહ્યો છે. દસ વર્ષ પછી પણ લોકો તેના વિશે વાતો કરે છે. આ ફિલ્મમાં દેખાડેલાં ફેમિલી ડાયનેમિક્સ ગજબ હતાં. એવું લાગતું કે જાણે અમે સૌ આ પાત્રો સાથે રહ્યા છીએ. મને આનંદ છે કે હું આવી યાદગાર ફિલ્મનો હિસ્સો બની શક્યો...