સિદ્ધાર્થ નિગમને હવે 'ટીવી એક્ટર'ના લેબલની શરમ નથી
- 'લોકો મને આજે એક એક્ટર તરીકે ઓળખેે છે. હું સોશિયલ મીડિયા કે ટીવીમાંથી આવ્યો હોઉં તો એનો અર્થ એવો થાય કે મેં સારું કામ કર્યું છે. લોકો પછી ભલે મને ગમે તેવું નામ આપે'
ઓટીટીની બોલબાલા વધ્યા પછી ટીવીના કલાકારોનું સીરિયલમાંથી ફિલ્મો અને વેબ શોઝ તરફનું ટ્રાન્સિજન (સંક્રમણ) એક આમ વાત બની ગઈ છે. પોતાની કરિયરનો ફલક વિસ્તારવો કયા એક્ટરને ન ગમે? યુવાન એક્ટર સિદ્ધાર્થ નિગમે આવા ટ્રાન્સિજન માટે ટીવીમાંથી બ્રેક લીધો છે. એક સમયે 'અલાદ્દીન- નામ તો સુના હોગા' અને 'હીરો ગાયબ મોડ ઓન' જેવી સીરિયલોમાં લીડ રોલ કરી સિદ્ધાર્થ નિગમ ઘરઘરમાં જાણીતો થઈ ગયો હતો. એણે છેલ્લો ટીવી શો કર્યાને લગભગ ચાર વરસ થઈ ગયા. એણે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું પછી સિદ્ધાર્થ તાજેતરમાં વેબ સીરિઝ 'હૈ જુનુન'માં ચમક્યો.
હમમાં એક ઇવેન્ટમાં મીડિયાએ ૨૪ વરસના નિગમને એણે સીરિયલોમાંથી લીધેલા અવકાશ વિશે પૂછ્યો. જવાબમાં સિદ્ધાર્થે ગોળ ગોળ વાત કરવાને સીધુ જ કહ્યું, 'હાલપુરતો મેં ટીવીમાંથી બ્રેક લીધો છે, પરંતુ મેં ટીવીનું મીડિયમ કાયમ માટે છોડયું નથી. લોકો મને આજે એક એક્ટર તરીકે ઓળખે છે કારણ કે મેં મારું કૌવત પુરવાર કર્યું છે. કોઈને હું સોશિયલ મીડિયા કે ટીવીમાંથી મળ્યો હોઉં તો એનો અર્થ એવો થાય કે મેં સારું કામ કર્યું છે. લોકો મને ગમે તે ઉપનામ આપે, પણ હું જાણું છું કે આય એમ ડુઇંગ ગુડ વર્ક અને હું બીજા બધા કરતા ટેલિવિઝનનો વધુ આદર કરું છું.'
સિદ્ધાર્થ નિગમની જર્ની કોઈ રીતે સહેલી નથી રહી. પોતાના આર્થિક અને પ્રોફેશનલ સંઘર્ષના દિવસો યાદ કરતા એ કહે છે, 'એ વખતે મને કોઈ મોટી ઓફર મળતી નહોતી. ઇન્ડસ્ટ્રીમાં કોઈ મારો ગોડફાધર નહોતો જે મને ફાયનાન્શિયલી કે પ્રોફેશનલી હેલ્પ કરે. મારી પાસે વન બીએચકેના ભાડાના ફ્લેટમાં રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. બે છેડાં ભેગા કરવા પણ મારા માટે આકરા હતા, પરંતુ એ બધા અનુભવે મને વિનમ્ર અને વિવેકી બનાવ્યો.'
પોતાની દાસ્તાન-એ-સ્ટ્રગલના સમાપનમાં સિદ્ધાર્થ જીવનની વાસ્તવિકતા દર્શાવે છે, 'મને એક્ટર તરીકેની ઓળખ મળી ગયા બાદ પણ હું સાવ સાધારણ જિંદગી જીવતો. એ તબક્કાએ મને એક વાત શીખવી કે પ્રસિદ્ધિ તમારું ભાડું ચુકવવા આવતી નથી. લાઇફમાં કશું જ સાશ્વત નથી. એને લીધે હું દરેક વાતની વધુ કદર કરતો થઈ ગયો.'